1900 કરોડમાં બનેલા રોડ માટે 8000 કરોડનો ટોલ ટેક્સ કેમ વસૂલ્યો?’ આક્ષેપ પર ગડકરીએ આપ્યો જવાબ

By: nationgujarat
18 Sep, 2024

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ રાજસ્થાનના મનોહરપુર પ્લાઝા પર ખર્ચ કરતાં વધુ ટોલ ટેક્સ વસૂલવા મુદ્દે કેન્દ્ર સરકાર પર મુકવામાં આવેલા આરોપોનો જવાબ આપ્યો છે. મીડિયા સાથે વાતચીત કરતાં કેન્દ્રીય મંત્રીએ કેવી રીતે 1900 કરોડમાં બનેલા રસ્તા પર રૂ. 8000 કરોડનો ટોલ ટેક્સ વસૂલવામાં આવ્યો? દિલ્હી-જયપુર હાઈવે પર ખર્ચ કરતાં વધુ ટોલ ટેક્સ મુદ્દે ઉદાહરણ આપી સમજાવ્યું.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ બાંધકામ ખર્ચ કરતાં વધુ ટોલ ટેક્સ વસૂલવાના પ્રશ્નનું સંપૂર્ણ ગણિત સમજાવ્યું કે, લોકો પાસેથી એક દિવસમાં ટોલ ટેક્સ વસૂલવામાં આવ્યો નથી. ટોલ ટેક્સ વસૂલતા પહેલાં અને પછી સરકારને અનેક પ્રકારના ખર્ચાઓનો સામનો કરવો પડે છે. રસ્તાની જાળવણી પાછળ પણ ખર્ચ થાય છે.

ઉદાહરણ આપી સમજાવ્યું

નીતિન ગડકરીએ ઉદાહરણ આપતાં કહ્યું કે ધારો કે કોઈ વ્યક્તિ 2.5 લાખ રૂપિયામાં ઘર કે કાર ખરીદે છે. જો તેના માટે તેણે બેન્કમાંથી 10 વર્ષ માટે લોન લીધી હોય તો કારની કિંમત વધી જાય છે. ગ્રાહકે દર મહિને વ્યાજ ચૂકવવું પડે છે. ઘણી વખત લોકો લોન લઈને જ તમામ કામ કરતાં હોય છે. પરંતુ સાથે જવાબદારી પણ વધે છે અને હપ્તાની ચુકવણી પણ કરવી પડે છે.

નેશનલ હાઈવે-8 પર વધુ પડતો ટોલ ટેક્સ

બાંધકામ ખર્ચ કરતાં વધુ ટોલ વસૂલવાનો આ મામલો દિલ્હી-જયપુર રોડ (નેશનલ હાઈવે-8)નો છે. આ હાઇવે પર વધુ ટોલ ટેક્સ લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આ હાઈવે વર્ષ 2009માં યુપીએ સરકાર દ્વારા ફાળવવામાં આવ્યો હતો. તે સમયે 9 બેન્કો તેમાં સામેલ હતી. ગડકરીએ કહ્યું કે બાદમાં મંત્રાલયને આ રસ્તો તૈયાર કરવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

નીતિન ગડકરીએ કહ્યું કે કોન્ટ્રાક્ટરો બદલાયા, બેન્કોએ કેસ દાખલ કર્યો, દિલ્હી હાઈકોર્ટે પણ સ્ટે ઓર્ડર આપ્યો હતો. વધુમાં ક્યારેક ખરાબ હવામાનના કારણે તો ક્યારેક કાયદાકીય અડચણોને કારણે કામ પર ભારે અસર પડી હતી. આ બધા કારણોથી ટોલ ટેક્સ પણ પ્રભાવિત થયો છે.

હાઈવેના બાંધકામમાં રૂ. 1900 કરોડનો ખર્ચ

સમગ્ર મામલો આરટીઆઈ દાખલ થયા બાદ સામે આવ્યો છે. આરટીઆઈમાં પૂછવામાં આવ્યું હતું કે રાજસ્થાનમાં દિલ્હી-જયપુર હાઈવે પર મનોહરપુર પ્લાઝામાંથી લગભગ 8000 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી હતી. જ્યારે આ હાઈવેના નિર્માણમાં તેના કરતાં ઘણો ઓછો રૂ. 1900 કરોડનો ખર્ચ થયો હતો.

આ સવાલનો જવાબ આપવાની સાથે કેન્દ્રીય મંત્રીએ એ પણ જણાવ્યું કે મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસમાં કેબિનેટે 5100 કરોડ રૂપિયાના 8 રોડ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. માર્ચ સુધીમાં 3 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ પૂરા કરવાનો લક્ષ્યાંક છે.


Related Posts

Load more