ગુજરાતમાં આફતની આંધી અને મુશળધાર માઠવાએ ખેડૂતોની માઠી દશા લાવી દીધી છે. ખેડૂતોના મોંઢામાં આવેલો કોળિયો છીનવી લીધો છે, પરંતુ આ આફત હજુ ટળી નથી. આફતની આંધી અને માવઠાનો માર હજુ પણ પડવાનો છે, અને તેની આગાહી હવામાન વિભાગથી લઈ આગાહીકાર અંબાલાલ પટેલ પણ કરી રહ્યા છે. ક્યાં ક્યારે પડવાનો છે વરસાદ?, ક્યાં છાપરા ઉડાવી દે તેવો આવવાનો છે પવન?, ક્યાં પડવાના છે કરા?….જુઓ આવી રહેલી આફતનો આ ખાસ અહેવાલ….
ગુજરાતમાં ભારે પવન સાથે થયેલા વરસાદે હાહાકાર મચાવ્યો છે, પરંતુ આફતનો અંત હજુ ટળ્યો નથી. હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. આગામી 10 મે સુધી માવઠાનો ખતરો હજુ પણ મંડરાઈ રહ્યો છે. હવામાન વિભાગે ચેતવણી જારી કરી છે છે કે, ભાવનગર, અમરેલી, સુરત, ભરૂચમાં રેડ એલર્ટ, દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, અરવલ્લીમાં યલો એલર્ટ… અમદાવાદ, ગાંધીનગર, જામનગર, દ્વારકા, પોરબંદરમાં પણ યલો એલર્ટ સાથે ગાજવીજનો ખતરો છે…
ક્યાં રેડ એલર્ટ? ભાવનગર, અમરેલી, સુરત, ભરૂચ
ક્યાં ઓરેન્જ એલર્ટ? દક્ષિણ ગુજરાત તમામ જિલ્લા
ક્યાં યલો એલર્ટ? કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, અરવલ્લી અમદાવાદ, ગાંધીનગર, જામનગર, દ્વારકા, પોરબંદર
7 મે ના રોજ… સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે…
8મે ના રોજ..બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નર્મદા અને છોટાઉદેપુરમાં છૂટાછવાયો સ્થળોએ વીજળીના કડકા-ભડાકા સાથે અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે. જો કે સાતમી મે બાદ વરસાદનું જોર ઘટશે અને 10મી મે બાદ માવઠાની સ્થિતિથી રાહત મળશે.
અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે, જેનાથી ટ્રાફિક અને રોજિંદા જીવન પર અસર થઈ શકે છે….
તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે, પાકિસ્તાન પર બનેલું સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતમાં તબાહી મચાવી રહ્યું છે. આગામી ચાર દિવસ સુધી માવઠાનો માર યથાવત રહેવાનો છે.