Ola Cabs IPO: ઓલા કેબ્સનો ચાર હજાર કરોડ રૂપિયાથી વધુનો હશે આઇપીઓ,

By: nationgujarat
20 Apr, 2024

Ola Cabs IPO Details: એપ-આધારિત કેબ સેવાઓ પ્રદાન કરતી કંપની ઓલા કેબ્સ ટૂંક સમયમાં તેનો IPO લોન્ચ કરવા જઈ રહી છે. રિપોટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે Ola Cabsનો IPO આગામી ત્રણ મહિનામાં લોન્ચ થઈ શકે છે અને કંપની તેની પ્રથમ પબ્લિક ઓફરમાં 4 હજાર કરોડ રૂપિયાથી વધુ એકત્ર કરવાનો પ્રયાસ કરી શકે છે.

Ola Cabનો IPO આટલો મોટો હોઈ શકે છે

રોઇટર્સના અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ઓલા કેબ્સ આગામી ત્રણ મહિનામાં IPO દ્વારા 500 મિલિયન ડોલર એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. પ્રાઇમરી માર્કેટમાંથી ફંડ એકત્ર કરવાની આ યોજનામાં ઓલા કેબ્સને 5 બિલિયન ડોલરની વેલ્યુએશન મળી શકે છે. આનો અર્થ એ થયો કે Ola Cabsના પ્રસ્તાવિત IPOનું કદ 500 મિલિયન ડોલર (ભારતીય ચલણમાં આશરે રૂ. 4,168 કરોડ) હોઈ શકે છે.

ઓલા આ બેન્કો સાથે વાતચીત કરી રહી છે

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે Ola Cabsએ તેના પ્રસ્તાવિત IPO માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ માટે Ola Cabsની પેરેન્ટ કંપની ANI Technologies વિવિધ ઇન્વેસ્ટમેન્ટ બેન્કો સાથે વાતચીત કરી રહી છે. કંપની આગામી બે થી ત્રણ અઠવાડિયામાં તેના આઇપીઓ માટે લીડ બેન્કરને અંતિમ સ્વરૂપ આપી શકે છે. ઓલા જે ઇન્વેસ્ટમેન્ટ બેન્કો સાથે વાતચીત કરી રહી છે તેમાં બેન્ક ઓફ અમેરિકા, ગોલ્ડમેન સૅશ, સિટી બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક અને એક્સિસ બેન્કનો સમાવેશ થાય છે.

2021માં IPO માટેની તૈયારીઓ પણ કરવામાં આવી હતી

કેબ કંપની આ પહેલા પણ IPO લાવવાનો પ્રયાસ કરી ચુકી છે. ઓલાએ અગાઉ 2021માં IPO લાવવાની યોજના બનાવી હતી. તે સમયે કંપનીએ આઈપીઓમાંથી રૂ. 8,300 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી હતી. જોકે, બાદમાં કંપનીએ IPO પ્લાન કેન્સલ કરવો પડ્યો હતો. 2021માં ઘણી નવી ટેક કંપનીઓના વિશાળ IPO આવ્યા હતા. જો કે, નબળા બજારના સેન્ટિમેન્ટને કારણે તેમાંથી ઘણીની કામગીરી નબળી પડી હતી, જેના કારણે અન્ય ઘણી કંપનીઓના IPO રદ કરવામાં આવ્યા હતા.

Ola ઇલેક્ટ્રિકનો પ્રસ્તાવિત IPO

જો ઓલા કેબ્સનો આઈપીઓ ફાઈનલ થાય છે તો તે ગ્રુપની અન્ય કંપનીનો આઈપીઓ હોઈ શકે છે. ઈલેક્ટ્રિક સ્કૂટર બનાવતી ઓલા ઈલેક્ટ્રીકે આઈપીઓ લોન્ચ કરવાની તૈયારી કરી લીધી છે અને આઈપીઓનો ડ્રાફ્ટ માર્કેટ રેગ્યુલેટર સેબીમાં ફાઈલ કર્યો છે. ઓલા ઇલેક્ટ્રિકે ડિસેમ્બર 2023માં સેબીમાં ડ્રાફ્ટ ફાઇલ કર્યો હતો અને કહ્યું હતું કે તે લગભગ 7,250 કરોડ રૂપિયાનો આઇપીઓ લોન્ચ કરવાની યોજના ધરાવે છે.


Related Posts