Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ગઈકાલે સાંજે થયેલા આતંકી હુમલામાં 26 લોકોના મોત થયા છે. આ હુમલાની જવાબદારી ધ રેજિસ્ટન્સ ફ્રન્ટ(TRF)એ લીધી છે. જે લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલું આતંકી સંગઠન છે. એકબાજુ પાકિસ્તાને આ હુમલામાં કોઈ હાથ ન હોવાનું નિવેદન આપ્યું છે, જ્યારે બીજી બાજુ પાકિસ્તાનના પૂર્વ એમ્બેસેડરે ફરી સર્જિકલ સ્ટ્રાઇક થવાની ભીતિ વ્યક્ત કરતાં ભારતને જ ધમકી આપવાનું દુઃસાહસ કર્યું છે.
પાકિસ્તાનના જર્મની માટેના પૂર્વ એમ્બેસેડર અબ્દુલ બાસિતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી છે કે, મને વિશ્વાસ છે કે, ઈસ્લામાબાદ પાકિસ્તાન વિરુદ્ધ ભારતની કોઈપણ ખોટી કાર્યવાહીને નિષ્ફળ કરવા માટે સંભવિત ઉપાયો વિચારી રહ્યું છે. મને કોઈ શંકા નથી કે, આ વખતે પાકિસ્તાન ભારતની પ્રતિક્રિયાઓનો આકરો જવાબ આપશે.
પાકિસ્તાનના આ નિવેદનથી ખળભળાટ મચ્યો છે. એકબાજુ પાકિસ્તાન આ હુમલાની જવાબદારી લઈ રહ્યું નથી. જ્યારે બીજી બાજુ સર્જિકલ સ્ટ્રાઇક જેવી ભારતની કાર્યવાહી થવાનો ભય પણ વ્યક્ત કરી રહ્યું છે. પાકિસ્તાને પોતાની વાયુસેનાને ઍલર્ટ મોડ પર મૂકી છે. ફ્લાઇટ રડાર ડેટામાં પાકિસ્તાની વાયુસેનાની ગતિવિધિઓ નોંધાઈ હતી. સોશિયલ મીડિયા પર ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઇટ રડારના 24 સ્ક્રિનશોટ વાયરલ થયા છે. જેમાં પાકિસ્તાન વાયુસેનાના પ્રમુખ વિમાનોને કરાચી સ્થિત દક્ષિણ વાયુ કમાન્ડથી લાહોર તથા રાવલપિંડી પાસે પોતાના કેમ્પમાં જતાં જોવા મળ્યા છે. આ નિર્દયી હુમલા બાદ લોકોએ સરકાર સમક્ષ આકરી કાર્યવાહી કરવાની માગ કરી છે.
ભારતના લોકોનો જ હાથઃ પાકિસ્તાન
ટીવી ન્યૂઝ ચેનલને નિવેદન આપતાં પાકિસ્તાનના સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફે આરોપ લગાવ્યો હતો કે, ‘આ હુમલા પાછળ ભારતના લોકોનો જ હાથ છે. ત્યાંના લોકોએ સરકાર સામે બળવો કર્યો છે. ત્યાં, નાગાલૅન્ડથી લઈને મણિપુર અને કાશ્મીર સુધી, લોકો સરકારની વિરુદ્ધ છે. ભારતમાં હિન્દુત્વ સરકાર લોકોના અધિકારોનો નાશ કરી રહી છે અને તેમનું શોષણ કરી રહી છે. આથી લોકો આનો વિરોધ કરી રહ્યા છે.’