મણિનગર ગાદી સંસ્થા – વિરમગામમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજનો નવમો પ્રતિષ્ઠોત્સવ ઉજવાયો

By: nationgujarat
25 Feb, 2024

સૌરાષ્ટ્રના પ્રવેશદ્વારથી જેની ઓળખ છે એવા અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં
શ્રી સ્વામિનારાયણ મંદિર અનેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. વિરમગામમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી ઘનશ્યામ મહારાજના નવમા વાર્ષિક પાટોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ શુભ અવસરે મહાપૂજા, નવમા પ્રતિષ્ઠોત્સવ નિમિત્તે સ્વામિનારાયણબાપા સ્વામીબાપાનું ષોડશોપચારથી પૂજન, અર્ચન, આરતી તથા અન્નકૂટ દર્શન, જીવનપ્રાણ શ્રી અબજી બાપાશ્રીની વાતોની સમૂહ પારાયણો, આશીર્વાદ, બાળકોને પ્રોત્સાહન ઇનામ વિતરણ જેવા વિવિધ આધ્યાત્મિક કાર્યક્રમો યોજાયા હતા.

શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે નવમા પ્રતિષ્ઠોત્સવ પ્રસંગે આશીર્વાદ આપતાં જણાવ્યું હતું કે, મનુષ્યે પોતાના જીવનમાં કરવા જેવું કામ ભગવાનનું ભજન, સ્મરણ છે. ભગવાનનું ભજન થઈ શકે તે માટે મંદિરોનાં સર્જન છે તથા સત્સંગ કરી શકીએ તે માટે આવાં મંદિરોના સર્જન છે. સત્સંગ પૂર્વે જીવ અમાસના ચંદ્ર જેવો હોય છે બિલકુલ અંધકારમય. પરંતુ, સત્સંગના યોગ બાદ જીવ પૂર્ણિમાના ચંદ્રની જેમ સોળે કળાએ સંપૂર્ણ ખીલી ઊઠે છે. એટલે કે સત્સંગના યોગથી જીવાત્મા બળિયો, વૃદ્ધિને પામે છે. સત્સંગથી મનુષ્યનું જીવન ઉજળું બંને છે અને તે સંસ્કારીત પણ બંને છે. સત્સંગ એ મનુષ્યનો અલંકાર છે. વળી, આવતીસાલે “શ્રી ઘનશ્યામ મહારાજનો દશાબ્દી મહોત્સવ” પણ આવી રહ્યો છે તો તે પ્રસંગ નિમિત્તે દરેક સત્સંગીએ શ્રી રહસ્યાર્થ પ્રદીપિકાટીકા સહ વચનામૃતની પારાયણ કરવા વિશે હાકલ પણ કરી હતી. કારણ કે મનુષ્ય જીવનને સાર્થક કરવા ભગવાનનું ભજન સવિશેષ કરવું , કરવું અને કરવું જ. જેથી ભગવાનનો બેઠો રાજીપો પ્રાપ્ત કરી શકીએ. આ પ્રસંગનો દિવ્ય લાભ દેશ-વિદેશના હરિભક્તોએ પરમ ઉલ્લાસભેર લીધો હતો.


Related Posts

Load more