ઈરાનમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યા છે. આ ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી (63 વર્ષ)નું મોત થયું છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે ઈરાનના એક અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે રેસ્ક્યૂ ટીમોએ દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરનો કાટમાળ શોધી કાઢ્યો છે. આ દુર્ઘટનામાં રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાયસી ઉપરાંત ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયન, પૂર્વ અઝરબૈજાન પ્રાંતના ગવર્નર મલેક રહેમતી અને ધાર્મિક નેતા મોહમ્મદ અલી અલે-હાશેમનું પણ મોત થયું છે. આ તમામ લોકો એક જ હેલિકોપ્ટરમાં મુસાફરી કરી રહ્યા હતા.
ઈરાનના પ્રેસ ટીવીએ એક્સ પોસ્ટમાં લખ્યું, ‘રેસ્ક્યૂ ટીમે રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના ક્રેશ થયેલા હેલિકોપ્ટરની ઓળખ કરી લીધી છે. કોઈ જીવિત વ્યક્તિનો કોઈ પત્તો મળ્યો નથી.અધિકારીએ રોઇટર્સને જણાવ્યું હતું કે, “અકસ્માતમાં રાષ્ટ્રપતિ રાયસીનું હેલિકોપ્ટર સંપૂર્ણપણે બળી ગયું હતું… કમનસીબે, બોર્ડમાં રહેલા તમામ લોકોના મોતની આશંકા છે.”
આ દુર્ઘટનાનું સાચું કારણ હેલિકોપ્ટર રેસ્ક્યુ ઓપરેશન પૂરું થયા બાદ જાણી શકાશે. જો કે, ઈરાની મીડિયાના અહેવાલો અનુસાર, શરૂઆતનું કારણ ખરાબ હવામાન હોવાનું કહેવાય છે. કહેવામાં આવી રહ્યું છે કે ખરાબ હવામાનના કારણે હેલિકોપ્ટરનું ‘હાર્ડ લેન્ડિંગ’ થયું હતું. તેહરાન ટાઈમ્સના અહેવાલ મુજબ ગાઢ ધુમ્મસના કારણે આ અકસ્માત થયો હતો. આ દુર્ઘટના તેહરાનથી લગભગ 600 કિલોમીટર (375 માઇલ) ઉત્તરપશ્ચિમમાં અઝરબૈજાન પ્રાંતની સરહદ પર, જોલ્ફા નજીક બની હતી. સુંગુન નામની તાંબાની ખાણ પાસે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. તે ઈરાનના પૂર્વ અઝરબૈજાન પ્રાંતમાં જોલ્ફા અને વરાઝકાન વચ્ચે આવેલું છે.