શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબીમાં પૂજનીય સંતોના સાનિધ્યમાં ગુરુપૂર્ણિામાની દબદબાભેર ઉજવણી કરાઈ ..

By: nationgujarat
21 Jul, 2024

આપણી સંસ્કૃતિમાં ગુરુનું મહત્વ અદ્વિતિય છે. શિષ્યને સજાગ કરી સંશયોને દૂર કરી ઘડતરનું કામ કરે તે ગુરુ. ગુરુ એટલે જરૂરી નથી કે, શિક્ષણ આપે તે જ ગુરુ. વાસ્તવમાં કોઇ પણ કળા, કારીગરી, સંગીત, ખેલ, જેવા દરેક ક્ષેત્રમાં પારંગત થતો વ્યક્તિ કોઇ એક વ્યક્તિના માર્ગદર્શન હેઠળ શીખે તે ગુરુ. પ્રાચીનકાળથી ગુરુ શિષ્ય પરંપરા ચાલી રહી છે. આધ્યાત્મિક કે શિક્ષણ દરેક ક્ષેત્રમાં ગુરુનું ઘણું મહત્વ છે. જીવનવિકાસનું માધ્યમ ગુરુ જ છે. જેમ અંધકારનો વિનાશ કરવાનું સામર્થ્ય સૂર્યમાં છે, જીવનનો વિકાશ કરવાનું સામર્થ્ય શૌર્યમાં છે, પણ તેમાં વિશ્વાસ ભરવાનું સામર્થ્ય માત્ર ગુરુમાં છે.

ગુરુદેવ મુમુક્ષુને જ્ઞાનપ્રકાશ આપી અંધકારને મુક્ત કરે છે. કારણ કે સૂર્યનું શૌર્ય પણ ગુરુના આશિષમાં જ છે. ગુરુનું આગમન એ જીવનનું પુનરાગમન છે. સર્વકાળે અને હરક્ષણે મુમુક્ષુના ગુરુ જ સાચા માર્ગદર્શક છે. અજ્ઞાનના અંધકારનો અને આસક્તિનો વિનાશ કરનારા, ગુણોના ગૌરવનો વિકાસ કરનારા, અંતરના ઐશ્વર્યમાં અને મનની મહાનતામાં વિશ્વાસ ભરનારા ગુરુ જ છે.

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર નાઈરોબીમાં સ્વામિનારાયણબાપા સ્વામીબાપા, વેદરત્ન આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનાં દિવ્ય સાનિધ્યમાં તથા પ્રવર્તમાન જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી.

વિશ્વભરમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનાં મંદિરોમાં વૈદિક મંત્રોના પાઠ સહ ગુરુ પૂજન, ગુરુ સ્તુતિ, ગુરુ મહાત્મ્ય, ગુરુના ગુરુત્વનું ગૌરવ સદૈવ ગગનગોખે ગુંજતું રહે તે સાધનામાં લાગી રહેવાની હાકલ કરવામાં આવી હતી.

ભારતીય સંસ્કૃતિમાં અને તેમાં પણ ખાસ કરીને હિંદુ ધર્મના લોકોમાં ગુરૂનો મહિમા ખૂબ જ મહત્વ ધરાવે છે. આપણી ભારતીય સંસ્કૃતિ આટલી જે ઉચ્ચ સ્થાને છે એ સ્થાનને જાળવી રાખવામાં ગુરુજનોનો ફાળો ખૂબ જ મહત્વનો રહ્યો છે અને રહેશે. ગુરુ તો જ્ઞાન – વિવેકથી છલોછલ ભરેલો ચરુ. એ ચરુમાંથી જેટલો ખજાનો તમે અર્જિત કરવા સમર્થ બનો એટલો કરી લેવો જોઈએ. કારણ ગુરુનો આવો મહિમાનો લાભ જે તે સમયે ન લેનારને ઘણી વાર પસ્તાવાનો વારો આવે છે, પણ ત્યારે ઘણું મોડું થઈ જાય છે.

ગુરુપૂર્ણિમાને વ્યાસપૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આપણા સનાતન ધર્મના આદિઆચાર્ય વ્યાસમુનિ. જેમણે વેદોના સારાંશ રૂપે મહાભારત રચ્યું. એવા વેદ-પુરાણોના રચયિતા જ્ઞાનના અતુલ ભંડાર એવા ઋષિમુની શ્રી વેદ વ્યાસજીના નામ ઉપરથી પૂર્ણિમાનું નામ પડ્યું તે વ્યાસ પૂર્ણિમા.

સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વામિનારાયણ સંપ્રદાયમાં પૂરાણ પ્રસિદ્ધ પ્રાચીનતમ સંસ્કૃતિનું સંરક્ષણ અને સંવર્ધન થતું રહે તે માટે ઉદાર દિલે ઉમદા પરંપરા પ્રસ્થાપિત કરી. ગુરુનું ગૌરવ ગુણશાળી, સત્વ ગુણોથી ગૂંથાયેલું રહે તે માટે શિક્ષાપત્રીમાં પ્રબંધો બાંધ્યા. આ પુણ્યશાળી પરંપરામાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર, આર્ષદ્રષ્ટા ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાને શ્રી સ્વામિનારાયણ ગાદીના પરિવારમાં ગુરુનું પૂજન વેદોક્ત વિધિ અનુસાર તથા ગુરુ મહાત્મ્યનું ગુણગાન કર્યું હતું.

આ પ્રસંગે પૂજનીય સંત શિરોમણી શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીજીએ જણાવ્યું હતું કે, આ પૃથ્વી પરના દરેક માનવને પોતાના જીવનમાં પરિવર્તન લાવવાની ઈચ્છા રહેતી હોય છે પણ એ પરિવર્તનની યોગ્ય દિશા બતાવનાર અને ઉન્નતિયુક્ત પરિણામ લાવનાર તો માત્ર સાચા ગુરુ જ હોય છે. તેઓ સંસારરૂપી સાગરમાં હાલક ડોલક થતી શિષ્યની જીવન નૈયાને સ્થિર કરી ભગવાન સુધી પહોંચાડે છે. અને ભગવાનનો સાક્ષાત સંબંધ કરાવે છે. માટે આવા સમયમાં ગુરુની પાસે આધ્યાત્મિક શિક્ષણ અને સેવાનું શિક્ષણ મેળવ્યું હશે તો જ જીવનમાં અખંડ શાંતિ વર્તશે અને તો જ આપણે સાચા અર્થમાં ગુરુપૂર્ણિમા ઉજવી કહેવાય.

આ પાવનકારી અવસરે પૂજનીય સંતોમાં સંત શિરોમણી શ્રી સહજાનંદ સ્વામી, શ્રી હરિકેશવદાસજી સ્વામી તથા શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી તથા દેશો દેશના હરિભક્તો તથા ભાવિકોની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણબાપા સ્વામીબાપાનું પૂજન, અર્ચન તથા આરતી ઉતારવામાં આવી હતી. ગુરુદેવ જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ ૧૯૭૪ માં એચ. એચ. સ્વામીબાપા સ્પોર્ટ્સ ક્લબની સ્થાપના કરી હતી. તેને ચાલું સાલે ૫૦ વર્ષ પૂર્ણ થાય છે ત્યારે સુવર્ણ મહોત્સવ ઉજવાશે તેનો લોગો અનાવરણ કરવામાં આવ્યો હતો. આ અવસરનો લ્હાવો હરિભક્તોએ દબદબાભેર લીધો હતો.


Related Posts