Onion: રાજકોટ યાર્ડનો ખેડૂતોના હિતલક્ષી નિર્ણય

By: nationgujarat
16 Dec, 2023

છેલ્લા કેટલાક દિવસોથી ડુંગળીને લઇને જોરદાર વિવાદ ચાલી રહ્યો છે, કેટલાક દિવસોથી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો છે, અને બીજીબાજુ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવ પણ કપાયા છે, આ બધાની વચ્ચે ખેડૂતોની હાલત પડ્યા પર પાટુ જેવી થઇ છે. દિવસે દિવસે ડુંગળી પકવતા ખેડૂતોની સ્થિતિ કથળી રહી છે. હવે રાજકોટ માર્કેટિંગ યાર્ડે આ બધાની વચ્ચે એક મોટો નિર્ણય લીધો છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં હવે દિવસની 100 ગાડીઓને જ એન્ટ્રી આપવમાં આવશે. માહિતી છે કે, હાલમાં ડુંગળીની આવકને લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડે એક મહત્વનો નિર્ણય લીધો છે. ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ મળે તે હેતુથી એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, હવેથી દરરોજ ૧૦૦ ગાડીને જ યાર્ડમાં એન્ટ્રી આપવામાં આવશે. માર્કેટિંગ યાર્ડના આ મહત્વના નિર્ણયથી શહેરમાં પૂરતો માલ મળી રહેશે અને ખેડૂતોને પણ ભાવ મળશે.

ડુંગળીના ઘટતા ભાવ મુદ્દે ગોંડલ માર્કેટ યાર્ડ બહાર ખેડૂતોએ કર્યો હતો વિરોધ

ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ અને ભાવ મુદ્દે ખેડૂતોનો આક્રોશ યથાવત છે. સૌરાષ્ટ્રમાં ખેડૂતોએ ઘટતા ડુંગળીના ભાવની સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ગોંડલ માર્કેટ યાર્ડ બહાર સતત બીજા દિવસે ખેડૂતોએ વિરોધ કર્યો હતો. પોલીસે 10 જેટલા ખેડૂતોની અટકાયત કરી હતી. ગોંડલ માર્કેટ યાર્ડ અંદર અને બહાર ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. તાત્કાલિક ડુંગળીની નિકાસને છૂટ આપવાની ખેડૂતો અને વેપારીઓએ માંગ કરી હતી.    સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ યાર્ડ બહાર ખેડૂતોએ આજે ફરી ડુંગળી ફેંકી વિરોધ નોંધાવ્યો હતો.  ડુંગળીની નિકાસ પર કેન્દ્ર સરકારના પ્રતિબંધના કારણે ભાવમાં મોટો કડાકો બોલ્યો છે. હાલમાં ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા છે. સરકારના નિર્ણય બાદ પહેલા ખેડૂતોએ શાંતિપૂર્ણ માહોલમાં વિવિધ પ્રકારે રજૂઆતો કરી પરંતુ તેમ છતાં પ્રશ્નનું નિરાકરણ ન આવતા હવે વિરોધ આક્રમક બન્યો છે અને હવે સૌરાષ્ટ્રમાં આ વિરોધની આગ ફેલાઈ રહી છે.

ગઈકાલે રાજકોટ અને ભાવનગર જિલ્લામાં ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવી નેશનલ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. આજે ફરી ગોંડલ યાર્ડ બહાર ખેડૂતોએ વિરોધ નોંધાવી આંદોલનને ઉગ્ર બનાવ્યુ છે. ગોંડલ યાર્ડમાં વિરોધ પ્રદર્શન સમયે 10 જેટલા ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા પોલીસ દોડતી થઈ અને તાત્કાલિક ચીમકી ઉચ્ચારનાર ખેડૂતોની અટકાયત કરી હતી. તો ખેડૂતોના વિરોધના કારણે માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવકમાં ઘટાડો થયો હતો. ગોંડલ વેપારી એસોસિએશનના પ્રમુખ યોગેશ ક્યાડાએ તાત્કાલિક પ્રશ્નના નિરાકરણની માંગ કરી હતી.

અમરેલીની સાવરકુંડલા APMCમાં જાહેર હરાજી બંધ કરાતા ખેડૂતો રઝળ્યા હતા.  ધર્મકુળ કોટનના પ્રોપ્રાઈટર ઘનશ્યામભાઈ ધડુકને ખેડૂત સાથે અસભ્ય વર્તનના આરોપમાં માર્કેટિંગ યાર્ડના ઇસ્પેકટરે નોટિસ ફટકારી હતી. ત્યારે વેપારીને નોટિસ ફટકારાતા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ વેપારી મહામંડળ ખેડૂતોનું દર્દ ન સમજ્યુ અને દાદાગીરીથી યાર્ડની હરાજી બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. માર્કેટિંગ યાર્ડ વેપારી મહામંડળના આ નિર્ણયના કારણે કડકડતી ઠંડીમાં આખી રાત યાર્ડ બહાર ઉજાગરો કરનાર ખેડૂતો રઝળી પડ્યા હતા.


Related Posts

Load more