ઉત્તર પ્રદેશ માં પૂર રૂપી “માં ગંગા” નો કહેર : વારાણસીમાં નવ દિવસ સુધી સતત પાંચ મીટર પાણીનું સ્તર વધ્યા બાદ બુધવારથી ગંગાના પાણીનું સ્તર ઘટવાનું શરુ થયું છે. હવે ગંગાના પાણીનું સ્તર દર કલાકે બે સેન્ટિમીટર નીચે આવી રહ્યું છે. આ સાથે જ વરુણા અને અસ્સીના વિપરીત પ્રવાહની ગતિમાં ઘટાડો થયો છે, પરંતુ લોકોને હજુ પણ રાહત નથી મળી. ગંગા નદીનું પાણી બાબા વિશ્વનાથ મંદિરના દ્વારથી 12 પગથિયા નીચે છે. ત્યાં લલિતા ઘાટ અને દિવાલો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે.
નમો ઘાટ બુધવારે સતત ત્રીજા દિવસે પણ બંધ રહ્યો. કોઈ પણ પ્રવાસી કે શ્રદ્ધાળુને આવવા-જવાની મંજૂરી નહોતી. રાજઘાટના રસ્તા પરનું પાણી સીડીઓ પર પહોંચી ગયું. ઘાટ પરના મંદિરોના શિખરોના કેટલાક ભાગો દેખાવા લાગ્યા છે.
મણિકર્ણિકા ઘાટ તરફથી આવેલું પાણી હવે ગલીમાં આશ્રમના ગેટની પાછળ થોડું ઓછું થઈ ગયું છે. મૃતદેહોને પાણીમાંથી હોડી દ્વારા લઈ જઈને છત પર અગ્નિસંસ્કાર કરવામાં આવી રહ્યા છે. એક વારમાં માત્ર 7-8 મૃતદેહોનો અગ્નિસંસ્કાર કરવામાં આવી રહ્યો છે.
દશાશ્વમેઘ અને શીતળા ઘાટની બહાર રસ્તા પર પાણી છે. લોકો ત્યાં જ સ્નાન કરી રહ્યા છે. અસ્સી ઘાટ પાર કરીને બજારમાં પહોંચતો પાણીનો પ્રવાહ હવે જગન્નાથ મંદિરના દરવાજા સુધી પહોંચી ગયો છે.
બીજી તરફ સામનેઘાટ પર મહેશ નગર સહિત ઘણી કોલોનીઓમાંથી પાણી ઓસરવા લાગ્યું છે, જોકે ગંગાનું પાણી લગભગ 200 મીટર સુધી રસ્તા પર 3-4 ફૂટ રહ્યું. જેના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે.
રાહત સામગ્રી ન મળતા હંગામો
નગવા ગંગોત્રી વિહાર વિસ્તારમાં બુધવારે મોડી સાંજે પૂરમાં ફસાયેલા અડધા ડઝનથી વધુ લોકોને રાહત સામગ્રી ન મળતાં તેઓએ હંગામો મચાવી દીધો હતો. તેમણે નગવા પ્રાથમિક શાળામાં બનેલા રાહત શિબિરની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેઓએ સરકાર દ્વારા આપવામાં આવતું જરૂરી અનાજ અને પાણી તેમને મળી રહ્યું ન હોવાનો આરોપ લગાવ્યો હતો. તેઓ પૂરથી પીડાઈ રહ્યા છે અને ખરીદીને ખાવા-પીવા માટે મજબૂર છે. નગવા વોર્ડ કાઉન્સિલર પ્રતિનિધિ ડૉ. રવિન્દ્ર સિંહે જણાવ્યું કે, ગંગોત્રી બિહારનો એક લેન ખૂબ જ સાંકડો છે, જેના કારણે બોટ ત્યાં ન જઈ શકી.
પૂરગ્રસ્ત ગોબરહા ગામની એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતાં ખાટલા પર ઉઠાવીને પાણીમાંથી બહાર લાવવામાં આવી હતી. તેને ચિરઈગામ પીએચસીમાં દાખલ કરવામાં આવી હતી. ચૌબેપુરના પીપરી ગામમાં લોકો છ જનરેટરની મદદથી રાત વિતાવી રહ્યા છે. બેલા ધૌરહરા માર્ગ, બેલા બર્થરા ખુર્દ માર્ગ જળમગ્ન છે. બીજી તરફ પૂરના કારણે ગોબરહા ગામમાં સુનિલને સાપે કરડ્યો હતો. તેને ખભા પર ઉઠાવીને પાણી પાર કરાવવામાં આવ્યો અને પછી તેને હૉસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી હતી.
બીજી તરફ ચિરઈગામના ઢાબા વિસ્તારના રામચંદીપુર, મોકલપુર, ગોબરહા, રામપુર, રેતાપર, મુસ્તફાબાદ, ચાંદપુર, ચિતૌના, લુથા અને શિવદશા ગામો હવે પાણીમાં ડૂબેલા છે. મુખ્ય માર્ગ પર વાહનવ્યવહાર બંધ છે. એડીએમ ફાયનાન્સે જણાવ્યું કે, પૂરગ્રસ્ત ગામોમાં રાહત સામગ્રી અને ઘાસચારો વિતરણ કરવાનું કામ મહેસૂલ ટીમની દેખરેખ હેઠળ ચાલી રહ્યું છે. પ્રાદેશિક નાયબ તહસીલદાર સુરેખા વર્માએ જણાવ્યું હતું કે, પૂરગ્રસ્ત ગામોમાં વહીવટીતંત્ર દ્વારા કુલ 37 બોટ તહેનાત કરવામાં આવી છે.