હાર્દિક પટેલે કહ્યું, કરસનભાઈને ના ખબર હોય કેમ કે એ કરોડપતિ છે

By: nationgujarat
06 Jan, 2025

ગુજરાતના પાટીદાર અનામત આંદોલનથી સમાજને કશું મળ્યું નથી. પાટીદાર અનામત આંદોલન પર આ વિસ્ફોટક નિવેદન આપ્યું છે ઉદ્યોગપતિ કરસનભાઈ પટેલે. જી હા, અનામત આંદોલનનાં 10 વર્ષ બાદ પહેલીવાર ઉદ્યોગપતિ કરસન પટેલે અનામત આંદોલનકારીઓ સામે આડકતરી રીતે સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, પાટીદાર અનામત આંદોલન કરનારાઓએ રાજકીય રોટલા શેક્યા છે. પાટીદાર અનામત આંદોલનથી કશું મળ્યું નથી. એટલું જ નહીં, પાટીદાર અનામત આંદોલનથી લેઉઆ પાટીદારની દીકરીને CM પદ છોડવું પડ્યું હોવાનું કહીને ઉદ્યોગપતિ કરસનભાઈ પટેલે સીધી રીતે આંદોલનકારીઓ પર ઠીકરું ફોડ્યું છે. આ સાથે જ તેમણે બેધડક રીતે કહ્યું કે, અનામત આંદોલનમાં પાટીદાર યુવાનો શહીદ થયા અને ઉપરથી લેઉવા પાટીદારની દીકરીનું CM પદ ગયું. તેમણે આંદોલનકારીઓની નિયત સામે સવાલ ઉઠાવતાં કહ્યું કે, પાટીદાર  આંદોલન અનામતનું હતું કે કોઈના કારનામાનું હતું? આજે પાટણમાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ હતો તેમાં પદ્મશ્રી કરસનભાઈ પટેલે આ વિસ્ફોટક નિવેદન આપ્યું છે.

કરસન પટેલના નિવેદન પર હાર્દિક પટેલની પ્રતિક્રીયા
આ વિવાદ અંગે વિરમગામના ધારાસભ્ય અને આંદોલનનો યુવા ચહેરો હાર્દિક પટેલે કહ્યું કે, પાટીદાર અનામત આંદોલનથી સમાજને શું મળ્યું એ કરસનભાઈને ના ખબર હોય કેમ કે એ કરોડપતિ છે અને આ આંદોલન ગરીબ પાટીદાર પરિવારો માટે હતું. આંદોલનના કારણે માત્ર પાટીદાર સમાજ જ નહીં, પરંતુ દરબાર, બ્રાહ્મણ, લુહાણા અને જેમને અનામતનો લાભ નહતો મળતો. એવી 50 થી વધુ જ્ઞાતિને 1000 કરોડની યુવા સ્વાવલંબન યોજના મળી. બિન અનામત આયોગ અને નિગમ મળ્યું તેમજ આર્થિક નબળા પાટીદારોને 10 % અનામત મળી. છેલ્લા ૩/૪ વર્ષમાં હજારો યુવાનો આ યોજનાના કારણે મફતમાં ભણી રહ્યા છે અને નોકરીએ લાગી રહ્યા છે. કરસનભાઈ જેવા અનેક એવા આગેવાનો છે જે પાટીદાર સમાજને કડવા-લેઉવામાં વેચી રહ્યા છે. આવા આગેવાનોને ઓળખવાની જરૂરી છે કેમ કે આ આગેવાનો સમાજની એકજૂટતા નથી જોઈ શકતા, સમાજ એક થાય તો આવા આગેવાનોનો મોભો દબાઈ જાય છે

