કચ્છ: ગુજરાતમાં ડીપ ડીપ્રેશનને પગલે આજે અને આવતીકાલે કચ્છ અને સૌરાષ્ટ્ર માટે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ગુરૂવારે પણ દ્વારકા અને કચ્છમાં અતિભારે વરસાદ વરસ્યો હતો. ત્યારે કચ્છમાં હમીરસર તળાવ ઓવરફ્લો થયું છે. જેના પાણીના અનેક લોકોના ઘરમાં ઘૂસી ગયા છે. આ પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જતાં જનજીવન પ્રભાવિત થયું છે. ઘરમાં તળાવના પાણી ફરી વળતાં લોકોની ઘર અને ઘરવખરીને ભારે નુક્સાન થયું છે. તો બીજી બાજુ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે પણ કચ્છમા રેડ એલર્ટ આપવામા આવ્યુ છે.સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદને લઈને પાવર સપ્લાયને પણ અસર થઇ છે. પીજીવીસીએલની ટીમ અને કોન્ટ્રાક્ટરોની ટીમ દ્વારા રાઉન્ડ ધ ક્લોક રીપેરીંગની કામગીરી ચાલી રહી છે. સૌરાષ્ટ્ર કચ્છના 613 ગામડાઓમાં વીજ પુરવઠો બંધ છે.ભારે પવન અને વરસાદના કારણે 1122 થાંભલાઓ પડી ગયા છે. 67 જેટલા ટીસી બળી ગયા અથવા તો ડેમેજ થયા છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 1528 ફીડરો બંધ હાલતમાં છે. સૌથી વધુ ખેતીવાડીમાં 1224 ફીડરો બંધ થયા છે. સૌથી વધુ રાજકોટ ગ્રામ્ય, જામનગર, પોરબંદર અને જુનાગઢમાં વીજ પુરવઠોને અસર થઇ છે.ભુજ વાસીઓમાં એક બાજુ હમીરસર ઓવરફ્લો થવાની ખુશી છે તો બીજીબાજુ સંજોગ નગર વિસ્તારમાં હમીરસરના પાણી ફરી વળ્યાં છે. સંજોગ નગર વિસ્તારમાં પાણી ફરી વળતા મુખ્ય રસ્તાઓ જ બંધ થયો છે.સંજોગનગર વિસ્તાર કેટલાક ઘરોમાં હમીરસરના પાણી ઘૂસ્યા છે. જેથી લોકો સ્થનિકો સ્થળાંતર કરવા મજબુર બન્યા છે. લોકોના ઘરોમાં ઘુંટણસમા પાણી ભરાતા નુકસાન થયું છે.હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે, ડીપ ડિપ્રેશન ભૂજથી 50 કિમી છે. તે 12 કિમી પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ પશ્ચિમ જિલ્લાઓ તરફ આગળ વધી રહ્યું છે. 29મી ઓગસ્ટે (આજે) સવારે તે ઉત્તરપૂર્વીય અરબી સમુદ્ર અને તેની નજીકના સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ જવાની સંભાવના છે. આ સિસ્ટમને જોતાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિથી અતિભારે જ્યારે કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.