PM Modi in Lok sabha: સંસદમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “દુનિયાના કોઈ પણ નેતાએ ઓપરેશન સિંદૂર બંધ કરવાનું કહ્યું નથી. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ મને ફોન પર કહ્યું કે, પાકિસ્તાન મોટો હુમલો કરવા જઈ રહ્યું છે અને મારો જવાબ હતો કે, જો આ પાકિસ્તાનનો ઈરાદો છે, તો તે તેમને મોંઘુ પડશે.” ગૃહમાં પીએમ મોદીએ કહ્યું કે, “અમેરિકાના ઉપરાષ્ટ્રપતિને મારો જવાબ હતો કે જો આ પાકિસ્તાનનો ઈરાદો છે, તો તે તેમને મોંઘુ પડશે. અમે મોટો હુમલો કરીને જવાબ આપીશું. મેં આગળ કહ્યું હતું કે, અમે ગોળીઓનો જવાબ ગોળાથી આપીશું. આ 9 તારીખની વાત હતી. અને 9 તારીખની રાત્રે અને 10 તારીખની સવારે અમે પાકિસ્તાનની લશ્કરી શક્તિને તહસનહસ કરી દીધી હતી. આ અમારો જવાબ હતો અને આ અમારો ભાવના હતી.”
તેમણે વધુમાં કહ્યું કે, 9 મેની મધ્યરાત્રિથી 10 મેની સવારની વચ્ચે આપણી મિસાઇલોએ પાકિસ્તાન પર પ્રહાર કર્યા અને પાકિસ્તાનને ઘૂંટણિયે પડવા મજબૂર કરી દીધું.
‘કેટલાક લોકો સેનાના તથ્યોને બદલે…’
નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 10 મેના રોજ ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ કરવામાં આવતી કાર્યવાહી બંધ કરવાની જાહેરાત કરી હતી, અહીં આ વિશે ઘણી બધી વાતો કહેવામાં આવી હતી. આ એ જ પ્રોપેગેંડા છે જે સરહદ પારથી અહીં ફેલાવવામાં આવ્યો છે. કેટલાક લોકો સેના દ્વારા આપવામાં આવેલા તથ્યોને બદલે પાકિસ્તાનના ખોટા પ્રચારને પ્રોત્સાહન આપવામાં રોકાયેલા હતા, જ્યારે ભારતનું વલણ હંમેશા સ્પષ્ટ રહ્યું છે.
લોકસભામાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “આજે પાકિસ્તાનને પણ સારી રીતે ખબર પડી ગઈ છે કે ભારતનો દરેક જવાબ પહેલા કરતા વધુ મજબૂત હોય છે. તે એ પણ જાણે છે કે, ભવિષ્યમાં જો જરૂર પડે તો ભારત કંઈ પણ કરી શકે છે. તેથી જ હું લોકશાહીના આ મંદિરમાં ફરીથી કહેવા માંગુ છું કે ઓપરેશન સિંદૂર ચાલી રહ્યું છે.”