અર્થશાસ્ત્રી અને પદ્મશ્રી થી સન્માનિત એવા “મેઘનાદ દેસાઈનું” 85 વર્ષની વયે લંડનમાં નિધન

By: Krunal Bhavsar
29 Jul, 2025

Meghnad Desai Passes Away : ભારતીય મૂળના જાણીતા બ્રિટિશ અર્થશાસ્ત્રી, પદ્મશ્રી એવોર્ડ થી સન્માનિત , રાજકારણી-લેખક તેમજ યુકેના હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય મેઘનાદ દેસાઈનું 85 વર્ષની ઉંમરે લંડનમાં નિધન થયું છે. તેમણે લગભગ ચાર દાયકા સુધી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં શિક્ષણ આપ્યું હતું. તેમનો જન્મ 10 જુલાઈ-1940ના રોજ વડોદરા, ગુજરાતમાં થયો હતો. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. અને એમ.એ.ની ડિગ્રી મેળવી. તેમણે યુએસએમાં પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટ (PhD) પૂર્ણ કર્યું હતું.

મેઘનાદ દેસાઈ અનેક વિષયોના વિદ્વાન હતા

તેઓ 1965થી 2003 સુધી લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ (LSE)માં અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે કાર્યરત રહ્યા હતા. તેમણે LSE ખાતે સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ગ્લોબલ ગવર્નન્સ અને ડેવલપમેન્ટ સ્ટડીઝ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપનામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેઓ માર્ક્સવાદી અર્થશાસ્ત્ર, રાજકીય અર્થતંત્ર, નાણાકીય નીતિ અને આર્થિક ઇતિહાસ જેવા વિષયોના વિદ્વાન હતા. તેઓ મુંબઈમાં સ્થિત મેઘનાદ દેસાઈ એકેડમી ઑફ ઇકોનોમિક્સ (MDAE)ના સ્થાપક અધ્યક્ષ પણ હતા, જે એક અનુસ્નાતક સંસ્થા છે.

બ્રિટિશ લેબર પાર્ટીના સક્રિય સભ્ય પણ રહ્યા

મેઘનાદ દેસાઈ 1971થી બ્રિટિશ લેબર પાર્ટીના સક્રિય સભ્ય રહ્યા છે. તેમને 1991માં લોર્ડ દેસાઈ ઓફ સેન્ટ ક્લેમેન્ટ ડેન્સ તરીકે લાઈફ પીયરેજ અપાયું હતું અને તેઓ બ્રિટિશ હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય બન્યા હતા. તેમણે 2011માં હાઉસ ઓફ લોર્ડ્સમાં લોર્ડ સ્પીકરના પદ માટે પણ અસફળતાપૂર્વક ઉમેદવારી નોંધાવી હતી.

2008માં પદ્મ ભૂષણ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.

2004માં તેમને ભારતીય પ્રવાસી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. 2008માં તેમને ભારતનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણ એનાયત કરવામાં આવ્યો હતો. મેઘનાદ દેસાઈ એક બહુમુખી પ્રતિભા ધરાવતા વ્યક્તિત્વ હતા, જેમણે અર્થશાસ્ત્ર, રાજકારણ અને સાહિત્યના ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેઓ વૈશ્વિક મુદ્દાઓ અને ભારતીય પરિપ્રેક્ષ્ય બંને પર ઊંડી સમજ ધરાવતા હતા.


Related Posts

Load more