Gujarat Politics: રાહુલ ગાંધી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. તેમનું અમદાવાદ એરપોર્ટ ખાતે કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરાયું હતું. ત્યારબાદ તેઓ અમદાવાદ ખાતે આવેલા કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન પહોંચ્યા હતા. જણાવી દઈએ કે, લોકસભામાં નેતા વિપક્ષ બન્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જુલાઈ, 2024માં કહ્યું હતું કે, અમે ગુજરાતમાં મોદી અને ભાજપને હરાવીશું. જો કે, ગત વિધાનસભા ચૂંટણીઓમાં ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની હાર થઈ છે. ત્યારબાદ હવે રાહુલ ગાંધી ભાજપને તેના જ મજબૂત ગઢ ગુજરાતમાં ઘેરવા માગે છે. રાહુલ ગાંધી કોંગ્રેસના એપ્રિલમાં થનારા બે દિવસના રાષ્ટ્રીય અધિવેશનના એક મહિના પહેલા ગુજરાતની મુલાકાત આવી પહોંચ્યા છે, જેથી અધિવેશનમાં તેના અનુરૂપ રણનીતિ બનાવી શકાય. જો કે, ગુજરાતમાં યોજાયેલી બેઠકોમાં કાર્યકર્તાઓનો રોષ જોવા મળ્યો હતો.
રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં 400થી વધુ કોંગ્રેસ નેતા અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. અહીં તેમણે શહેર-જિલ્લા પ્રમુખો, તાલુકા-નગર પ્રમુખો સાથે રાજ્યની મુખ્ય સમસ્યા અંગે ચર્ચા કરી હતી. ત્યારબાદ દિગ્ગજ નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે ગુજરાતમાં કોંગ્રેસ સંગઠનની વર્તમાન સ્થિતિ અંગે પણ ગહન ચર્ચા કરી હતી.
રાહુલ ગાંધીએ રાજ્યમાં કોંગ્રેસની સ્થિતિને લઈને ખુબ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે તમામ સિનિયર કોંગ્રેસ આગેવાનોને કેટલાક સવાલો પૂછ્યા હતા. આ દરમિયાન તેમણે કોંગ્રેસ નેતાઓને ખખડાવ્યા હતા. ગુજરાતની ચૂંટણીઓમાં કારમી હારને લઈને સિનિયર નેતાઓનો ઉધડો લીધો હતો.
ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓ રોષે ભરાયા
ગુજરાતમાં કોંગ્રેસ વર્ષ 1995થી સત્તાથી દૂર છે. તેવામાં હવે રાહુલ ગાંધી ગુજરાતમાં વધુ સક્રિય થતા નજરે પડી રહ્યા છે. પરંતુ ગુજરાતના કોંગ્રેસ કાર્યકર્તાઓ શીર્ષ નેતૃત્વથી સંતુષ્ટ ન હોવાનું આજે જોવા મળ્યું છે. રાહુલ ગાંધીએ અમદાવાદમાં યોજેલી બેઠકમાં કાર્યકરોનો આક્રોષ જોવા મળ્યો હતો. આ દરમિયાન ગુજરાત કોંગ્રેસ સંગઠનને બદલવા માગ ઉઠી. કેટલાક આરોપ લગાવાયા છે અને કેટલીક માગ પણ રજૂ કરાઈ છે. આક્રમકતા સાથે લડી શકે એવા નેતાઓને કેન્દ્રીય નેતૃત્વ સપોર્ટ કરે અને લીડરશિપ કોમ્પ્રોમાઇઝ ના હોવી જોઈએ એવી રજૂઆત કરાઈ હતી. કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધીને રજૂઆત કરી કે સતત ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે સંપર્કમાં રહે.
