સુરતઃ ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે સુરતમાં દારૂ પાર્ટી ઝડપાઈ છે. સુરતના ડુમસમાં વીકેન્ડ એડ્રેસ હોટલના રૂમ નંબર 443માં દારૂની પાર્ટી ચાલી રહી હતી. અહીં પોલીસે દરોડા પાડી ચાર પુરૂષ અને બે મહિલાને ઝડપી છે. આ લોકો દારૂની પાર્ટી કરતા હતા. પરંતુ સૌથી ચોંકાવનારી વાત છે કે અહીં દારૂ પાર્ટી કરી રહેલી એક મહિલાના સસરાએ પોલીસને આ અંગે જાણ કરી હતી.
સસરાએ પોલીસને ફોન કરી કહ્યું- મારૂ પુત્રવધૂ દારૂ પાર્ટી કરી રહી છે
પ્રાપ્ત વિગત અનુસાર પોલીસ કંટ્રોલ રૂમમાં સસરાએ ફોન કરી કહ્યું- સાહેબ મારા પુત્રની પત્ની તેના મિત્રો સાથે દારૂ પાર્ટી કરી રહી છે. આ કોલ મળવાની સાથે સુરત પોલીસની ટીમ તાત્કાલીક સ્થળ પર પહોંચે છે. વીકેન્ડ એડ્રેસના રૂમ નંબર 443 પર રેડ પાડવામાં આવે છે. રૂમનો દરવાજો ખુલવાની સાથે અંદર ચાર પુરૂષ અને બે મહિલા દારૂ પાર્ટી કરી રહ્યા હતા. પોલીસે તમામની સ્થળ પર પૂછપરછ શરૂ કરી હતી.
પોલીસના દરોડા દરમિયાન મિત હિંમાશું વ્યાસ, સંકલ્પ અજય પટેલ, લોક ભાવેશ દેસાઈ અને સમકિત વિમાવાલા નામના ચાર પુરૂષો ઝડપાયા હતા. આ બધાના મોઢામાંથી દારૂની વાસ આવી રહી હતી. પોલીસે દારૂ પીવાની પરમીટ માંગી પરંતુ કોઈ વ્યક્તિ પાસેથી મળી નહીં.
સુરતના ડુમસની હોટલમાં ચાલતી દારૂપાર્ટી પર દરોડા, બે મહિલા આર્ટિસ્ટ સહિત 6 લોકોની ધરપકડ
આ પાર્ટીમાં બે મહિલાઓ સામેલ હતી, જે આર્ટિસ્ટ છે. મહિલા પોલીસની હાજરીમાં તેની તપાસ કરવામાં આવી હતી. એક મહિલા 24 તો બીજી 25 વર્ષની હોવાનું સામે આવ્યું છે. બંનેના મોઢામાંથી દારૂની વાસ આવી રહી હતી. આ બંને મહિલાઓમાંથી એકના સસરાએ પોલીસમાં ફોન કરી આ દારૂ પાર્ટીની જાણ કરી હતી.
હોટલના મેનેજરે કરી સ્પષ્ટતા
ડુમસ રોડ પર આવેલા વીકેન્ડ એડ્રેસના મેનેજર ગૌતમ પટેલે કહ્યુ કે, આ ઘટના માટે હોટલ જવાબદાર નથી. તેમણે કહ્યું કે આ હોટલમાં 464 રૂમ છે, જેમાં 100 રૂમ હોટલની માલિકીના છે, જ્યારે બાકીના રૂમ અલગ-અલગ માલિકોના ચે. જે રૂમમાં દારૂની પાર્ટી ચાલી રહી હતી તે રૂમ નીલમ પ્રમોદ કેસાનના નામે છે. રૂમના માલિકે મિત નામના વ્યક્તિને ભાડે આપેલો હતો. હોટલના મેનેજરે કહ્યું કે અમે પોલીસને તપાસમાં સંપૂર્ણ સહયોગ આપી રહ્યાં છીએ.