ટીવી એક્ટર લલિત મનચંદાએ આત્મહત્યા કરી, આર્થિક સંકટથી પરેશાન હતા

By: nationgujarat
22 Apr, 2025

ફિલ્મ ઉદ્યોગમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર આવી રહ્યા છે. બોલિવૂડ અભિનેતા લલિત મનચંદાએ મેરઠમાં આત્મહત્યા કરી લીધી છે. ૪૮ વર્ષીય અભિનેતા લલિત મનચંદાએ પોતાના ઘરમાં ફાંસી લગાવીને દુનિયાને અલવિદા કહી દીધું છે. આ સમગ્ર ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પરંતુ આ દુ:ખદ ઘટનાએ તેમના ચાહકો અને મિત્રોને ઊંડા આઘાતમાં મૂકી દીધા છે.

લલિત મનચંદાના મોટા ભાઈ રવિ મનચંદાએ જણાવ્યું હતું કે, “લલિત લગભગ 16 વર્ષ પહેલા અભિનેતા બનવા માટે મુંબઈ ગયો હતો. થોડા સમય પછી તેને સિરિયલોમાં કામ મળવાનું શરૂ થયું, પરંતુ પાછળથી કોરોનાને કારણે તેને કામ મળવાનું બંધ થઈ ગયું. ત્યારબાદ તે મેરઠ આવ્યો અને અહીં કામ શોધ્યું પણ અહીં પણ તેને કામ મળતું ન હતું. તે આર્થિક તંગીનો સામનો કરી રહ્યો હતો. રવિવારે રાત્રે તે સૂવા માટે અલગ રૂમમાં ગયો. સોમવારે સવારે જ્યારે પરિવારના સભ્યો તેને ચા પીવા માટે જગાડવા આવ્યા, ત્યારે તેનો મૃતદેહ પંખા સાથે લટકતો મળી આવ્યો. કોઈ સમજી શક્યું નહીં કે આ બધું કેવી રીતે થયું.”

લલિત મનચંદાના અવસાન પછી, તેઓ તેમની પત્ની ‘તારુ મનચંદા’, 18 વર્ષનો પુત્ર ‘ઉજ્જવલ મનચંદા’ અને પુત્રી ‘શ્રેયા મનચંદા’ છોડી ગયા છે. તમને જણાવી દઈએ કે, લલિત મનચંદાએ બોલિવૂડ ફિલ્મો અને ટીવી સીરિયલો જેવી કે ક્રાઈમ પેટ્રોલ, ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ, મર્યાદા, ઝાંસી કી રાની અને યે રિશ્તા ક્યા કહેલાતા હૈ, ખિચડી અને ઉલ્ટા ચશ્મામાં કામ કર્યું છે. તેમના તાજેતરના પ્રોજેક્ટ્સમાં એક વેબ સિરીઝ પણ શામેલ હતી, જેના માટે તેઓ ખૂબ જ ઉત્સાહિત હતા.


Related Posts

Load more