ભારતવર્ષની મોટી દેણગી છે વિરક્ત સંત પરંપરાની…આ સંત પરંપરા જનસમાજ પાસેથી લે છે તે કરતાં અનંતગણું આપે છે. માનવજીવનના ઘડવૈયા છે સંતો. स्व-पर-कार्याणि साध्नोति इति साधुः I ગરવા ગુજરાત ઉપર ગૌરવનો કનક કળશ ચઢાવનાર સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન અને પ્રાત:સ્મરણીય જીવનપ્રાણ અબજીબાપાશ્રીના સર્વોપરી સિદ્ધાંતોનો વિશ્વભરમાં પ્રચાર અને પ્રસાર કરનાર સનાતનધર્મસમ્રાટ શ્રી મુક્તજીવન સ્વામીબાપા દુનિયાના સમગ્ર સંતસમાજમાં મૂઠી ઊંચેરા મહાન સંત – વિભૂતિ હતા. તેઓશ્રી તેમની પેઢીના જ નહિ બલકે આ યુગ માટેના યુગદ્રષ્ટા હતા. એટલે તો સૌ કોઈને વિશ્વધર્મચૂડામણિ સ્વામીબાપાની દિવ્ય અલૌકિક મૂર્તિનું અપાર આકર્ષણ હતું.
वदनम् प्रसादसदनम् सदयम् ह्रदयं सुधामुखो वाच: l
करणं परोपकरणं येषां केषां न ते वन्द्या: ll
સત્શાસ્ત્રો કહે છે, आकृति: गुणान् कथयति ! સ્વામીબાપાનાં દર્શનમાં અનેક સદ્ગુણોનાં દર્શન થાય છે.
ચીલે ચીલે ગાડી ચલે, ચલે ચીલે કપૂત;
પણ એ ચીલે નવ ચલે, ઘોડા- સિંહ- સપૂત…
સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌપ્રથમ વિદેશની ધરા પર કેડી કંડારનાર વિશ્વધર્મચૂડામણિ શ્રી મુક્તજીવન સ્વામીબાપા હતા. સ્વામીબાપાનું આ ભગીરથ કાર્ય સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો માટે પથદર્શક-પ્રેરણાદાયક કદમ હતું. વળી, આ સમય અનેકાનેક કંટકોથી ભર્યો હતો.પણ,
તટ હાટ હીરા નહિ, કાંચન ક ન પહાર;
સિંહન કા ટોળા નહિ, સંત વિરલ સંસાર…
અર્થાત્ જે વસ્તુ ઉત્તમ હોય છે તે જ જગતમાં વિરલ જોવા મળે છે. યુગદ્રષ્ટા, ક્રાન્તદ્રષ્ટા, યુગપુરુષ સ્વામીબાપા અનંત મુમુક્ષુઓના કલ્યાણદાતા – મોક્ષદાતા હતા. સ્વામિનારાયણ સંપ્રદાય જ નહિ બલ્કે હિંદુ ધર્મના હૃદયસમ્રાટ હતા.
એવા ગુરુરાજ શ્રી મુક્તજીવન સ્વામીબાપા આલોકમાં મનુષ્યરૂપે ૭૧ વર્ષ ૧૧ માસ અને ૬ દિવસ આ પુણ્યવંતી ધરા પર દર્શનદાન દઈ શ્રી સ્વામિનારાયણ ભગવાન અને જીવનપ્રાણ અબજીબાપાશ્રીના સર્વોપરી સિદ્ધાંતોને જગત સમક્ષ પ્રસરાવ્યા. સ્વામિનારાયણ સંપ્રદાયની પુષ્ટિ તથા સમાજોન્નતિ માટે રાત દિવસ, ઊંઘ, ઊજાગરો, તરસ, થાક વગેરેની પરવા કર્યા વગર અવિરત પરિવ્રાજક સમ વિચરણ કર્યું.
દેશવિદેશમાં વિચરી હિંદુ સંસ્કૃતિનો બહોળો ફેલાવો કર્યો છે. જીવો પર અગણિત ઉપકારો ગુરુદેવના હરહમેશ રહેશે. સ્વામીબાપાએ તા.૩૦-૮-૧૯૭૯ ને ગુરુવારની વહેલી પરોઢના ૨:૫૦ મિનિટે બોલ્ટન – ઇંગ્લેન્ડ ખાતે અંતર્ધાન લીલા કરી હતી. જેને ચાલુ સાલે ૪૫ વર્ષોનાં વ્હાણા વહી ગયાં છે.
આજે પણ ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાનાં દિવ્ય સંસ્મરણો સુણતાં જ સંતો-ભક્તોનાં નયણાં અશ્રુભીનાં થઇ રડવા લાગે છે. તારીખ ૧-૯-૧૯૭૯ ને શનિવારે શ્રી મુક્તજીવન સ્વામીબાપાને મણિનગર – અમદાવાદ પાસે ઘોડાસરમાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યો અને ત્યાં હાલમાં ગુરુ શિષ્યના પ્રેમનું નૌતમ નજરાણું વિશ્વશાંતિ કેન્દ્ર શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર અનેક આસ્થાળુઓ અને શ્રદ્ધાળુઓની આશા, મનોવાંછિત કામનાઓ પરિપૂર્ણ કરે છે. અદ્યાપિપર્યંત અખંડ જ્યોત દીપી રહી છે.
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંસ્થાપક, શૂન્યમાંથી વિરાટ સંસ્થાનના સર્જનહાર, વિદેશની ધરા પર સૌપ્રથમ પધારનારા સંત, અનેકાનેક પદવીઓથી વિભૂષિત ગુરુદેવ જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની ૪૫ મી પુણ્યતિથિ ઊજવવામાં આવી હતી.
શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર, સનાતન ધર્મસમ્રાટ, ધર્મધુરંધર ૧૦૦૮ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની ૪૫ મી પુણ્યતિથિ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર ખાતે પ્રાર્થના, ધૂન્ય, આરતી તથા જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રપ્રિયદાસજી સ્વામીજી મહારાજે તથા મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી, સદ્ગુરુ શ્રી સર્વેશ્વરદાસજી સ્વામી, તથા સદ્ગુરુ શ્રી મુનિભૂષણદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતો અને હરિભકતોએ પાદપ્રક્ષાલન પૂજન અર્ચન કરી, આરતી ઉતારી હતી. અને વિશ્વશાંતિ કેન્દ્ર શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર, ઘોડાસરમાં પૂજન અર્ચન કરીને આરતી, દર્શન વગેરે કરવામાં આવ્યા હતા.