મોહિની એકાદશી કયારે છે જાણો, આ દિવસે વ્રત-પૂજા અને દાન કરવાથી અનેક યજ્ઞનું પુણ્ય મળે
By: nationgujarat
14 May, 2024
વૈશાખ મહિનાના સુદ પક્ષની એકાદશી તિથિ 19 મેએ છે. તેને મોહિની એકાદશી પણ કહેવામાં આવે છે. વૈશાખ મહિનાના સુદ પક્ષમાં આ તિથિ હોવાના કારણે ભગવાન વિષ્ણુની પૂજા, વ્રત અને દાન માટે આ દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસે નિયમ-સંયમથી રહીને કરવામાં આવેલ પૂજા-પાઠ અને દાનનું ફળ અનેક યજ્ઞ જેટલું મળે છે.
સ્કંદ પુરાણના વૈષ્ણવખંડ પ્રમાણે આ દિવસે સમુદ્ર મંથનથી અમૃત પ્રકટ થયું હતું અને ભગવાન વિષ્ણુએ મોહિની સ્વરૂપ ધારણ કરીને અમૃતની રક્ષા કરી હતી. આ એકાદશીનું વ્રત કરનાર લોકોએ એક દિવસ પહેલાં એટલે દશમ તિથિની રાતથી જ વ્રતના નિયમોનું પાલન કરવું જોઇએ. આ વ્રતમાં માત્ર ફળાહાર જ કરવામાં આવે છે.
પૂજા અને વ્રતની વિધિઃ-
- એકાદશીના દિવસે સૂર્યોદય પહેલાં જાગી નિત્ય ક્રિયા પૂર્ણ કરીને સ્નાન કરવું. પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરશો તો સારું રહેશે. ત્યાર બાદ સાફ વસ્ત્ર ધારણ કરી વિધિ-વિધાનથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઇએ.
- ભગવાન વિષ્ણુની પ્રતિમા સામે ઘીનો દીવો પ્રગટાવવો તથા વ્રતનો સંકલ્પ લેવો. એક કળશ ઉપર લાલ વસ્ત્ર બાંધીને કળશની પૂજા કરો.
- ત્યાર બાદ તેના ઉપર વિષ્ણુની પ્રતિમા રાખો. પ્રતિમાને સ્નાન કરાવીને નવા વસ્ત્ર પહેરાવો.
- પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુને પીળા ફૂલ, પંચામૃત અને તુલસીના પાન ચઢાવવા જોઇએ.
- પીળા ફૂલ સાથે અન્ય સુગંધિત ફૂલોથી વિષ્ણુ ભગવાનનો શ્રૃંગાર કરો. ધૂપ, દીપથી આરતી કરો અને મિઠાઈ તથા ફળનો ભોગ ધરાવો. રાતે ભગવાનનું ભજન કીર્તન કરો.
થોડાં ગ્રંથો પ્રમાણે, આ એકાદશીનું વ્રત કરવાથી ગૌદાન સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે
મોહિની એકાદશીનું મહત્ત્વઃ-
માન્યતા પ્રમાણે, વૈશાખ મહિનાના સુદ પક્ષની એકાદશીનું વ્રત રાખવાથી મન અને શરીર બંને જ સંતુલિત રહે છે. ખાસ કરીને ગંભીર રોગોથી રક્ષા થાય છે અને યશ પ્રાપ્ત થાય છે. આ એકાદશીના ઉપવાસથી મોહનું બંધન નષ્ટ થઇ જાય છે. એટલે જ, તેને મોહિની એકાદશી કહેવામાં આવે છે. થોડાં ગ્રંથો પ્રમાણે, આ એકાદશીનું વ્રત કરવાથી ગૌદાન સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે. આ એકાદશીનું વ્રત બધા જ પાપનો નષ્ટ કરીને વ્યક્તિના આકર્ષણમાં વૃદ્ધિ કરે છે. આ વ્રત કરનાર વ્યક્તિની ખ્યાતિ ચારેય તરફ ફેલાયેલી રહે છે.
એકાદશીએ શું કરવું-
- આ દિવસે સવારે જલ્દી જાગીને સ્નાન કરવું અને પછી તુલસીના છોડમાં જળ ચઢાવવું
- ભગવાન વિષ્ણુ સામે વ્રત અને દાનનો સંકલ્પ લેવો જોઇએ.
- આખો દિવસ કંઇ જ ખાવું જોઇએ નહીં. આખો દિવસ ભૂખ્યા રહેવું સંભવ ન હોય તો ફળાહાર કરી શકો છો.
- માટીના વાસણમાં પાણી ભરીને દાન કરવું જોઇએ.
- કોઇ મંદિરમાં ભોજન અથવા અનાજનું દાન કરવું જોઇએ.
- સવાર-સાંજ તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવવો જોઇએ અને તુલસીની પરિક્રમા કરવી જોઇએ.
- સાંજે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની વિધિ-વિધાનથી પૂજા કરવી જોઇએ.
એકાદશીએ શું ન કરવું-
- આ દિવસે વ્રત કરનાર વ્યક્તિએ સવારે મોડે સુધી સૂવું જોઇએ નહીં.
- ગુસ્સો કરવો નહીં. ઘરમાં કોઇપણ પ્રકારનો વાદ-વિવાદ કે ક્લેશ કરવાથી બચવું જોઇએ.
- લસણ-ડુંગળી અને અન્ય પ્રકારની તામસિક વસ્તુઓથી બચવું જોઇએ.
- કોઇપણ પ્રકારનો નશો કરવો નહીં અને બ્રહ્મચર્યનું પાલન કરો.
- પ્રામાણિકતાથી કામ કરવું જોઇએ અને ખોટાં કાર્યોથી બચવું જોઇએ.