MDH અને Everest મસાલા પર નેપાળે લગાવી દીધો પ્રતિબંધ,

By: nationgujarat
17 May, 2024

MDH and Everest: નેપાળે એમડીએચ અને એવરેસ્ટ એમ બે ભારતીય બ્રાન્ડના મસાલાની આયાત, ઉપયોગ અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. નેપાળના ખાદ્ય પ્રૌદ્યોગિકી અને ગુણવત્તા નિયંત્રણ વિભાગે આ મસાલામાં જંતુનાશકો અને ઇથિલિન ઓક્સાઈડ હોવાની સંભાવનાના અહેવાલો વચ્ચે આ નિર્ણય લીધો છે. નેપાળે આ મસાલાઓમાં ઇથિલિન ઓક્સાઇડનું પરીક્ષણ પણ શરૂ કર્યું છે.

ઇથિલિન ઓક્સાઇડથી કેન્સર થવાનું જોખમ રહેલું છે. નેપાળના ખાદ્ય પ્રૌદ્યોગિકી અને ગુણવત્તા નિયંત્રણ વિભાગના પ્રવક્તા મોહન કૃષ્ણ મહારાજને જણાવ્યું હતું કે નેપાળમાં MDH અને એવરેસ્ટ મસાલાની આયાત પર એક અઠવાડિયા પહેલા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અમે તેના વેચાણ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આ બે બ્રાન્ડના મસાલામાં ઇથિલિન ઓક્સાઈડ માટે પરીક્ષણ ચાલી રહ્યું છે. અંતિમ અહેવાલ આવે ત્યાં સુધી પ્રતિબંધ ચાલુ રહેશે.

અગાઉ, હોંગકોંગના ફૂડ રેગ્યુલેટર સેન્ટર ફોર ફૂડ સેફ્ટી (CFS) એ કહ્યું હતું કે આ મસાલામાં જંતુનાશકો, ઇથિલિન ઓક્સાઇડ હોય છે, જે કેન્સરનું જોખમ ઉભું કરે છે. એમડીએચ અને એવરેસ્ટના ચાર મસાલા ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સિંગાપોરની ફૂડ એજન્સીએ MDH, એવરેસ્ટ મસાલાને પરત બોલાવવાનો આદેશ આપ્યો છે.

બ્રિટનની ફૂડ સ્ટાન્ડર્ડ એજન્સી (FSA) એ ગુરુવારે સ્પષ્ટતા કરી હતી કે તેણે આ વર્ષની શરૂઆતથી ભારતીય મસાલામાં ઇથિલિન ઓક્સાઇડ માટે વધારાના નિયંત્રણ પગલાં લીધાં છે. FSA એ જણાવ્યું હતું કે ઇથિલિન ઓક્સાઇડના મહત્તમ સ્તરો માટે પ્રારંભિક ચેતવણી સિસ્ટમ (EWS) છે. બ્રિટનમાં ઇથિલિન ઓક્સાઇડ પર પ્રતિબંધ છે.

24 દિવસ પહેલા ભારતે સિંગાપોર અને હોંગકોંગના ખાદ્ય નિયમનકારો પાસેથી MDH અને એવરેસ્ટ મસાલા પર પ્રતિબંધ અંગે વિગતો માંગી હતી. વાણિજ્ય મંત્રાલયે સિંગાપોર અને હોંગકોંગ બંનેમાં ભારતીય દૂતાવાસોને પણ આ બાબતે વિગતવાર અહેવાલ મોકલવા નિર્દેશ આપ્યો હતો. મંત્રાલયે એમડીએચ અને એવરેસ્ટ પાસેથી વિગતો પણ માંગી હતી.

6 મેના રોજ, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ તમામ મીડિયા અહેવાલોને રદિયો આપ્યો હતો જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ભારતીય ખાદ્ય નિયંત્રક જડીબુટ્ટીઓ અને મસાલાઓમાં નિર્ધારિત ધોરણ કરતાં 10 ગણા વધુ જંતુનાશકો ઉમેરવાની મંજૂરી આપી રહ્યા છે.

FSSAIએ એક પ્રેસ રિલીઝમાં કહ્યું હતું કે ‘આવા તમામ સમાચાર ખોટા અને પાયાવિહોણા છે. ભારતમાં મહત્તમ અવશેષ સ્તર (MRL) એ વિશ્વના સૌથી કડક ધોરણોમાંનું એક છે. જંતુનાશકોના એમઆરએલ તેમના જોખમ મૂલ્યાંકનના આધારે વિવિધ ખાદ્ય સામગ્રી માટે અલગ રીતે નક્કી કરવામાં આવે છે.


Related Posts

Load more