મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે. રાજકીય પક્ષોએ પોત પોતાની તૈયારીઓ તેજ કરી છે. મહાયુતિમાં સીટ શેરિંગનો મામલો ઉકેલાઈ ગયો છે. ત્યારબાદ ભાજપે આજે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી. આ યાદીમાં 99 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. જાણો કોને ક્યાંથી મળી ટિકિટ.
ભાજપની પહેલી યાદીમાં પહેલું નામ દેવેન્દ્ર ફડણવીસનું છે. તેઓ નાગપુર સાઉથ વેસ્ટથી ચૂંટણી લડશે. મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેને કામઠી સીટથી ટિકિટ મળી છે. જામનેરથી મંત્રી ગિરિશ મહાજન, બલ્લારપુરથી મંત્રી સુધીર મુનગંટીવાર, ભોકરથી શ્રીજયા અશોક ચૌહાણ, વાંદ્રે વેસ્ટથી આશીષ શેલાર, માલાબાર હિલથી મંગળ પ્રભાત લોઢાને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કોલાબાથી રાહુલ નાર્વેકર, સતારાથી છત્રપતિ શિવેન્દ્ર રાજે ભોસલે ચૂંટણી લડશે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અંગે જેપી નડ્ડાની અધ્યક્ષતામાં 16 ઓક્ટોબરના રોજ ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પીએમ મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, અને સીઈસીના સભ્યો હાજર હતા. આ દરમિયાન તમામ નેતાઓએ સર્વસંમતિથી 99 બેઠકો માટે ઉમેદવારોના નામ પર મહોર લગાવી.
એક જ તબક્કામાં મતદાન
અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રમાં એક જ તબક્કામાં મતદાન થવાનું છે. રાજ્યની 288 વિધાનસભા બેઠકો માટે 20 નવેમ્બરના રોજ મતદાન થશે. જ્યારે 23 નવેમ્બરે ચૂંટણીના પરિણામ આવશે.