ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ઓવલમા પાંચમી ટેસ્ટ મેચ ચાલી રહી છે ત્યારે સમાચાર આવી રહ્યા છે કે ભારતે આઇસીસીમા ફરિયાદ કરી છે. એન્ડરસન-તેંડુલકર ટ્રોફીમાં ડ્યુક્સ બોલનો ઉપયોગ થયો હતો. ભારતીય ટીમે આ મામલે ડ્યુક્સ બોલ અંગે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) ને ફરિયાદ કરી છે.
લોર્ડ્સ ટેસ્ટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ડ્યુક્સ બોલ ચર્ચાનો મોટો વિષય હતો, જ્યાં બંને ટીમોએ બોલની સ્થિતિ અંગે ફરિયાદ કરી હતી. ત્રીજા દિવસે મેચમાં વિવાદ વધુ ઘેરો બન્યો જ્યારે ભારતીય ખેલાડીઓએ પહેલા સત્રમાં જ ઘણી વખત બોલ પર વાંધો ઉઠાવ્યો. જોકે બોલ બે વાર બદલવામાં આવ્યો હતો, પરંતુ ટીમ ઇન્ડિયા નવા બોલની સ્થિતિથી સંતુષ્ટ જણાતી ન હતી.
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ટીમ ઈન્ડિયાએ હવે આ મામલો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) સમક્ષ ઉઠાવવાનો નિર્ણય લીધો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય ટીમે આરોપ લગાવ્યો છે કે બીજો રિપ્લેસમેન્ટ બોલ, જે ફક્ત 10 ઓવરમાં જ પોતાનો આકાર ગુમાવી બેઠો હતો, તે ખરેખર 30-35 ઓવર જૂનો હતો. ટીમ ઈન્ડિયાના મેનેજમેન્ટનું કહેવું છે કે આનાથી તેમને ઘણું નુકસાન થયું અને અંતે ભારતીય ટીમ 22 રનથી મેચ હારી ગઇ.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે – પ્રોટોકોલ મુજબ, રિપ્લેસમેન્ટ બોલ મૂળ બોલ જેટલો જૂનો હોવો જોઈએ, પરંતુ એવું જાણવા મળ્યું છે કે અમ્પાયરોએ ટીમને કહ્યું હતું કે તેમની પાસે 10 ઓવરથી જૂનો કોઈ બોલ સ્ટોકમાં નથી.
અહેવાલમાં બીસીસીઆઈના એક અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે લોર્ડ્સમાં લગભગ 10 ઓવર પછી ડ્યુક્સ બોલ પોતાનો આકાર ગુમાવી બેઠો હતો, જે આ શ્રેણીમાં વારંવાર જોવા મળ્યું છે. બોલ અમ્પાયરો સાથે રિંગ્સમાંથી પસાર થઈ શક્યો નહીં, જેનો ઉપયોગ બોલ સંપૂર્ણપણે ગોળ છે કે નહીં તે તપાસવા માટે થાય છે. જોકે, અમ્પાયરો પાસે 10 ઓવરનો જૂનો બોલ નહોતો, તેથી મેચના ખૂબ જ મહત્વપૂર્ણ તબક્કે, ભારતીય ટીમને 30-35 ઓવરનો જૂનો બોલ આપવામાં આવ્યો.
BCCI અધિકારીએ કહ્યું- જ્યારે તમે રિપ્લેસમેન્ટ બોલ માટે માંગ કરો છો , ત્યારે તમને કહેવામાં આવતું નથી કે આપવામાં આવનાર બોલ કેટલી ઓવર જૂનો છે. લોર્ડ્સમાં અમને કહેવામાં આવ્યું ન હતું કે રિપ્લેસમેન્ટ બોલ 30 થી 35 ઓવર જૂનો હશે. જો અમને ખબર હોત, તો અમે તે જ બોલથી રમવાનું ચાલુ રાખ્યું હોત જે ખરાબ સ્થિતિમાં હતો અને 10 ઓવરથી ઉપયોગમાં હતો. ICC એ આમાં હસ્તક્ષેપ કરવો જોઈએ. આ નિયમ બદલવો જરૂરી છે.