ગણતરીના નેતાઓનું જ કોંગ્રેસમાં ચાલતું હોવાની ફરિયાદ
રાહુલ ગાંધી સાથેની બેઠકમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ રાજ્યના શીર્ષ નેતૃત્વ પર સવાલો ઉભા કર્યા હતા. શીર્ષ નેતૃત્વને કારણે ગુજરાતમાં પાર્ટીનું પતન થઈ રહ્યું હોવાની વાત કરી હતી. એક કાર્યકર દ્વારા ગણતરીના નેતાઓનું જ કોંગ્રેસમાં ચાલતું હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. તેના અનુસાર, ગુજરાતમાં કોંગ્રેસનું નેતૃત્વ કરે તેવા શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા, સિદ્ધાર્થ પટેલ, હિમંત સિંહ પટેલ, મધુસુદન મિસ્ત્રી સિવાય કોઈ ચહેરા મળતા જ નથી. એટલા માટે કોંગ્રેસ પાર્ટી રાજ્યમાં ખતમ થઈ રહી છે. અન્ય એક કોંગ્રેસ કાર્યકરે આક્ષેપ કરતા કહ્યું હતું કે, પાર્ટીમાં વ્હાલાદવલાની નીતિના કારણે કોંગ્રેસ ક્યારે ઉભી થતી જ નથી. પાર્ટીમાં આંતરિક વિખવાદના કારણે પાર્ટી તૂટી રહી છે.
કોંગ્રેસના નેતાઓએ જ ગેનીબેનને હરાવવાના કર્યા પ્રયાસ
કાર્યકર્તાઓ દ્વારા ગેનીબેનના નામનો પણ ઉલ્લેખ કરાયો હતો. કાર્યકર્તાઓના અનુસાર, લોકસભાની ચૂંટણી વખતે ગેનીબેન ઠાકોરને હરાવવાના કોંગ્રેસના જ નેતાઓ દ્વારા ખુબ પ્રયાસો થયા હતા, જો કે તેઓ જીતી ગયા. ગેનીબેનને હરાવવા આંતરિક ખેંચાખેંચી થઈ હતી.
‘તાલુકા કક્ષાના નેતાઓને ટોચના નેતા ઓળખતા નથી’
ગુજરાત કોંગ્રેસના તાલુકા અને બ્લોક પ્રમુખો સાથે બેઠકમાં સંગઠન અંગે તાલુકા પ્રમુખોએ નારાજગી વ્યક્ત કરતા બળાપો કાઢ્યો હતો. તેમણે સંગઠનમાં બદલાવ અંગે માગ કરી હતી. આ બેઠકમાં કાર્યકરોએ કહ્યું હતું કે, પ્રદેશ પ્રમુખ અને શીર્ષ નેતાઓ તાલુકા કક્ષાના નેતાઓને ઓળખતા નથી. તાલુકા પ્રમુખોની રજૂઆત તરીકે અમને નીચેના માણસોને સાંભળનારો માણસ જોઈએ છે. જે ફૂટેલા અને ગણ્યા ગાંઠ્યા નેતાઓ છે તેમનું જ ચાલે છે. નાના માણસોનું ચાલે તે દિશામાં આગળ વધવું જોઈએ.
ગદ્દારોને પાર્ટીમાંથી હાંકી કાઢવાની માગ
સંગઠનમાં પાર્ટી વિરુદ્ધ કામ કરનાર ગદ્દારોને હાંકી કાઢવામાં આવે તેવી પણ તાલુકા પ્રમુખોએ રજૂઆત કરી હતી. આ સાથે સંગઠનમાં જે ગદ્દારો છે તેમની વિરુદ્ધ પગલા લેવાની પણ રાહુલ ગાંધીને રજૂઆત કરાઈ છે. પ્રિયંકા ગાંધીને ગુજરાતમાં કોંગ્રેસના પ્રચાર માટે મોકલવા પણ કાર્યકરોએ માંગ કરી હતી.
રાહુલ ગાંધીની બેઠકોમાં દિગ્ગજોની હાજરી
રાહુલ ગાંધીએ રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે બેઠક યોજી હતી. જેમાં રાજ્ય સ્તરના સંગઠનની સ્થિતિ અને બદલાવ અંગે ચર્ચા થઈ હતી. જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ પ્રદેશ પ્રમુખો ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ, વિધાનસભા નેતા વિપક્ષ અમિત ચાવડા અને મધુસુદન મિસ્ત્રી હાજર રહ્યાં હતા. આ સિવાય ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિક, સંગઠન સચિવ કે.સી.વેણુગોપાલ, AICC સેક્રેટરી ઉષા નાયડુ, પૂર્વ સાંસદ અમી યાજ્ઞિન પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં જિજ્ઞેશ મેવાણી, લાલજી દેસાઈ, લલિત કગથરા, ઋષિકેશ મકવાણા અને ગેનીબેન ઠાકોર સહિતના શીર્ષ નેતાઓ પણ હાજર રહ્યા હતા.
