એશિયા કપ હોકી 2025 આવતા મહિને ભારતમાં યોજાવાનો છે. આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાની ટીમ રમવા નહી આવે તેમ લાગે છે. પાકિસ્તાની હોકી ટીમ ભારત આવીને આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માંગતી નથી. પાકિસ્તાન હોકી ફેડરેશન (PHF) એ ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન (FIH) અને એશિયન હોકી ફેડરેશન (AHF) ને જાણ કરી છે કે તેમના માટે એશિયા કપ હોકી ટુર્નામેન્ટમાં ટીમ મોકલવી મુશ્કેલ બનશે.
પાકિસ્તાની હોકી ફેડરેશનએ આ પાછળ સુરક્ષા કારણોને કારણભૂત ગણાવ્યા છે. પાકિસ્તાન હોકી ફેડરેશનના વડા તારિક બુગતીએ જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિમાં પાકિસ્તાની ટીમને સુરક્ષા જોખમોનો સામનો કરવો પડી શકે છે. તેથી, તેઓએ ટુર્નામેન્ટમાં ભાગ લેવા અંગે ખચકાટ વ્યક્ત કર્યો છે.તારિક બુગતીએ કહ્યું, ‘અમે FIH અને AHF ને પત્ર લખ્યો છે કે હાલની પરિસ્થિતિમાં ભારત જવું અને રમવું અમારી ટીમ માટે જોખમી બની શકે છે. અમે તેમને જાણ કરી છે કે અમારા ખેલાડીઓ એશિયા કપ માટે ભારત આવવા તૈયાર નથી, જે સીધી ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટ છે.’
તારિક બુગતીએ કહ્યું કે હવે આ ટુર્નામેન્ટનું આયોજન કરવાની અને પાકિસ્તાનની મેચો અંગે નિર્ણય લેવાની જવાબદારી FIH અને AHF ની છે. તેમણે કહ્યું, ‘અમે તેમને પૂછ્યું છે કે શું કોઈ ગેરંટી છે કે અમારા ખેલાડીઓ ભારતમાં સુરક્ષિત રહેશે અને ટુર્નામેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે.’તારિક બુગતીનું નિવેદન એકદમ હાસ્યાસ્પદ લાગે છે. પાકિસ્તાન એક એવો દેશ છે જે આતંકવાદીઓને આશ્રય આપે છે અને તેમના દેશમાં સુરક્ષા ચિંતાઓ સૌથી વધુ છે. ભારતે મોટી રમતગમત ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે અને વિશ્વભરના ખેલાડીઓ ભારતમાં આવીને રમવા માંગે છે. પાકિસ્તાન સરકારે હજુ સુધી આ મુદ્દે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, પરંતુ તાજેતરમાં એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે ટીમ ભારત આવશે નહીં.પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ 2023 ક્રિકેટ વર્લ્ડ કપ પહેલા આવી જ ધમકી આપી હતી. તે સમયે, તેણે શરૂઆતમાં તેની ટીમ ભારત મોકલવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ બાદમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમ ભારત આવી. એ અલગ વાત છે કે તે ટુર્નામેન્ટમાં તેનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું અને તે સેમિફાઇનલમાં પણ પહોંચી શકી ન હતી.