Pahalgam Terrorist Attack: પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે ભારત સરકારે બુધવારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. હવે ભારતે પાકિસ્તાન માટે પોતાનું આગામી 23 મે સુધી એરસ્પેસ બંધ કરી દીધું છે. જેથી પાકિસ્તાનની કોઈપણ ફ્લાઈટ્સ ભારતમાંથી જઈ શકશે નહીં.
PM નરેન્દ્ર મોદીએ બુધવાર રાત્રે તેમના નિવાસસ્થાને હાઈલેવલ બેઠક કરી. એક કલાક ચાલેલી આ બેઠકમાં વિદેશ મંત્રી એસ. જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદી હાજર રહ્યા.
પીએમ આવાસ પર બે દિવસમાં આ બીજી બેઠક છે. ગઈકાલે પીએમએ દોઢ કલાકની હાઈલેવલ બેઠક કરીને આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સેનાઓને ખુલ્લી છૂટ આપી હતી.
આ પહેલા પહેલગામ હુમલા પર રાહુલ ગાંધીએ બુધવારે કહ્યું, ‘હું માત્ર એટલું કહેવા માંગુ છું કે જે લોકોએ આ કર્યું, તેઓ જ્યાં પણ છે, તેમને ભોગવવું પડશે. સરકારને વિપક્ષનો 100% સમર્થન છે. નરેન્દ્ર મોદીએ એક્શન લેવું પડશે અને તે પણ કડક. સરકારે સમય બરબાદ નહીં કરવો જોઈએ.’
આ દરમિયાન પાકિસ્તાની સેનાએ આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘણી પોસ્ટ ખાલી કરી દીધી છે. પાકિસ્તાની સેનાએ આ પોસ્ટ પરથી ધ્વજ પણ હટાવી લીધા છે. કઠુઆના પરગવાલ વિસ્તારમાં આ પોસ્ટ ખાલી કરવામાં આવી છે. પાકિસ્તાની સેના LOC પર સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહી છે. પાકિસ્તાની સેનાએ બુધવારે પહેલી વાર આંતરરાષ્ટ્રીય સરહદ પર પણ યુદ્ધવિરામનો ભંગ કર્યો. જેનો ભારતીય સેનાએ તરત જ જવાબ આપ્યો.
પહેલગામ હુમલાને 8 દિવસ થઈ ગયા છે. આ હુમલામાં આતંકવાદીઓએ 26 લોકોની હત્યા કરી નાખી હતી. 10થી વધુ લોકો ઘાયલ થયા હતા.