New Zealand Visa Policy: જો તમે ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થવા તથા કામ કરવા માગો છો, તો તમારા માટે આ મહત્ત્વના સમાચાર છે. ન્યૂઝીલેન્ડે પોતાના ગોલ્ડન વિઝા સંબંધિત નિયમો સરળ કર્યા છે. જેમાં હવે ન્યૂઝીલેન્ડ જવા માટે અંગ્રેજી ભાષા અનિવાર્ય રહેશે નહીં. ગોલ્ડન વિઝામાં સુધારો કરવા પાછળનો હેતુ ધનિકોને ન્યૂઝીલેન્ડ તરફ આકર્ષિત કરવાનો છે. જેથી તેની અર્થવ્યવસ્થાને વેગ મળે. જેથી હવે ન્યૂઝિલેન્ડ માટે વર્ક વિઝા કે, પરમિનન્ટ રેસિડન્ટ મેળવવા માટે હવે અંગ્રેજી ભાષાની જરૂરિયાત દૂર થઈ છે. આ બદલાવ એક એપ્રિલથી લાગુ થશે.
એક્ટિવ ઈન્વેસ્ટર પ્લસ વિઝાના બે કેટેગરીમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં રોકાણ મર્યાદા વધારવામાં આવશે. આ અંગે માહિતી ન્યૂઝીલેન્ડના પ્રવાસી બાબતોના મંત્રી એરિક સ્ટેનફોર્ડે આપી હતી. તેમણે જણાવ્યું કે, અંગ્રેજી ભાષા જાણવાની જરૂરિયાત દૂર કરવા ઉપરાંત રોકાણકારોને રોકાણના માધ્યમથી ન્યૂઝીલેન્ડમાં રહેવાની મંજૂરી આપતાં દિવસોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ કેટેગરીમાં રોકાણકારે ત્રણ વર્ષમાં ઓછામાં ઓછું 50 લાખ ન્યૂઝીલેન્ડ ડોલરનું રોકાણ કરવાનું હોય છે. આ રોકાણ સીધુ કે મેનેજ ફંડ મારફત કરી શકે છે. જેમાં વિઝાધારકોને ન્યૂઝીલેન્ડમાં 21 દિવસ રહેવાની મંજૂરી મળે છે. તેની બીજી કેટેગરીમાં પાંચ વર્ષમાં ઓછામાં ઓછું 1 કરોડ ન્યૂઝીલેન્ડ ડોલરનું રોકાણ કરવા પર ઓછામાં ઓછા 105 દિવસ રહેવા મંજૂરી મળે છે. જેમાં બોન્ડ, સ્ટોક, નવી સંપત્તિના બાંધકામ, કોમર્શિયલ-બિઝનેસ એસેટ્સમાં રોકાણ કરી શકે છે.
ન્યૂઝીલેન્ડમાં ગતવર્ષે 2024માં આર્થિક મંદી જોવા મળી હતી. હવે તે આ મંદીને દૂર કરી પોતાના ઘટતા વ્યાજદરોનો લાભ લઈ આર્થિક મોરચે સુધારો કરવા માગે છે. જો કે, નાણાકીય ભીડના કારણે અડચણો વધી છે. આથી ન્યૂઝીલેન્ડે વિદેશી રોકાણ સંબંધિત નિયમોમાં સુધારા કર્યા છે. વિદેશી રોકાણકારો માટે સિંગલ વિન્ડોની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ સ્કીલ્ડ પ્રોફેશનલ્સને આકર્ષવા માટે રિમોર્ટ વર્કિંગની સુવિધા પણ આપી રહ્યું છે.
વિદેશીઓનું વાર્ષિક 57 કરોડ ડોલરનું રોકાણ
ન્યૂઝીલેન્ડમાં એક્ટિવ ઈન્વેસ્ટર્સ પ્લસ વિઝા પોલીસી હેઠળ ધનિકો વાર્ષિક રૂ. 57 કરોડ ડોલરનું રોકાણ કરતાં હતાં. પરંતુ 2022માં તેના નિયમોમાં ફેરફાર થતાં લોકોએ રોકાણ ઘટાડ્યુ હતું. 2022થી અત્યારસુધીમાં આ કેટેગરીમાં માત્ર 43 અરજીઓ જ મંજૂર થઈ છે. જેમાં અત્યારસુધીમાં માત્ર 54.5 કરોડ ડોલરનું જ રોકાણ નોંધાયું છે. આ ઘટાડો દૂર કરવા ન્યૂઝીલેન્ડે ફરી એકવાર આ કેટેગરીના વિઝા પોલિસીમાં સુધારો કર્યો છે.