અયોધ્યામાં રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા વિધિ સંપન્ન થયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંતોના આશીર્વાદ લીધા હતા અને મંચ પરથી સંતોએ આશીર્વચન પાઠવ્યા હતા. અયોધ્યાના મુખ્ય મંચ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવુક બનીને પોતાના મનના ભાવ રજૂ કર્યા હતા. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ રામમંદિર એ રાષ્ટ્રનિર્માણની સીડી છે. રામમંદિર આગને નહીં, પણ નવી ઊર્જાને જન્મ આપે છે. યે યહી સમય હૈ, સહી સમય હૈ… આજથી આ પવિત્ર સમયથી એક હજાર વર્ષ સુધીના ભારતનો પાયો નાખવો છે. ભવ્ય રામમંદિર ભવ્ય ભારતના ઉદયનું, વિકસિત ભારતનું સાક્ષી બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન પહેલાં સંઘ સરસંચાલક મોહન ભાગવત, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ગોવિંદદેવગિરિ મહારાજે પણ સંબોધન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રામજન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યાના આંગણેથી કહ્યું હતું કે હું ગર્ભગૃહમાંથી ઈશ્વરીય ચેતનાનો સાક્ષી બનીને આવ્યો છું. ઘણું કહેવું છે, પણ મન અવરોધે છે. શરીર સ્પંદિત છે. આપણા રામલલ્લા હવે ટેન્ટમાં નહીં રહે. આપણા રામલલ્લા દિવ્ય મંદિરમાં રહેશે. મને વિશ્વાસ છે, અપાર શ્રદ્ધા છે કે જે ઘટિત થયું છે એની પ્રતીતિ રામભક્તોને થઈ રહી હશે. આ પળ પવિત્ર છે. ક્ષણ અલૌકિક છે. આ ઘડી પ્રભુ રામના આપણા પર આશીર્વાદ છે. 22 જાન્યુઆરી, 2024નો સૂરજ આપણા માટે અદભુત આભા લઈને આવ્યો છે. આજે એ તારીખ નથી, નવા કાળચક્રનું ઉદગમ છે. આજથી હજાર વર્ષ પછી પણ લોકો આજની તારીખની ચર્ચા કરશે. આ મોટી રામકૃપા છે કે આપણે આ પળને જીવી રહ્યા છીએ. સાક્ષાત્ ઘટિત થતા જોઈએ છીએ. દિશાઓ, દિગંત દિવ્યતાથી પરિપૂર્ણ છે. આ સમય સામાન્ય નથી, કાળચક્ર પર અંકિત થઈ રહેલી અમિટ સ્મૃતિ રેખાઓ છે. જ્યાં રામનું કામ હોય છે ત્યાં પવનપુત્ર હનુમાન બિરાજમાન હોય છે.
હું આજે પ્રભુ રામ પાસે ક્ષમાયાચના માગું છું. અમારાં ત્યાગ, તપસ્યામાં કાંઈક તો કમી રહી હશે કે આટલા સમય સુધી અમે આ કાર્ય કરી શક્યા નહીં. મને વિશ્વાસ છે કે પ્રભુ રામ અવશ્ય ક્ષમા કરશે. ત્રેતામાં રામ આગમન પર સંત તુસલીદાસે લખ્યું છે- પ્રભુનું આગમન જોઈને જ અયોધ્યાવાસી, દેશવાસી લાંબા વિયોગથી આપત્તિ ભોગવતા હતા એ દૂર થયા. એ વિયોગ 14 વર્ષનો હતો. આ યુગમાં અયોધ્યા અને દેશવાસીઓએ સેંકડો વર્ષોનો વિયોગ સહ્યો છે. આપણી કેટલીય પેઢીઓએ વિયોગ સહ્યો છે. ભારતના સંવિધાનમાં પહેલી પ્રતિમાં ભગવાન રામ બિરાજમાન છે. સંવિધાનના અસ્તિત્વમાં આવ્યા પછી પ્રભુ રામના અસ્તિત્વને લઈને લડાઈ ચાલી. ન્યાયના પર્યાય પ્રભુ રામનું મંદિર ન્યાયબદ્ધ રીતે બન્યું. આજે ઘરે-ઘરે દીવડાં પ્રગટશે. દેશમાં ફરી દિવાળી ઊજવાશે.
એ સમયે જે કાળચક્ર બદલાયું એ રીતે જ કાળચક્ર બદલાશે એવું મને ધનુષકોડીમાં લાગ્યું. નાસિકનું પંચવટીધામ, લેપાક્ષી, શ્રીરંગમ મંદિર, રામેશ્વરમ બધે ગયો. 11 દિવસના ઉપવાસ દરમિયાન મેં સાગરથી સરયૂ સુધીની યાત્રા કરી. દરેક જગ્યાએ રામ નામનો ઉત્સાહ છવાયેલો છે. રામ ભારતવાસીઓના અંતર્મનમાં બિરાજેલા છે. ભારતમાં ક્યાંય પણ કોઈની અંતરાત્માને સ્પર્શ કરીશું તો એકતત્વની ભાવના થશે, આનાથી ઉત્કૃષ્ટ સૂત્ર નહીં મળે.
મને દેશના ખૂણે-ખૂણે અલગ અલગ ભાષાઓમાં રામાયણ સાંભળવાનો અવસર મળ્યો. રામને પરિભાષિત કરતાં ઋષિઓએ કહ્યું, રમન્તે યસ્મિન ઈતિ રામ… રામ પર્વથી લઈને પરંપરામાં સમાયેલા છે. લોકોએ રામને જીવ્યા છે. રામરસ જીવનપ્રવાહની જેમ વહ્યો છે. રામકથા અસીમ છે. રામાયણ પણ અનંત છે. બધે રામનાં મૂલ્યો સરખાં છે.
