ચંદીગઢ,તા.24
પંજાબની એક પૂર્વ મહિલા ધારાસભ્ય 100 ગ્રામ હેરોઈન સાથે રંગે હાથ ઝડપાઈ ગઈ છે.આરોપી મહિલાનું નામ સત્કાર કૌર છે.તે પંજાબનાં ફિરોઝપુર રૂરલની ધારાસભ્ય હતી. પોલીસે તેના ડ્રાઈવરની પણ ધરપકડ કરી છે.
પોલીસે ગાડી રોકવાનું કહ્યુ તો પોલીસ પર ગાડી ચડાવી દીધી હતી. પોલીસે જણાવ્યું હતું કે, મોહાલીમાં અમારા એસએચઓને જાણકારી મળી હતી કે એક ડ્રગ એડીકટને ડ્રગ વેચવા માટે મજબુર કરવામાં આવી રહ્યો છે. તેમણે એસએચઓને કેટલાંક નંબરો આપ્યા હતા. પોલીસે આ નંબરની તપાસ કરી તો તે કોઈ પૂર્વ ધારાસભ્ય (સત્કાર કૌર)ના હતા.
સોર્સે કોલ રેકોર્ડીંગ પણ આપ્યા હતા જેમાં ડ્રગની ખરીદીની વાતો ચાલતી હતી. પૂર્વ ધારાસભ્ય ડીલ કરવા પહોંચી તો અમારી ટીમને જોઈને પૂર્વ ધારાસભ્યે ગાડી ભગાડવાની કોશીશ કરી તેમાં એક અધિકારીને ઈજા થઈ હતી.
પોલીસે જણાવ્યું હતું કે ઘટનાસ્થળેથી 100 ગ્રામ ડ્રગની રિકવરી થઈ હતી.હાલ મહિલા ધારાસભ્ય અને તેના ડ્રાઈવરને કસ્ટડીમાં લીધા છે. ઉલ્લેખનીય છે કે આરોપી મહિલા ધારાસભ્ય કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઈ છે.