One Nation One Election Bill : ‘એક દેશ, એક ચૂંટણી’ સંબંધિત બિલ આજે લોકસભામાં રજૂ કરવામાં કરવામાં આવ્યું છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ આ બિલને ગૃહમાં રજૂ કર્યું છે. આ બિલને ‘બંધારણ (129મો સુધારો) બિલ 2024’ નામ આપવામાં આવ્યું છે. હવે આ બિલને લઈને તમામ રાજકીય પક્ષોની પ્રતિક્રિયાઓ પણ સામે આવવા લાગી છે.
વિપક્ષનો ભારે વિરોધ
કોંગ્રેસે આજે સવારે ઇમરજન્સી બેઠક બોલાવી હતી. વિપક્ષ ‘એક દેશ, એક ચૂંટણી’નો સતત વિરોધ કરી રહ્યો છે. હાલમાં લોકસભામાં આજની કાર્યવાહી ખૂબ જ હોબાળાથી ચાલી રહી છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે વિરોધની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, ‘બંધારણને નષ્ટ કરવાનું બીજું ષડયંત્ર છે.’
એક દેશ, એક ચૂંટણી’ એટલે આખા દેશમાં એકસાથે એક જ દિવસે (અથવા ટૂંકી અવધિમાં) તમામ પ્રકારની ચૂંટણીઓ યોજવી. ભારતના સંદર્ભમાં જોઈએ તો લોકસભાની ચૂંટણીની સાથે તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજવાની હોય. સાથોસાથ સ્થાનિક સંસ્થાઓ એટલે કે નગરનિગમ (મ્યુનિસિપલ કૉર્પોરેશન), નગરપાલિકા, નગર પંચાયત અને ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ પણ થઈ જવી જોઈએ. તમામ ચૂંટણીઓ એક જ દિવસે અથવા અમુક દિવસોની નિશ્ચિત સમયમર્યાદામાં થઈ જાય એ સિસ્ટમને કહેવાય ‘એક દેશ, એક ચૂંટણી’ એટલે કે ‘વન નેશન-વન ઈલેક્શન’.
PM મોદીએ ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ની હિમાયત કરી હતી
દેશમાં છાશવારે ક્યાંક ને ક્યાંક ચૂંટણીઓ થતી જ રહે છે. વારંવારની ચૂંટણીઓ વિકાસને અવરોધે છે. તેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી સાથે જ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ કરાવવાનો આગ્રહ કરી રહ્યા છે. વડાપ્રધાને આ વર્ષે 15મી ઑગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન લાલ કિલ્લા પરથી આપેલ ભાષણમાં પણ ‘વન નેશન-વન ઈલેક્શન’ની હિમાયત કરી હતી. તેમણે દેશના તમામ રાજકીય પક્ષોને દેશની પ્રગતિ માટે આ દિશામાં આગળ વધવાનો અનુરોધ કર્યો હતો.
‘એક દેશ, એક ચૂંટણી’ના ફાયદા
1. ખર્ચમાં ઘટાડો : ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’નો સૌથી મોટો ફાયદો એ છે કે એનાથી ચૂંટણી ખર્ચમાં ઘટાડો થશે. અલગ-અલગ ચૂંટણીઓ કરાવવા માટે દર વખતે મોટી રકમ ખર્ચવામાં આવે છે. એક સમયે આખા દેશમાં ચૂંટણીઓ પતી જાય તો ખર્ચ પણ એક જ સમયે કરવાનો થાય.
2. તંત્રનો બોજ ઘટશે : વારંવારની ચૂંટણી પ્રશાસન અને સુરક્ષા દળો પર બોજ નાખે છે, કારણ કે તેમને દરેક વખતે ચૂંટણી ફરજ બજાવવાની હોય છે. ચૂંટણી કર્મચારીઓના રહેવા-ખાવાની, એમના આવાગમનની ઝંઝટ પણ એક વારમાં જ પતી જશે.
3. વિકાસના કામો પર ધ્યાન અપાશે : એકીસાથે ચૂંટણી પૂરી થઈ જાય તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. પક્ષો વારંવાર ચૂંટણી મોડમાં નહીં જાય અને વિકાસના કામો પર ધ્યાન આપી શકશે.
4. મતદારોની સંખ્યા વધ: એક જ દિવસે ચૂંટણી યોજવાથી મતદારોની સંખ્યામાં પણ વધારો થશે, કારણ કે તેમને એવું નહીં લાગે કે ચૂંટણી તો વારેવારે આવતી જ રહે છે, આ નહીં તો આગામી ચૂંટણીમાં મત આપીશું. પાંચ વર્ષે એક જ વખત મત આપવાની તક મળતાં મતદારો એને એળે નહીં જવા દે અને તેમના પ્રતિનિધિઓને ચૂંટવામાં રસ દાખવશે.
‘એક દેશ, એક ચૂંટણી’ સામેના પડકાર
1. બંધારણીય ફેરફાર જરૂરી: ‘વન નેશન-વન ઈલેક્શન સિસ્ટમ’ લાગુ કરવામાં સૌથી મોટો પડકાર બંધારણ અને કાયદામાં ફેરફારનો છે. બંધારણમાં સુધારો કર્યા પછી તેને રાજ્યની એસેમ્બલીઓમાં ‘પાસ’ કરાવવો પડશે.
2. સરકાર ભંગ થઈ તો શું?: જો કોઈપણ કારણોસર લોકસભા કે પછી કોઈ રાજ્યની વિધાનસભા ભંગ કરી દેવામાં આવે તો પછી ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ વ્યવસ્થા કેવી રીતે જાળવવી? એક રાજ્યની સરકાર બરતરફ થાય એટલે તમામ રાજ્યોની સરકારો રદ કરીને ફરી આખા દેશમાં ચૂંટણીઓ તો ન યોજી શકાય ને?
3. સંસાધનોની કમી: આપણા દેશમાં EVM અને VVPAT દ્વારા ચૂંટણી યોજવામાં આવે છે, જેની સંખ્યા મર્યાદિત છે. હાલમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ અલગ-અલગ યોજાતી હોવાથી જે સંસાધનો છે એટલામાં પહોંચી વળાય છે, પણ જો આખા દેશમાં એકીસાથે તમામ પ્રકારની ચૂંટણીઓ યોજાય તો ચૂંટણી માટે જરૂરી સંસાધનો ક્યાંથી લાવવા? વહીવટી અધિકારીઓ અને સુરક્ષા કર્મીઓની કમી પણ સર્જાય, એનું શું કરવું?