દીપક હૂડા પડ્યો ગંગા નદીમાં : હરિદ્વારમાં પવિત્ર ગંગા નદીમાં શ્રદ્ધાની ડૂબકી લગાવવામાં પહોંચેલા ભારતીય કબડ્ડી ટીમના પૂર્વ કેપ્ટન અને અર્જુન પુરસ્કાર વિજેતા દિપક હુડા આજે (23 જુલાઈ) નદીમાં તણાયા હતા. દિપક ગંગા નદીમાં નહાવા પડ્યા હતા, ત્યારે પાણીના વધુ પ્રવાહના કારણે તે તણાયા હતા. જોકે, સ્થળ પર હાજર રાહત ટીમ દ્વારા દિપકને બચાવીને સુરક્ષિત બહાર નીકાળ્યા હતા.
હરિદ્વારના હર કી પૌડી ખાતે ભારતીય કબડ્ડી ટીમનો પૂર્વ કેપ્ટન દિપક હુડા ગંગા નદીમાં નહાવા પડ્યા ત્યારે પાણીના પ્રવાહમાં તણાયા હતા. ઘટના સ્થળ નજીક હાજર 40મી બટાલિયન પીએસીની આપત્તિ રાહત ટીમે દિપક હુડાને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ દરમિયાન ઘટના સ્થળે હાજર શ્રદ્ધાળુઓ અને સુરક્ષા કર્મચારીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
દીપક હુડા ભારતીય કબડ્ડી ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને તેમણે પ્રો કબડ્ડી લીગની બધી સીઝનમાં ભાગ લીધો છે. તેમણે 2016 સાઉથ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ટીમનો ભાગ રહી ચૂક્યા છે. મૂળ હરિયાણાના રોહતકના રહેવાસી દિપકે પોતાના પ્રદર્શનથી ઘણી વખત ભારતને ગૌરવ અપાવ્યું છે. તેમની પત્ની સ્વીટી બૂરા પણ આંતરરાષ્ટ્રીય સ્તરના બોક્સર છે અને અર્જુન એવોર્ડ વિજેતા છે.