રાહુલ ગાંધીએ એક બાદ એક પાંચ મોટી બેઠક યોજી
રાહુલ ગાંધીએ 7 માર્ચે રાજીવ ભવન ખાતે એક બાદ એક પાંચ બેઠકો કરી હતી. જેમાં પહેલી બેઠક પ્રદેશ નેતાઓ, વિધાનસભામાં નેતા વિપક્ષ, વિધાનસભામાં પૂર્વ વિપક્ષ નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખો હાજર રહ્યા હતા. ત્યારબાદ બીજી બેઠક પોલિટિકલ અફેર્સ કમિટીની યોજાઈ હતી. જેમાં 12 ધારાસભ્યો, 1 સાંસદ , પૂર્વ સાંસદો અને પૂર્વ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસના કિસાન સેલ, ડોક્ટર સેલ સહિતના 18 સેલના ચેરમેનો સાથે ત્રીજી બેઠક કરી હતી. ત્યારબાદ રાહુલ ગાંધી બે કલાક માટે આરામ કર્યો હતો. પછી ચોથી બેઠક કોંગ્રેસના 33 જિલ્લા પ્રમુખ અને 11 શહેર પ્રમુખ સાથે મહત્ત્વની બેઠક યોજાઈ હતી. જ્યારે પાંચમી બેઠક 300 વોર્ડ પ્રમુખ અને તાલુકા પ્રમુખો સાથે યોજાઈ હતી. હવે રાહુલ આજે શનિવારે ZA હોલ ખાતે 2000 કાર્યકરો સાથે સંવાદ કાર્યક્રમ કરશે.
રાહુલ ગાંધીનો 8 માર્ચનો કાર્યક્રમ
આજે શનિવારે રાહુલ ગાંધી સવારથી બપોર સુધી કોંગ્રેસના કાર્યકરો સાથે સીધો સંવાદ કરશે. આ સંવાદમાં જિલ્લાથી લઈને તાલુકો અને શહેર કોંગ્રેસ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો જોડાશે. આ સંવાદમાં હાલની રાજ્ય સરકારની નિષ્ફળતાઓને પ્રજા સમક્ષ કેવી રીતે લઈ જવી, આગામી લોક ચેતના અને લોક સંપર્ક માટેના કાર્યક્રમોની ચર્ચા સાથે રાજ્યના નાગરિકોની હયાત સમસ્યાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરશે.
ત્યારબાદ રાહુલ ગાંધી આ સંવાદના ભાગરૂપે જિલ્લા હોદ્દેદારોથી લઈ કાર્યકરો, ધારાસભ્યો, સાંસદ સાથે કોંગ્રેસને કેવી રીતે સશક્ત બનાવવી એ અંગે ખુલ્લા દિલે ચર્ચા કરશે. રાહુલ ગાંધી પાયાના કાર્યકરો સાથે વન ટુ વન ચર્ચા પણ કરશે. 8 માર્ચના રોજ બપોરે ચર્ચા બાદ રાહુલ ગાંધી દિલ્હી જવા રવાના થશે.
આગામી મહિને ગુજરાતમાં કોંગ્રેસનું અધિવેશન
ગુજરાતમાં 64 વર્ષ બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન થવા જઈ રહ્યું છે. આ પહેલાં છેક 1961માં ભાવનગરમાં કોંગ્રેસનું અધિવેશન યોજાયું હતું. તારીખ 8-9 એપ્રિલ 2025ના દિવસે AICC અધિવેશનનું સ્થળ નક્કી કરવા માટે સંગઠન મહાસચિવ કે.સી વેણુગોપાલ અમદાવાદ પહોંચ્યા હતાં. ત્યારબાદ મંગળવારે (4 માર્ચ) બપોરે ત્રણ વાગ્યે ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક યોજી હતી. આ બેઠકમાં ગુજરાતમાં યોજાનારા 64માં અધિવેનશને લઈને નેતાઓને વિવિધ જવાબદારી સોંપવા અંગે ચર્ચા-વિચારણા કરાઈ હતી.
