મોટેરાથી ગાંધીનગર સુધી મેટ્રો રેલનો રૂટ તૈયાર, જુલાઈ મહિનાના અંત સુધીમાં શરૂ કરવાનું લક્ષ્ય

By: nationgujarat
02 Jun, 2024

મોટેરાથી ગાંધીનગરના સેક્ટર 1 સુધી મેટ્રો રેલ દોડાવવા માટે હાલ મેટ્રો કોર્પોરેશન દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ રૂટ ઉપર આવતા નર્મદા કેનાલના કેબલ સ્ટેડ બ્રિજ અને સાબરમતી નદીના બ્રિજ ઉપર લોડ ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી હતી અને એક સાથે ચાર ટ્રેનને બ્રિજ ઉપર મૂકી ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

આ રૂટ પર આવતા બે પુલ ઉપર લોડ ટેસ્ટિંગ કરાયું

રાજ્યના પાટનગર ગાંધીનગરને મેટ્રો રેલથી અમદાવાદ સાથે કનેક્ટ કરવા માટે છેલ્લા ઘણા વર્ષોથી પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને આ કામગીરી શરૂ થઈ ગયા બાદ હવે આખરી તબક્કામાં પહોંચી છે. મોટેરાથી ગાંધીનગર સુધી મેટ્રો રેલનો રૂટ તૈયાર થઈ ગયો છે. ત્યારે હાલ મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા રૂટ ઉપર અલગ અલગ પ્રકારના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે મોટેરાથી કોબા સર્કલ વચ્ચે આવતા નર્મદા કેનાલના કેબલ સ્ટેડ બ્રીજ ઉપર લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને અહીં એક સાથે ચાર જેટલી ટ્રેનો બ્રિજ ઉપર મૂકીને બ્રિજની ક્ષમતા ચકાસવામાં આવી હતી. આ ઉપરાંત કોબા પીડીપીયુથી ગિફ્ટ સિટી વચ્ચે આવતી સાબરમતી નદીના બ્રિજ ઉપર પણ આ જ પ્રકારનું લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

આ કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ હવે મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા આ મહિનાના અંતમાં કમિશનર ઓફ મેટ્રોરેલ સેફ્ટીને અહીં રૂટની ચકાસણી કરવા માટે બોલાવવામાં આવશે અને અધિકારીઓ તંત્ર દ્વારા રૂટની ચકાસણી કરી લીધા બાદ તેમના રિમાર્ક અને કોમ્પ્લાયન્સ પૂર્ણ કરી ચારથી પાંચ અઠવાડિયામાં આખરી મંજૂરી આપવામાં આવશે. જેના પગલે હવે જુલાઈ મહિનાના અંત સુધીમાં ગાંધીનગર સુધી મેટ્રો રેલ દોડતી દેખાશે. નોંધવું રહેશે કે હાલ આ રૂટ ઉપર આવતા તમામ સ્ટેશન ઉપર પણ ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે અને અલગ અલગ સ્ટેશનો ઉપર પણ ટ્રેન મૂકીને ચકાસણી કરવામાં આવી રહી છે.


Related Posts

Load more