અમદાવાદમાં પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવમાં દિવસના લાખો લોકો ભાગ લઈ રહ્યા છે. આધ્યાત્મના આ અવસર પર પ્રમુખસ્વામીનગરમાં લોકોની ભીડનો ખ્યાલ રાખીને એવી ઘણી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેના કારણે કોઈને પણ મુશ્કેલી ન પડે. લાખો લોકો ઊમટે ત્યારે સૌથી મોટી ચિંતા કોઈ વસ્તુ ખોવાવાની હોય અને આવા સમયે જેના હાથમાં ખોવાયેલી વસ્તુ આવે તે અસલ માલિકને પરત કરવા ઈચ્છે તોપણ ઘણી મુશ્કેલી આવતી હોય છે. ત્યારે આ જ સમસ્યાના સમાધાન માટે પ્રમુખસ્વામીનગરમાં એક વખાણને પાત્ર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેનાથી કોઈની પણ ખોવાયેલી વસ્તુ ગણતરીના સમયમાં જ સરળતાથી મળી જાય.
‘લોસ્ટ એન્ડ ફાઉન્ડ’ નામનું ખાસ સોફ્ટવેર બનાવ્યું
BAPS સંસ્થા દ્વારા એક સોફ્ટવેર બનાવવામાં આવ્યું છે, જેનું નામ છે ‘લોસ્ટ એન્ડ ફાઉન્ડ’. આ સોફ્ટવેરની કામગીરી અંગે વિરાંગ ચૌહાણ નામના સ્વયંસેવકે જણાવ્યું હતું કે ‘પ્રમુખસ્વામીનગરમાં કોઈ વ્યક્તિને ખોવાયેલી વસ્તુ મળે તો તેને અલગ-અલગ વિસ્તારમાં બનાવવામાં આવેલા 12 ‘લોસ્ટ એન્ડ ફાઉન્ડ’ સેન્ટરમાંથી કોઈપણ એક સેન્ટર પર જમા કરાવી શકે છે. આ વ્યક્તિ પાસેથી જે-તે વસ્તુની સામાન્ય વિગતો લેવામાં આવે છે, ત્યાર બાદ એ વસ્તુની સરળતાથી ઓળખ થાય એ રીતે સોફ્ટવેરમાં માહિતી ભરવામાં આવે છે. સોફ્ટવેર પર એન્ટ્રી થતાં જ એ વસ્તુના નામનું એક યુનિક આઈડી જનરેટ થાય છે. આ સાથે જ તમામ સેન્ટરના કોમ્પ્યુટર પર પણ આ માહિતી અપડેટ થઈ જાય છે. ત્યાર બાદ ‘લોસ્ટ એન્ડ ફાઉન્ડ’ સેન્ટર પર જ એ વસ્તુને સલામતી સાથે લોકરમાં મૂકી દેવામાં આવે છે.’
કેવી રીતે થાય છે વેરિફિકેશન?
બીજી તરફ, પ્રમુખસ્વામીનગરમાં આવેલી કોઈ વ્યક્તિને પણ પોતાની વસ્તુ ખોવાયાનો ખ્યાલ આવે તો તે ‘લોસ્ટ એન્ડ ફાઉન્ડ’ સેન્ટર પહોંચીને જે-તે વસ્તુ પરત મેળવી આપવા અપીલ કરી શકે છે. આ વ્યક્તિએ આપેલી માહિતી મુજબની જ કોઈ વસ્તુ સેન્ટર પર પહેલાંથી જમા હોય તો તેના વેરિફિકેશન માટે કેટલાક સવાલો કરવામાં આવે છે, જેમ કે મોબાઈલ ખોવાયો હોય તો એ કઈ કંપનીનો હતો?, છેલ્લે કોને ફોન કર્યો હતો?, મોબાઈલ પર વોલપેપર કેવું છે?, જો દાવો કરનારી વ્યક્તિ આવા સવાલોનો સંતોષકારક જવાબ આપે તો તેની ઓળખનો પુરાવો લઈને વસ્તુ પરત કરી દેવામાં આવે છે.
ફરિયાદીને પણ મળે છે યુનિક આઈડી
ક્યારેક એવું પણ બને કે કોઈ વ્યક્તિની વસ્તુ ખોવાઈ જાય અને ‘લોસ્ટ એન્ડ ફાઉન્ડ’ સેન્ટર પર એ વસ્તુ પહોંચી ન હોય. આવી સ્થિતિમાં પણ ચિંતા કરવાની જરૂર નથી. વસ્તુ ખોવાઈ ગયાની ફરિયાદ અંગે પણ અહીં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વસ્તુ ખોવાયાનો દાવો કરનારી વ્યક્તિ પાસેથી ઝીણવટપૂર્વક વિગતો મેળવવામાં આવે છે. ત્યાર બાદ મેચિંગ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા સ્વયંસેવકો જ્યારે પણ એ વસ્તુ મળી આવે ત્યારે તેના માલિકને ફોન તેમજ ઈ-મેઈલ કરીને જાણ કરતા હોય છે.
પ્રમુખસ્વામીનગરમાં સ્વયંસેવકો પણ સતત લોકોની સેવામાં રહે છે. આ સ્વયંસેવકોને પણ મહિનાઓ પહેલાંથી જ ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી, જેથી ઈમર્જન્સીના સમયમાં પણ સ્થિતિ સંભાળી શકે. પરિવારથી વિખુટું પડેલું કોઈ બાળક પણ તેમને મળી આવે તો તેની સાથે કેવી રીતે વર્તન કરવું અને કેવા પ્રયાસોથી તેની પાસેથી પરિવાર અંગેની માહિતી કઢાવી શકાય એનો પણ આ સ્વયંસેવકોને ખ્યાલ હોય છે.