આજે દેશ એ વાતનો સાક્ષી છે કે અગણિત રામભક્તો, કારસેવકો અને સંત મહાત્માના ઋણી છીએ. આજની ક્ષણ ઉત્સવની તો છે, પણ ભારતીય સમાજની પરિપક્વતાની બોધની ક્ષણ છે. આ અવસર વિજયનો નહીં, વિનયનો પણ છે. ઘણા રાષ્ટ્ર પોતાના ઈતિહાસમાં ઉલઝાઈ જાય છે. એમાંથી બહાર નીકળવામાં કષ્ટ પડ્યું, પણ આપણા દેશે જે ગંભીરતા અને ભાવુકતા સાથે ખોલી છે, એ બતાવે છે કે આપણું ભવિષ્ય ભૂતકાળ કરતાં વધારે સરસ બનવા જઈ રહ્યું છે. ઘણા કહે છે, રામમંદિર બનશે તો આગ લાગી જશે. એ લોકો નિર્માણ પાછળનો હેતુ નથી સમજતા. આ મંદિર સમભાવનું પ્રતીક છે. આ મંદિર કોઈ આગને નહીં, ઊર્જાને જન્મ આપે છે. રામ વિવાદ નહીં, રામ સમાધાન છે. રામ ફક્ત આપણા જ નથી, બધાના છે. તેઓ વર્તમાની નહીં, અનંતકાળના છે.
આ માત્ર રામના વિગ્રહરૂપની પ્રતિષ્ઠા નથી, રામ પ્રત્યેના અતૂટ વિશ્વાસની પ્રતિષ્ઠા છે. આ મૂલ્યોની, આદર્શોની પ્રતિષ્ઠા છે. રામમંદિર દેવ મંદિર નથી, એ ભારતની દૃષ્ટિનું મંદિર છે. રામના રૂપમાં રાષ્ટ્રચેતનાનું મંદિર છે. રામ ભારતનો આધાર છે. રામ ભારતની ચેતના છે. રામ ભારતનું ચિંતન છે. રામ પ્રવાહ છે. રામ નેતી પણ છે, નીતિ પણ છે. રામ વ્યાપક છે. રામ વિશ્વાત્મા છે, એટલે જો રામની પ્રતિષ્ઠા થાય છે તો વર્ષો સુધી નહીં, હજારો વર્ષો સુધી થાય છે. રામરાજ્યની સ્થાપના થઈ છે. રામની ભૂમિ કેટલાક સવાલ કરે છે. મંદિર તો બંધાયું, પણ હવે આગળ શું?
આજના અવસરે દેવ-દેવીઓના આશીર્વાદ આપે છે એને આમ જ વિદાય કરીશું. પવિત્ર મનથી મહેસૂસ કરું છું કે કાળચક્ર બદલાઈ રહ્યું છે. આપણી પેઢીને કાળ શિલ્પના રૂપમાં પસંદ કરી છે. યે યહી સમય હૈ, સહી સમય હૈ… આજથી આ પવિત્ર સમયથી એક હજાર વર્ષ સુધીના ભારતનો પાયો નાખવો છે. દેશવાસીઓ સમર્થ, સક્ષમ, ભવ્ય, દિવ્ય ભારતના નિર્માણની સોગંદ લઈએ છીએ. રામના વિચાર જનમાનસમાં પણ હોય, એ રાષ્ટ્રનિર્માણની સીડી છે. આપણી ચેતનાનો વિસ્તાર રામથી રાષ્ટ્ર સુધીનો હોવો જોઈએ.
દૂર કુટિયામાં જીવન વિતાવનારી મા શબરી તો કહેતી કે રામ આયેંગે… પ્રત્યેક ભારતીયમાં જન્મેલો વિશ્વાસ પ્રત્યેક ભારતીયોનો આધાર બને છે. નિષાદરાજની મિત્રતા દરેક બંધનોથી ઉપર છે. દેવ સે દેશ, રામ સે રાષ્ટ્રની ચેતનાનો વિસ્તાર કરવાનો છે. કોઈ એમ વિચારતો હોય કે હું નાનો છું તો ખિલકોલીને યાદ કરવી જોઈએ. લંકાપતિ રાવણ પ્રકાંડ જ્ઞાની હતા પણ જટાયુની મૂલ્યનિષ્ઠા જુઓ, તેને ખબર હતી કે રાવણ સામે ટકી નહીં શકે તો પણ રાવણને પડકાર આપ્યો. આપણે સંકલ્પ લઈએ રાષ્ટ્ર નિર્માણ માટે પળપળ આપી દઈએ. રામ સમર્પણને રાષ્ટ્ર સમર્પણ સાથે જોડી દઈએ. આ પૂજા અહમથી ઉપર સ્વયં માટે હોવી જોઈએ. આપણે નિત્ય પરાક્રમ, પુરુષાર્થનો પ્રસાદ પ્રભુ રામને ચડાવવો પડશે. આ ભારતના વિકાસનો અમૃતકાળ છે. યુવાઓની ઊર્જાથી દેશ ભરપૂર છે. હવે ચૂકવાનું નથી, બેસવાનું નથી. યુવાનોને કહીશ કે, તમારી સામે હજારો વર્ષોની પ્રેરણા છે.
આવનારો સમય સફળતાનો છે. સિદ્ધિનો છે. ભવ્ય રામ મંદિર સાક્ષી બનશે ભવ્ય ભારતના ઉદયનું, વિકસિત ભારતનું. આ ભારતનો સમય છે અને હવે ભારત આગળ વધશે. આપણે બધાએ આ કાળખંડની રાહ જોઈ છે. હવે આપણે રોકાશું નહીં, આગળ વધતા રહેશું.