સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – આનંદધામ હીરાપુર ખાતે શાકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાને ર૦૦ વર્ષ પહેલા લોયા ગામમાં જે ભવ્ય શાકોત્સવ કર્યો હતો. તે પ્રસંગની સૌને સ્મૃતિ થાય તેવા દર્શન કરાવવામાં આવ્યા હતા. જેની અંદર સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાન શાક બનાવે છે, તેવા દર્શન કરાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ સૌ ભક્તોને બાજરીના રોટલા,રીંગણાનું શાક,ગોળ,ઘી આદિ થાળની પ્રસાદી જમાડવામાં આવી હતી.
કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ભગવાને સંવત્ ૧૮૭૯ માં લોયા ગામમાં શાકોત્સવ કર્યો હતો. તે પ્રસંગની સ્મૃતિ કરવા માટે આજથી ર૦૦ વર્ષ પછી શાકોત્સવની ઉજવણી કરવામાં આવે છે. કારણ કે, સ્વયં શ્રીજીમહારાજે વચનામૃતમાં કહ્યું છે કે, અમોએ જે જે સમૈયા ઉત્સવ કર્યા હોય તેને સંભારી રાખવા, તે ઉત્સવોને જે સંભારે તેનું આત્યાંતિક કલ્યાણ થાય છે, અને એ જીવ આલોક અને પરલોકમાં સુખી થાય છે. તેથી દર વર્ષે મંદિરોમાં શાકોત્સવ ઉજવાય છે. કુમકુમ મંદિરમાં ૪૦ વર્ષથી શાકોત્સવ ઉજવાય છે.