ગુજરાતના રાજકારણમાં નવી ચર્ચા, અનામત આંદોલનથી પાટીદારોને શું મળ્યું?

By: nationgujarat
06 Jan, 2025

ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ કરસન પટેલના એક નિવેદનથી પાટીદાર સમાજમાં વિવાદનો પલીતો ચંપાયો છે. શાંત થયેલું પાટીદાર અનામત આંદોલન ગુજરાતના રાજકારણમાં ફરી ચર્ચામાં આવ્યું છે. પાટણના એક કાર્યક્રમમાં ઉદ્યોગપતિ કરશનભાઈ પટેલે કહ્યું કે, ગુજરાતના પાટીદાર અનામત આંદોલનથી સમાજને કશું મળ્યું નથી. પાટીદાર અનામત આંદોલન કરનારાઓએ રાજકીય રોટલા શેક્યા. પાટીદારની દીકરીને CM પદ છોડવું પડ્યું. ત્યારે ધારાસભ્ય કિરીટ પટેલે કરશન પટેલના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તેમણે જવાબમાં કહ્યુ કે, પાટીદાર અનામત આંદોલનમા  શહીદ થયેલા પરિવારોના કેટલા દીકરા – દીકરીઓને નિરમા યુનિવર્સિટીમા મફતમાં એડમિશન કે નોકરી આપી? પાટીદાર અનામત આંદોલન બાદ શહીદ પરિવારોની સહાય માટે “એક શામ શહીદો કે નામ” કાર્યક્રમ યોજ્યો હતો, તેમાં કેટલો ફાળો આપ્યો? અનામત આંદોલનમા જયારે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને રાજીનામુ આપવાની ફરજ પડી હતી ત્યારે કેમ કાંઈજ ના બોલ્યા. વધતી જતી ઉંમર ના કારણે આવું નિવેદન આપી દીધું હોય તેવું લાગે છે.પાટણ ખાતે 42 લેઉવા પાટીદાર સમાજ ના ઇનામ વિતરણ કાર્યક્રમમાં આવેલ પદ્મશ્રી ડૉ  કરસન પટેલ દ્વારા અનામતના  મુદ્દે નિવેદનને ગુજરાતમાં નવું રાજકારણ શરૂ થઈ ગયું છે. આ મામલે પાટણ ના ધારાસભ્ય કિરીટ પટેલે પ્રતિકિયા આપતા જણાવ્યું હતું કે પાટીદાર આંદોલન થયું અને આંદોલનથી સમાજને શું મળ્યું. પાટીદાર સમાજના આનંદીબેન પટેલનો મુખ્યમંત્રી તરીકે ભોગ લેવાયો. મારે કરસનભાઈ પટેલને પૂછવું છે કે પાટીદાર આંદોલન વર્ષ 2015માં થયું અને કદાચ આંદોલનને લઇ આનંદીબેન પટેલને મુખ્યમંત્રીના પદેથી હટાવ્યા તો એ સમયે તમને ખબર ન હતી. જો તમારામાં પાટીદારની વાત કરવામાં ત્રેવડ હોય અથવા પાટીદારની વાત જે તમે 10 વર્ષ પછી કરી રહ્યા છો કે હું કોઈનાથી ડરતો નથી અને સાચી વાત કરવા સરદાર પટેલે  કહ્યું છે તો તમારે હિંમત રાખી એ વખતે બોલવું તું.

શું કરશનભાઈએ પાટીદાર સમાજના એક પણ દીકરા દીકરી ને મદદ કરી?
તેમણે આગળ કહ્યું કે, બીજી બાબત આંદોલનથી સમાજ ને શું મળ્યું તે સમગ્ર પાટીદાર સમાજ જાણે છે. પાટીદાર સમાજને નેતૃત્વ મળ્યું, અનામતનો લાભ મળ્યો, અન્યાય સામે લડવાની તાકાત મળી અને તેના થકી પાટીદાર સમાજના કેટલાક લોકો રાજકારણમાં આવ્યા અને ધારાસભ્ય પણ બન્યા. હકીકત એ છે કે આંદોલન થકી જ નેતાઓ પેદા થતા હોય છે. નવનિર્માણ આંદોલન થયું જેમાંથી અનેક નેતાઓ બન્યા. બીજી બાબત પાટીદાર સમાજના દીકરા દીકરી ની વાત કરે છે તો આંદોલન દરમ્યાન 13 થી વધુ યુવાનો શહીદ થયાં ત્યારે સમાજના ઉદ્યોગપતિઓએ સીધી કે આડકતરી રીતે તેમને આર્થિક મદદ કરી હતી. તો શું કરશનભાઈએ પાટીદાર સમાજના એક પણ દીકરા દીકરી ને મદદ કરી?

કિરીટ પટેલે કહ્યું કે, એમની પાસે મોટી યુનિવર્સિટી છે. ઉદ્યોગો છે. શહીદ પરિવારના કોઈ દીકરા દીકરીને મફત અભ્યાસ કરાવ્યો, નોકરી આપી હોય એટલે માત્ર વાતો કરવા થી કાંઈ થતું નથી અને અત્યારે 10 વર્ષ વીતી ગયા હવે આ વાત કરવી યોગ્ય નથી. કદાચ  ઉંમરની અસર હોય. કેટલીક વખત કેટલાકને દુખે પેટ અને ફૂટે માથું આવી પરિસ્થિતિ હોય. પરંતુ જો કોઈ સાચી વાત કરવાની હિંમત  હોય તો આડકતરી રીતે નહિ સીધી રીતે વાત કરવી જોઈએ.

આ સાથે જ ઉત્તર ગુજરાત યુનિમાં લાફાકાંડ બાબતે ફરિયાદી પોલીસ કર્મીની બદલી મુદ્દે કિરીટ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ એક વહીવટી પ્રક્રિયા છે તેમાં નિરમાના ઉદ્યોગપતિ કરસનભાઈ પટેલે પડવું ના જોઈએ. છઠ્ઠી તારીખે યુનિવર્સિટીમાં જે દારૂકાંડ બન્યો  તેમાં જે પીઆઈએ ફરિયાદ ન નોંધી. જે બાબતે પાટણ એસપીએ ઈન્ક્વાયરી આપી હતી. ફરિયાદ શા માટે નોંધી ન હતી તે મુદ્દે પીઆઈની બદલી કરી છે. પીઆઈએ ફરજ પર બેદરકારી દાખવી છે તેના લઈને કરાઈ છે બદલી તેમ કિરીટ પટેલે જણાવ્યું હતું.


Related Posts

Load more