ખેડામાં નશાયુકત સિરપ કાંડમાં ખેડા ભાજપના પદાધિકારીની સંડોવણી સામે આવતા પક્ષે કરી કાર્યવાહી
By: nationgujarat
02 Dec, 2023
ખેડાના બિલોદરામાં નશાયુકત સિરપથી પાંચ લોકોના મોતનો થયા હોવાની ઘટના સામે આવી હતી. આ કેસમાં સિરપનું વેચાણ કરનાર પદાધિકારી સામે ભાજપે કાર્યવાહી કરી છે. તાલુકા કોષાધ્યક્ષ કિશોર સોઢાને તાત્કાલિક અસરથી દૂર કરાયા છે.
મહત્વનુ છે કે ખેડા જિલ્લામાં નશાકારસ સિરપ કાંડ બાદ રાજ્યનું પોલીસ તંત્ર સફાળું જાગ્યું છે. રાજ્યમાં તમામ સ્થળે દરોડા પાડીને શંકાસ્પદ સિરપનો જથ્થો જપ્ત કરવાની કાર્યવાહી ગત મોડી રાતથી જ શરૂ કરી દેવાઈ છે.
બીજી તરફ મહેસાણામાં શંકાસ્પદ સિરપની 2 હજાર 300 બોટલ સાથે એક શખ્સની અટકાયત કરાઈ છે, જ્યારે ઊંઝામાં ગોકુલ ડેરી પાર્લરમાંથી આયુર્વેદિક સિરપની 121 બોટલ જપ્ત કરાઈ છે. આતરફ ડીસાના ભીલડીમાંથી સિરપની 1 હજારથી વધુ બોટલ જપ્ત કરાઈ છે.
ખેડા ‘સિરપકાંડ’નો ઘટનાક્રમ
- 27 નવેમ્બર – નડિયાદના બિલોદરા અને બગડુના કેટલાક લોકોએ સિરપ પીધી
- 27 નવેમ્બર – સિરપ પીધા બાદ 5 લોકોની તબિયત લથડતા દાખલ કરાયા હતા
- 28 નવેમ્બર – હોસ્પિટલમાં સારવાર દરમિયાન 2 લોકોના મોત નિપજ્યા
- 28 નવેમ્બર – અન્ય 3 લોકોના સારવાર દરમિયાન મોત નિપજતા દોડધામ
- 28 નવેમ્બર – આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગમાં સર્જાઇ હતી દોડધામ
- 29 નવેમ્બર – આરોગ્ય વિભાગની ટીમોએ બંને ગામોમાં હાથ ધરી તપાસ
- 29 નવેમ્બર – પ્રાથમિક તપાસમાં સિરપ પીવાથી મોત થયાનું અનુમાન
- 30 નવેમ્બર – સારવાર દરમિયાન 1નું મોત, મૃત્યુઆંક 6 પર પહોંચ્યો
- 30 નવેમ્બર – પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં નશીલુ પીણું પીવાથી મોતનો ખુલાસો
- 30 નવેમ્બર – ખેડા LCB, SOGની ટીમો હરકતમાં આવી, તપાસ શરૂ કરી
- 30 નવેમ્બર – ખેડા પોલીસે 3 શંકાસ્પદ ઇસમોની કરી હતી ધરપકડ
- 30 નવેમ્બર – તપાસમાં કરિયાણાની દુકાનમાંથી સિરપ પીધાનો ખુલાસો