નવી દિલ્હીઃ સરકારે ઘરના ભાડા પર TDSનો નિયમ બદલ્યો છે. જેની જાહેરાત નાણાંમંત્રી નિર્મલા સિતારમણે યુનિયન બજેટમાં કરી છે. જેનાથી સિનિયર સિટીઝન્સ અને રેન્ટલ ઈન્ક્મ મેળવતા લોકોને સરળતા રહેશે. સરકારે ઘરના ભાડા પર ટીડીએસની છૂટની લિમિટ વાર્ષિક 2.4 લાખ રૂપિયાથી વધારીને 6 લાખ રૂપિયા કરી દીધી છે. નાણાંમંત્રીએ 1 ફેબ્રુઆરીએ કહ્યું કે, તેનાથી TDS અંતર્ગત આવતા ટ્રાન્ઝેક્શન્સની સંખ્યા ઘટશે. તેનાથી સ્મોલ ટેક્સપેયર્સને સરળતા થશે. ત્યારે અહીં જાણીશું કે આ જાહેરાતથી ભાડુઆત અને મકાન મલિક બંનેને કેવી રીતે ફાયદો થશે.માની લઈએ કે તમારું એક મકાન છે, જેને તમે ભાડે આપ્યું છે. જેનું વાર્ષિક ભાડું 2.4 લાખ રૂપિયાથી વધુ છે. અત્યારસુધી તમારા ભાડુઆતને તેના પર TDS કાપ્યા બાદ તમને ભાડું આપવાનો નિયમ હતો. હવે તે તમને TDS કાપ્યા વિના ભાડું આપશે. જેનાથી તમારા હાથમાં આવનારી ભાડાની રકમ વધી જશે. જેનું કારણ એ છે કે સરકારે ઘરના ભાડા પર TDSની છૂટની લિમિટને 2.4 લાખ રૂપિયાથી વધારીને 6 લાખ રૂપિયા કરી દીધી છે. નિયમમાં આ ફેરફારથી ભાડુઆત અને મકાન મલિક બંનેને લાભ થશે.નવો નિયમ લાગૂ થયા બાદ હવે જો કોઈ ભાડુઆત એવા ઘરમાં રહે છે, જેનું ભાડું 6 લાખથી વધુ છે, તો તેણે TDS કાપ્યા બાદ મકાન માલિકને ભાડું આપવાનું રહેશે. જેનું કારણ એ છે કે ભાડા પર TDS કાપવાની જવાબદારી ભાડુઆતની હોય છે. FY19 સુધી ભાડા પર ટીડીએસ પર છૂટની મર્યાદા 1.8 લાખ રૂપિયા હતી. જણાવી દઈએ કે, ભાડુઆતે ભાડાની રકમ પર 10 ટકા ટીડીએસ કાપવાનું રહેશે. જો મકાન મલિક પાસે PAN નહીં હોય, તો TDS રેટ વધીને 20 ટકા થઇ જશે.ટેક્સ એક્સપર્ટ્સનું કહેવું છે કે યુનિયન બજેટમાં ભાડા પર ટીડીએસના નિયમમાં ફેરફારથી મોટી સંખ્યામાં લોકોને ફાયદો થશે. ગત કેટલાક વર્ષોથી ઘરોના ભાડામાં ઝડપથી વધારો થયો છે. દર મહિને 20 હજાર રૂપિયાથી વધુ ભાડું હોવા પર ભાડુઆતે ટીડીએસ કાપવો પડતો હતો. જેનાથી કમ્પ્લાયન્સ વધતું હતું. હવે દર મહિને 50 હજાર રૂપિયા સુધીના ભાડા પર ટીડીએસ કાપવાની જરૂરિયાત નથી રહી. જેનાથી દિલ્હી, મુંબઈ જેવા મોટા શહેરોમાં ભાડે રહેતા લોકોને મોટી રાહત મળશે.