PM મોદીએ 5G સર્વિસ લોન્ચ કરી:દિલ્હી-મુંબઈ સહિત 8 શહેરમાં આજથી એરટેલની 5G સર્વિસ

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 ઓક્ટોબર શનિવારના રોજ 5G સર્વિસ લોન્ચ કરી છે. ભારતને નવી ભેટ મળી છે. નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે 5G સર્વિસ લોન્ચ કરી છે. આની શરૂઆત એરટેલ વારાણસીથી અને જિયો અમદાવાદના એક ગામથી શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ત્યાં હાજર રહ્યા હતા. 5G સર્વિસ લોન્ચ કરતાં ભારત ટેકનોલોજીના નવા યુગમાં પ્રવેશ્યું છે.

આજથી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ટેલિકોમ ઉદ્યોગની એક ઈવેન્ટ ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ 2022ની છઠ્ઠી આવૃત્તિ શરૂ થઈ રહી છે, જે 4 દિવસ સુધી ચાલશે. આ ઈવેન્ટમાં પીએમ 5જી સર્વિસ લોન્ચ કરી છે. આ કાર્યક્રમમાં મુકેશ અંબાણી, સુનીલ મિત્તલ અને કુમાર મંગલમ બિરલા જેવા દિગ્ગજ ઉદ્યોગપતિઓએ પણ હાજરી આપી હતી.

મુકેશ અંબાણીએ કહ્યું- 5G ડિજિટલ કામધેનુ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કાર્યક્રમમાં કહ્યું હતું કે 5G ડિજિટલ કામધેનુ છે. આ ટેક્નોલોજી ભારતીયોના જીવનમાં હેલ્થ, વેલ્થ અને હેપ્પીનેસ લાવશે. આનાથી સારી આરોગ્ય સેવા પૂરી પાડવાનું શક્ય બનશે. અંબાણીએ કહ્યું હતું કે Jio દ્વારા ડિસેમ્બર સુધીમાં દેશના દરેક ખૂણે 5G સેવા પહોંચાડવામાં આવશે. જ્યારે ભારતી-એરટેલના ચેરમેન સુનીલ મિત્તલે દિલ્હી, મુંબઈ અને વારાણસી સહિત દેશનાં આઠ શહેરમાં આજથી 5G સેવા પૂરી પાડવાની જાહેરાત કરી છે.

પ્રથમ તબક્કામાં 13 શહેરમાં સેવાઓ ઉપલબ્ધ થશે
ટેલિકોમ્યુનિકેશન વિભાગે કહ્યું હતું કે 13 શહેરમાં રહેતા યુઝર્સને સૌથી પહેલા 5G સેવાઓનો લાભ મળશે. આ શહેરોમાં દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, ચંદીગઢ, બેંગલુરુ, ગુરુગ્રામ, હૈદરાબાદ, લખનઉ, પુણે, ગાંધીનગર, અમદાવાદ અને જામનગર સામેલ છે. આ શહેરો બાદ વર્ષના અંત સુધીમાં અન્ય મોટાં શહેરોમાં પણ 5G સેવાઓ સાથે જોડાયેલ નેટવર્ક તૈયાર થઈ જશે અને યુઝર્સને એનો લાભ મળશે.

5G: નવી ટેક્નોલોજી, નવો પ્રોબ્લેમ
અત્યારે આપણા સ્માર્ટફોનમાં જે સેલ્યુલર બ્રોડબેન્ડ નેટવર્ક આવી રહ્યું છે એ 4G યાને કે ફોર્થ જનરેશન એટલે કે ચોથી પેઢીનું છે. મોબાઇલ કમ્યુનિકેશન્સની દરેક નવી જનરેશન સામાન્ય રીતે દર 10 વર્ષે બદલાય છે. દરેક નવી પેઢી વધુ મોટા અને પહોળા ફ્રિક્વન્સી બેન્ડનો ઉપયોગ કરે છે અને એટલે જ વધુ માહિતીનું વહન કરી શકે છે. 4G કરતાં 5G ટેક્નોલોજી એકસાથે 100 ગણા વધારે યુઝર્સને એકસાથે સર્વિસ પૂરી પાડી શકે છે. 5G સર્વિસનું ઇન્ટરનેટ પણ 50 Mbpsથી 1,000 Mbpsની ગંજાવર સ્પીડ આપે છે.

કોને મળશે 5G સેવા?
5G નો ઉપયોગ કરવા માટે તમારે અત્યારે નવા સિમ કાર્ડની જરૂર નથી. તમે ફક્ત તમારા જૂના સિમ પર જ નવી સેવાનો ઉપયોગ કરી શકશો. જોકે આ માટે તમારા ફોનમાં 5G સપોર્ટ હોવો જરૂરી છે. માત્ર 5G સપોર્ટ જ નહીં, તેના પર એ બેન્ડ્સ હોવા પણ જરૂરી છે, જેના પર સેવા ઉપલબ્ધ થશે.

ભારતમાં લોન્ચ કરાયેલા ઘણા મોબાઈલ 5G સ્પેક્ટ્રમ હરાજી પહેલાંના છે. આ સ્થિતિમાં તમારે તમારો ફોન ચેક કરવો જોઈએ કે તમારા ફોનમાં કયા- કયા બેન્ડ ઉપલબ્ધ છે અને કયા બેન્ડ પર તમારા ઓપરેટર સેવા આપશે.

લાઇવ અપડેટ્સ

  • ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસમાં જતાં પહેલાં વડાપ્રધાને ટ્વીટ કર્યું – દેશમાં 5જી ક્રાંતિ શરૂ થવા જઈ રહી છે. હું ખાસ કરીને ટેક વર્લ્ડ, સ્ટાર્ટઅપ વર્લ્ડ અને મારા યુવા મિત્રોને આ કાર્યક્રમમાં જોડાવવા માટે અપીલ કરું છું. આ ઇવેન્ટ 4 દિવસ સુધી ચાલશે.
  • વડાપ્રધાને Jio પેવેલિયનની મુલાકાત લીધી હતી. તેણે પેવેલિયનમાં પ્રદર્શિત ટ્રુ 5G ઉપકરણોને જોયા અને Jio ગ્લાસના માધ્યમ દ્વારા યુઝ કેસેજનો એક્સપિરિયન્સ કર્યો. તેમણે યુવા Jio એન્જિનિયરોની ટીમમાંથી એન્ડ-ટુ-એન્ડ 5G ટેક્નોલોજીના સ્વદેશી વિકાસને સમજ્યા હતી. તેમને જણાવવામાં આવ્યું હતું કે કેવી રીતે 5G શહેરી અને ગ્રામીણ આરોગ્યસંભાળ વચ્ચેના અંતરને દૂર કરી શકે છે.
  • કેન્દ્રીય સંચાર, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજીમંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું- 5G સેવાઓથી શિક્ષણ, આરોગ્ય, કૃષિ જેવાં ઘણાં ક્ષેત્રોને ફાયદો થશે. લોજિસ્ટિક્સ, બેન્કિંગમાં મૂળભૂત પરિવર્તન આવશે અને નવી શક્યતાઓ ઊભી થશે. ડિજિટલ ક્ષમતાને મધ્યમાં રાખીને તેની ચારેય તરફ નવી સેવાઓ ઉપલબ્ધ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »

Nationgujarat Subscribe