Maharashtra Assembly Election Results 2024 : મહારાષ્ટ્રમાં ભાજપ લહેર, મહાયુતિએ બહુમતીનો આંકડો પાર કર્યો

By: nationgujarat
23 Nov, 2024

Maharashtra Assembly Election Results 2024: મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે આયોજિત વિધાનસભા ચૂંટણીમાં 288 બેઠકો પર 65%થી વધુ મતદાન થયું હતું. મહારાષ્ટ્રના ચૂંટણી વલણો પ્રમાણે ભાજપની આગેવાની ધરાવતી મહાયુતિને 210 બહુમતી મળી ગઈ છે. ભાજપ અને સાથી પક્ષો 200 બેઠકની જીતનો આંકડો પાર કરી લીધો છે. મહારાષ્ટ્રમાં સત્તાધારી ગઠબંધન મહાયુતિમાં સામેલ ભાજપે 149 બેઠકો પર, એકનાથ શિંદેની શિવસેનાએ 81 બેઠક પર અને અજિત પવારના નેતૃત્વ ધરાવતી એનસીપી 59 બેઠકો પર ચૂંટણી લડી હતી. બીજી તરફ એમવીએમાં સામેલ કોંગ્રેસે 101 બેઠકો પર, શિવસેના (યુબીટી)એ 95 અને એનસીપી (શરદ પવાર)એ 86 બેઠકો પર ચૂંટણી લડી હતી.

મહાયુતિની 201 બેઠક પર લીડ 

મહારાષ્ટ્રમાં બે મોટા ગઠબંધન વચ્ચે રસાકસીનો માહોલ સર્જાયો છે. એકતરફ મહાયુતિએ 195થી વધુ  બેઠકો પર લીડ મેળવી છે, તો બીજી તરફ શરૂઆતના વલણમાં મહા વિકાસ અઘાડી મહાયુતિને આકરી ટક્કર આપી રહી હતી. એમવીએ હાલ 60 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.

મહાયુતિ અને મહા વિકાસ અઘાડી વચ્ચે ટક્કર

વિધાનસભા ચૂંટણીના કાઉન્ટિંગ શરૂ થતાં જ મહાયુતિ અને મહા વિકાસ અઘાડી વચ્ચે આકરી ટક્કર જોવા મળી છે. શરૂઆતી વલણોમાં જ મહાયુતિ 126 બેઠકો પર તો મહા વિકાસ અઘાડી 124 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. બારામતીમાંથી અજિત પવાર તો નાગપુર દક્ષિણ-પશ્ચિમ બેઠક પરથી દેવેન્દ્ર ફડણવીસ લીડ કરી રહ્યા છે.

અમિત ઠાકરે અને આદિત્ય ઠાકરે આગળ

 

વર્લી બેઠક પરથી શિવસેના (યુબીટી)ના આદિત્ય ઠાકરે આગળ છે. જ્યારે માહિમમાંથી અમિત ઠાકરે આગળ ચાલી રહ્યા છે. નવનીત રાણાના પતિ રવિ રાણા પોસ્ટલ બેલેટમાં આગળ છે. દહિસરમાંથી ભાજપના મનીષા ચૌધરી, કાંદિવલી પૂર્વમાંથી ભાજપના અતુલ ભાતખલકર બહુમતી સાથે લીડ કરી રહ્યા છે. ધારાવીમાંથી કોંગ્રેસના જ્યોતિ ગાયકવાડ લીડ પર છે.  

શરૂઆતી વલણમાં NDA આગળ 

 

મહારાષ્ટ્રમાં NDA ગઠબંધન કુલ 23 બેઠકો 23 બેઠકો પર આગળ છે જ્યારે મહાવિકાસ આઘાડી 6 બેઠકો પર આગળ છે.

MVAના તમામ ઉમેદવારોને કડક આદેશ
MVAએ પોતાના તમામ ઉમેદવારોને કડક આદેશ આપ્યા છે. વિજયી થયેલા ઉમેદવારે તાત્કાલિક મુંબઈ આવવાનું રહેશે.

મત ગણતરી કેન્દ્ર પર પહોંચ્યા ચૂંટણી પંચના અધિકારીઓ

ઝારખંડની 81 વિધાનસભા બેઠકો પર મતગણતરી માટે વહેલી સવારે ચૂંટણી પંચના અધિકારીઓ મત ગણતરી કેન્દ્ર પર પહોંચી ગયા હતા. સુરક્ષાકર્મીઓ દ્વારા પ્રોટોકોલ પ્રમાણે તમામ જરૂરી તપાસ બાદ અધિકારીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

બારામતીમાં અજિત પવારના પોસ્ટર લાગ્યા

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ પહેલા જ NCP કાર્યકર્તાઓએ અજિત પવારને ભાવિ મુખ્યમંત્રી બતાવ્યા છે અને બારામતીમાં મોટા મોટા પોસ્ટર પણ લગાવી દેવામાં આવ્યા છે

