મોદી કેબિનેટના 6 મોટા નિર્ણય: કૃષિ, રેલવે, સહકારી સહિત અનેક સેક્ટર માટેના ફંડને મંજૂરી

By: nationgujarat
31 Jul, 2025

Union Cabinet Meeting : કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં છ મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. કેબિનેટે કૃષિ, રેલવે, સહકારી સહિત અનેક સેક્ટર માટેના ફંડને મંજૂરી આપી છે. બેઠકમાં મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશા અને ઝારખંડ રાજ્યોના 13 જિલ્લાને આવરી લેતા ચાર મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટને મંજૂરી અપાઈ છે.

રેલવેનું નેટવર્ક વધશે, NCDCનું બજેટ વધારાયું, PMKSY માટેના ફંડને પણ મંજૂરી

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં રેલવે લાઈનને લગતા મહત્ત્વના નિર્ણયો લેવાયા છે, જેમાં ભારતીય રેલવેનું વર્તમાન નેટવર્ક 574 કિલોમીટર વધી જશે. આ ઉપરાંત નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NCDC)નું બજેટ રૂપિયા 2000 કરોડ વધારવામાં આવ્યું છે. જ્યારે કૃષિ પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના (PMKSY) માટે 6520 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. બેઠક બાદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw) પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ માહિતી આપી છે.

રેલવે લાઈન મામલે 5451 કરોડ રૂપિયાનું ફંડ મંજૂર

કેબિનેટની બેઠકમાં વધુ રેલવે લાઈનો બનાવવાની પણ મંજૂરી આપવામાં આવી છે, જેમાં પ્રોજેક્ટનો ખર્ચ 5451 કરોડ રૂપિયા નિર્ધારીત કરાયો છે. કેબિનેટે અલુબાડી રોડ-ન્યૂ જલપાઈગુડી વચ્ચે ત્રીજી અને ચોથી રેલવે લાઈન બનાવવા મંજૂરી આપી છે. છત્રપતિ સંભાજીનગર-પરભણી વચ્ચે 177 કિલોમીટર લાંબી લાઈનને ડબલિંગ કરવા માટે 2179 કરોડ રૂપિયા અને ડોંગાપોસીથી જરોલી વચ્ચે ત્રીજી અને ચોથી લાઈન પ્રોજેક્ટ માટે 1752 કરોડ રૂપિયાની મંજૂરી આપી દીધી છે. કેબિનેટની બેઠકમાં કૃષિ, સહકારી, રેલવે સહિતના સેક્ટરો માટે કુલ રૂપિયા 19,688 કરોડ રૂપિયાનું ફંડ મંજૂર કરાયું છે.

કેબિનેટની બેઠકમાં કુલ 6 નિર્ણયો લેવાયા

  • રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમને સશક્ત બનાવવા – 2,000 કરોડ રૂપિયા
  • પ્રધાનમંત્રી કૃષિ સંપદા યોજનાને મજબૂત બનાવવા – 6,520 કરોડ રૂપિયા
  • ઈટારસી – નાગપુર ચોથી રેલ્વે લાઈન બનાવવા – 5,451 કરોડ  રૂપિયા
  • અલુબારી રોડ – ન્યુ જલપાઇગુડી ત્રીજી અને ચોથી રેલ્વે લાઈન બનાવવા – 1,786 કરોડ  રૂપિયા
  • છત્રપતિ સંભાજીનગર – પરભણી રેલ્વે લાઈનનું ડબલિંગ કરવા – 2,179 કરોડ  રૂપિયા
  • ડાંગોઆપોસી – જરોલી ત્રીજી અને ચોથી રેલ્વે લાઈન બનાવવા – 1,752 કરોડ  રૂપિયા

Related Posts

Load more