કેશુભાઈ પટેલને મુખ્યમંત્રી પદેથી હટાવ્યા ત્યારે કેમ કરસન પટેલ ન બોલ્યા – લલિત કગથરા
પાટીદાર અનામત આંદોલનને લઈને કરસન પટેલના નિવેદનનો મામલો છેક સૌરાષ્ટ્ર સુધી પહોંચ્યો છે. પૂર્વ ધારાસભ્ય અને પાટીદાર આગેવાન લલિત કગથરાએ જણાવ્યું કે, ઉદ્યોગપતિ કરસનદાસને 10 વર્ષે હિસાબ યાદ આવ્યો. કરસન પટેલને યાદ આવ્યું કે પાટીદાર આંદોલનથી કાંઈ મળ્યું નથી. કેશુભાઈ પટેલને મુખ્યમંત્રી પદેથી હટાવ્યા ત્યારે કેમ કરસન પટેલ ન બોલ્યા અને હવે આનંદીબેનનું યાદ આવ્યું. કરસનભાઇએ કહ્યું, આંદોલનથી પાટીદાર દીકરીએ CMનું પદ ગુમાવ્યું. પરંતું પાટીદાર આંદોલનથી સમાજને જાગૃત થયો. હા હું પોતે જ પાટીદારોના મતથી કોંગ્રેસમાં ધારાસભ્ય બન્યો હતો. આંદોલનથી સમાજ ભાજપમાંથી કોંગ્રેસ તરફ વળ્યો હતો અને એટલે જ અમે ધારાસભ્ય બન્યા.

10 વર્ષે હવે આંદોલન યાદ આવ્યું – અલ્પેશ કથીરિયા 
કરસન પટેલના નિવેદનને લઈ અલ્પેશ કથીરિયાનું નિવેદન પણ સામે આવ્યું. તેમણે કહ્યું કે,10 વર્ષ બાદ હવે આંદોલન યાદ આવ્યું. કરસનભાઈના નિવેદનથી દુઃખ થયું. 14 જેટલા શહીદોના પરિવારજનોને કરસનભાઈ ક્યારેય મળ્યા છે કે તેમને મદદ કરી છે ખરી? પાટીદાર આંદોલનને કારણે 150 જાતિના લોકોને લાભ મળ્યો છે. 1500 થી 2 હજાર કરોડની લોન મળી છે. નોકરીઓ પણ ઇડબ્લ્યુએસના કારણે મળી. આનંદીબેનને દૂર કરવા એ પાર્ટીનો નિર્ણય છે. અમરેલીની પાટીદાર દીકરી માટે કેમ કોઈ આગળ નથી આવતું. કેમ દીકરીની વાત નથી પહોંચાડવામાં નથી આવતી.

પાટીદાર દીકરીને સીએમ પદેથી હટાવ્યા એ ભાજપનો આંતરિક જૂથવાદ છે – દિનેશ બાંભણિયા
ઉદ્યોગપતિ કરસન પટેલના નિવેદન પર દિનેશ બાંભણીયાએ પ્રહાર કરતા જણાવ્યું કે, પાટીદાર અમાનત આંદોલનથી સમાજને ઘણું મળ્યું છે. પાટીદાર દીકરીને સીએમ પદેથી હટાવ્યા એ ભાજપનો આંતરિક જૂથવાદ છે. પાટીદાર અનામત આંદોલનથી કોઈ રાજકીય રોટલા શેકવામાં આવ્યા નથી. પાટીદાર અનામત આંદોલનથી EBC મળ્યું, મેડિકલ કોલેજો અને એન્જિનિયરીંગ કોલેજોમાં 10 ટકાનો એડમિશનમાં લાભ મળ્યો. 10 વર્ષ બાદ કરસન પટેલને આ જ્ઞાન ક્યાંથી આવ્યું તે શંકાસ્પદ મુદ્દો છે. આનંદીબેન પટેલે GMDC ગ્રાઉન્ડમાં આંદોલન સમયે જ માંગ સ્વીકારી લીધી હોત તો મુદ્દો જ પૂરો થઈ જાત. કરશન પટેલ રાજકીય હાથો બનતા હોય તેવું લાગી રહ્યુ છે.
આંદોલનથી સમાજે ઘણુ ગુમાવ્યું અને મેળવ્યું પણ – જેરામ પટેલ
રાજકોટના સીદસર ઉમિયાધામના પ્રમુખ જેરામ પટેલનું નિવેદનમાં જણાવ્યું કે, આંદોલનના 10 વર્ષે આ મુદ્દે ટીપ્પણી કરવી યોગ્ય ન કહેવાય. પાટીદાર આંદોલનથી આનંદીબેન પટેલે પદ ગુમાવ્યું પણ તે હવે કોઈ ચર્ચાનો વિષય નથી. આંદોલનથી સમાજે ઘણુ ગુમાવ્યું અને મેળવ્યું પણ છે. પાટીદાર સમાજના આંદોલનથી આયોગ મળ્યું, તો 14 દીકરા પણ ગુમાવ્યા છે.

Related Posts

Load more