સવારે 8 વાગ્યાથી શરૂ થશે મતગણતરી

મહારાષ્ટ્રમાં મહાયુતી અને મહાવિકાસ અઘાડી વચ્ચે જંગ

મહારાષ્ટ્રમાં છેલ્લાં પાંચ વર્ષથી તડજોડ અને તોડફોડના રાજકારણ બાદ હવે સ્થિરતા આવશે કે રાજકીય ઉઠાપટકનો દોર હજુ પણ ચાલુ રહેશે તેના પર સૌની નજર છે. મહારાષ્ટ્રમાં એક તરફ ભાજપ, એકનાથ  શિંદેની શિવસેના તથા અજિત પવારની એનસીપીની મહાયુતિ તો બીજી તરફ કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના તથા શરદ પવારની એનસીપી ની મહાવિકાસ આઘાડી એમ સામસામી છાવણીઓ મંડાઈ છે. આ બંને છાવણીઓ પરિણામ પછી અકબંધ રહે છે કે પછી તેમાં પણ ફરી તોડફોડ અને રાજકીય પુનઃ જોડાણો રચાય છે તે વિશે અટકળો થઈ રહી છે.

કયા પક્ષે કેટલી બેઠક પર લડી હતી ચૂંટણી?

મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાયુતિમાં સામેલ ભાજપે 149 બેઠકો પર ચૂંટણી લડી છે, જ્યારે એકનાથ શિંદેની શિવસેનાએ 81 બેઠક પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા. અજિત પવારના નેતૃત્વવાળી NCPએ 59 બેઠકો પર ચૂંટણી લડી છે. બીજી તરફ મહાવિકાસ અઘાડીમાં સામેલ કોંગ્રેસે 101 પર, શિવસેના (UBT) 95 પર અને NCP (SP)એ 86 બેઠકો પર ચૂંટણી લડી છે. આ સિવાય બસપા અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદ-ઉલ-મુસ્લિમીન (AIMIM) સહિત નાની પાર્ટીઓએ પણ પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા.

મહારાષ્ટ્રમાં ત્રણ દાયકામાં સૌથી વધુ મતદાન થયું

મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે તમામ 288 વિધાનસભા બેઠકો માટે મતદાન થયું હતું. મહારાષ્ટ્રમાં મતદાન ત્રણ દાયકામાં સૌથી વધુ 66.05 ટકા મતદાન રહ્યું છે. ભાજપની આગેવાની હેઠળની શાસક મહાયુતિ અને વિપક્ષી મહાવિકાસ આઘાડી બંને મતદાનની આ વધેલી ટકાવારીને પોતાના માટે સકારાત્મક નિશાની ગણાવે છે. બંને વચ્ચે તીવ્ર સંઘર્ષ હોવા છતાં મોટાભાગના એક્ઝિટ પોલમાં મહાયુતિને નજીવી સરસાઈ મળતી હોવાની આગાહી થઈ છે. આ એક્ઝિટ પોલ સાચા પડે છે કે નહીં તેના પર સૌની નજર છે.

ચૂંટણી પ્રચારમાં અજિત પવારે ભાજપથી અંતર રાખ્યું હતું

આ ચૂંટણીમાં ભાજપ, એકનાથ શિંદેની શિવસેના તથા અજિત પવારની એનસીપીએ લાડકી બહિન યોજના જેવી લ્હાણી પર મહત્તમ મદાર બાંધ્યો છે. જોકે, તેમને મરાઠા અનામત આંદોલનના પડકારનો પણ સામનો કરવો પડી રહ્યો છે. ભાજપે સમગ્ર ચૂંટણી ચર્ચાને એક દિશામા વાળવા માટે ‘બટેંગે તો કટેંગે’ અને ‘એક હૈ તો સેફ હૈ’ના ચૂંટણી નારા આપ્યા હતા. જોકે, મહાયુતિના જ એક સાથી પક્ષ અજિત પવારની એનસીપીએ આ નારાનો વિરોધ કર્યો હતો.

મહારાષ્ટ્રમાં ગઈ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને શિવસેના એક યુતિ બનાવીને લડયાં હતા જ્યારે તેમનો મુકાબલો કોંગ્રેસ તથા એનસીપીની યુતિ સામે થયો હતો. પરંતુ, હવે રાજ્યમાં બે શિવસેના અને બે એનસીપી છે અને બંનની એક એક પાંખ સામસામી છાવણીમાં વહેંચાઈ ચૂકી હોવાથી મુકાબલો રસપ્રદ બન્યો છે.

આ ચૂંટણી પરિણામો સાથે ઈન્ડિયા ગઠબંધનની એકતા પણ દાવ પર લાગી છે. સાથે સાથે રાહુલ ગાંધીના વિપક્ષી નેતા તરીકેના નેતૃત્વની પણ કસોટી છે. આ પરિણામોની અસર શેરબજારથી માંડીને સંસદના આગામી શિયાળુ સત્ર સુધી લંબાય તેવી શક્યતા છે.


Related Posts

Load more