Pahalgam Terror Attack: જમ્મુ કાશ્મીરના પહલગામના બેસરન ઘાટીમાં મંગળવાર બપોરે 2:30 વાગ્યે આતંકવાદી હુમલો થયો હતો. આતંકવાદીઓએ ઘોડેસવારી કરી રહેલા પ્રવાસીઓના ગ્રુપને નિશાન બનાવ્યું. મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા. સૂત્રોના અનુસાર, અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયા છે. આ હુમલો ન માત્ર લોકો ઉપર થયો પરંતુ ઘોડા પણ ઘાયલ થયા છે, જેમને ગોળીઓ વાગી છે. આતંકવાદીઓને પકડવા માટે સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. CRPFની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ત્યારે ભારત પ્રવાસે આવેલા અમેરિકાના ઉપ રાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સે પણ પહલગામમાં બનેલી આતંકવાદી ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે.
અમેરિકાના ઉપ રાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વિટ પર રિટ્વિટ કરતા પર લખ્યું છે કે, ‘ઉષા અને હું ભારતના પહલગામમાં થયેલા વિનાશક આતંકવાદી હુમલાના પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. છેલ્લા કેટલાક દિવસોમાં અમે આ દેશ અને તેના લોકોની સુંદરતાથી અભિભૂત થયા છીએ. આ ભયાનક હુમલાનો શોક વ્યક્ત કરતી વખતે અમારા વિચારો અને પ્રાર્થનાઓ તેમની સાથે છે.’ જણાવી દઈએ કે, અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ જેડી વેન્સ પોતાના પરિવાર સાથે ચાર દિવસીય ભારતની મુલાકાતે છે. હાલ તેઓ જયપુરમાં છે.