કોંગ્રેસનું મિશન-2027
નોંધનીય છે કે, AICC અધિવેશનમાં દેશભરના AICC પ્રતિનિધિઓ એકત્રિત થશે. જેમાં બંધારણ તેમજ તેના મૂલ્યો પર થતાં સતત હુમલાઓ અને ભાજપની જનવિરોધી નીતિઓ અંગે ચર્ચા થશે તેમજ પાર્ટીની આગામી કામગીરી અંગે માર્ગદર્શન નક્કી કરવામાં આવશે. કોંગ્રેસ 30 વર્ષથી ગુજરાતમાં છેલ્લાં 30 વર્ષથી હારનો સામનો કરી રહી છે. હાલમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કોંગ્રસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે કોંગ્રેસ મિશન-2027 હેઠળ અત્યારથી તૈયારીમાં લાગી ગઈ છે.
કોંગ્રેસ અધિવેશનની 100મી વર્ષગાંઠ
8 એપ્રિલે વિસ્તૃત કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેકઠક સાથે અધિવેશન શરૂ થશે. ત્યારબાદ 9 એપ્રિલના દિવસે AICC પ્રતિનિધિઓની બેઠક યોજાશે. આ બંને બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અધ્યક્ષતા કરશે તેમજ સંસદીય પક્ષની અધ્યક્ષ સોનિયા ગાંધીજી, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ, રાષ્ટ્રીય પદાધિકારીઓ, વરિષ્ઠ નેતાઓ અને અન્ય AICC પ્રતિનિધિઓ હાજર રહેશે. આ AICC અધિવેશન બેલગાવીમાં યોજાયેલી વિસ્તૃત CWC બેઠક (નવા સત્યાગ્રહ બેઠક)માં અપાયેલ ઠરાવની ચાલુ પ્રક્રિયા તરીકે યોજાઈ રહ્યું છે, જે 1924માં મહાત્મા ગાંધી દ્વારા અધ્યક્ષપદ સંભાળવામાં આવેલા કોંગ્રેસ અધિવેશનની 100મી વર્ષગાંઠની યાદમાં યોજાઈ હતી.
કોંગ્રેસ માટે કેમ જરૂરી છે ગુજરાતમાં જીત?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું ગૃહરાજ્ય ગુજરાત છે. જેથી ગુજરાતની દરેક ચૂંટણી ભાજપ માટે ખૂબ જ મહત્ત્વની હોય છે. આવી સ્થિતિમાં જો કોંગ્રેસે પોતાની સ્થિતિ મજબૂત કરવી હોય તો તેને ગુજરાતમાં ભાજપને નબળું પાડવું પડશે. જો ગુજરાતમાં ભાજપની હાર થાય તો કોંગ્રેસની દેશમાં પકડ મજબૂત થઈ શકવાની સંભાવના છે. તેથી હાલ, કોંગ્રેસ માટે 2027માં ગુજરાતમાં જીત મહત્ત્વની છે. નોંધનીય છે કે, કોંગ્રેસ 1995 થી 2022 સુધી ગુજરાતની તમામ વિધાનસભા ચૂંટણીમાં હારી ગઈ છે. આ સિવાય લોકસભા ચૂંટણીમાં તો 2014 અને 2019માં કોંગ્રેસ પોતાનું ખાતું પણ ખોલાવી નથી શકી. 2024 ની ચૂંટણીમાં બનાસકાંઠાની બેઠકથી ગેનીબેને કોંગ્રેસનું નાક રાખી લોકસભામાં ગુજરાતમાંથી એક બેઠકમાં જીત મેળવી. પરંતુ, સામે ગેનીબેનની વાવ વિધાનસભાની વાવ બેઠક પર પેટાચૂંટણીમાં કોંગ્રેસને ફરીથી હારનો સામનો કરવો પડ્યો હતો. જેથી વિધાનસભામાં જે ગણતરીની બેઠક હતી, તેમાં પણ ઘટાડો થઈ ગયો.