Stock Market Today Down: શેરબજારમાં મંદીનુ જોર સતત વધી રહ્યું છે. સળંગ નવમા દિવસે માર્કેટ કડડભૂસ થયું છે. જેના પગલે નવ દિવસમાં રોકાણકારોએ રૂ. 32.79 લાખ કરોડની ખોટ કરી છે. બીએસઈ માર્કેટ કેપ 5 ફેબ્રુઆરીએ 427.19 લાખ કરોડ હતું. જે ઘટી આજે 395 લાખ કરોડ થયું છે.
સેન્સેક્સ આજે 300 પોઈન્ટથી વધુના ઘટાડે ખૂલ્યા બાદ 644.45 પોઈન્ટ તૂટી 75294.76ના લેવલે પહોંચ્યો હતો. જે 10.15 વાગ્યે 542.76 પોઈન્ટના કડાકે ટ્રેડ થઈ રહ્યો છે. રોકાણકારોને આજે વધુ રૂ. 5 લાખ કરોડનું નુકસાન થયું છે. નિફ્ટી પણ 22800નું લેવલ ફરી તોડી 172.15 પોઈન્ટના ઘટાડે 22757.10 પર ટ્રેડ થઈ રહ્યો છે. સ્મોલકેપ શેરોમાં રોકાણકારોને સૌથી વધુ નુકસાન થઈ રહ્યું છે. ઈન્ડેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો છે. મીડકેપમાં 452 પોઈન્ટનું ગાબડું નોંધાયું છે. સાર્વત્રિક ધોરણે માર્કેટમાં કડાકો નોંધાયો હતો.
718 શેર વર્ષના તળિયે
ભારત પર અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફનો ભય, રૂપિયામાં કડાકો, તેમજ વિદેશી રોકાણકારોની વેચવાલીના કારણે શેરબજાર સતત ગગડી રહ્યા છે. બીએસઈ ખાતે આજે મોર્નિંગ સેશનમાં જ 719 શેર વર્ષના તળિયે પહોંચ્યા હતા. જ્યારે 378 શેરમાં લોઅર સર્કિટ વાગી હતી. કુલ ટ્રેડેડ 3825 પૈકી માત્ર 935 શેરમાં જ સુધારો થયો હતો. જ્યારે 2721માં ઘટાડો નોંધાયો હતો.
માર્કેટમાં સુધારાની શક્યતા?
ભારતીય શેરબજાર કોવિડ મહામારી બાદથી સતત આકર્ષક તેજી સાથે વધ્યા હતાં. છેલ્લા દોઢ વર્ષની તુલનાએ માર્કેટ હજી પણ ઓવરવેલ્યુડ છે. રેસિપ્રોકલ ટેરિફ વચ્ચે જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ દૂર થવાની અંદાજ મળ્યા છે. યુક્રેન અને રશિયા યુદ્ધ સમાપ્ત કરવા જઈ રહ્યા છે, ક્રૂડના ભાવો પણ ઘટ્યા છે. તેમજ ડોલર ઈન્ડેક્સમાં પણ હવે કરેક્શન જોવા મળ્યું છે. બીજી તરફ સ્થાનિક સ્તરે ફુગાવો ઘટતાં આરબીઆઈ તેની એપ્રિલ મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજના દરોમાં વધુ ઘટાડો કરે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. આ પરિબળોને ધ્યાનમાં રાખતાં એપ્રિલના અંત સુધી માર્કેટમાં ફરી પાછી તેજી જોવા મળવાનો આશાવાદ માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે.
(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી માટે છે, જે રોકાણ કરવા સલાહ આપતી નથી.રોકાણ કરતાં પહેલાં તમારા ફાઈનાન્સિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.)