કર્ણાટકથી એક એવા સમાચાર આવ્યા છે જે લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આશાનું કિરણ બની શકે છે. બાગલકોટના નવનગરના એક પરિવારે તેમના દીકરાની SSLCમાં નિષ્ફળતાને કેક કાપીને અને તેને ઉત્સાહ આપીને ઉજવણી કરી. 10માં ધોરણમાં જો છોકરો કે છોકરી નાપાસ થાય તો માતા પિતા માટે શરમિંદગીનું કારણ બનતું હોય છે પરંતુ એક પરિવારે પોતાના પુત્રની નિષ્ફળતાને પ્રેમ, સમર્થન અને સકારાત્મકતામાં ફેરવી દીધી. માતા પિતાએ પુત્રનું મનોબળ વધાર્યું અને કેક કાપીને તેનો ઉત્સાહ પણ વધાર્યો.
600માંથી 200 નંબર, બધા વિષયમાં ફેલ
બસવેશ્વર હાઈસ્કૂલ (ઇંગ્લિશ મીડિયમ)ના SSLC વિદ્યાર્થી અભિષેક યલ્લપ્પા ચોલચગુડ્ડા છ વિષયોમાં નાપાસ થયો, જેમાં તેણે 625માંથી માત્ર 200 ગુણ મેળવ્યા, એટલે કે કુલ 32% ગુણ. નિરાશાજનક પરિણામ હોવા છતાં, તેના પરિવારે તેને ઠપકો ન આપ્યો. તેના પિતાએ અભિષેકને આશ્ચર્યજનક રીતે કેક લાવીને આપી, મીઠાઈઓ અને ચુંબન સાથે તેનું મનોબળ વધાર્યું. માતા, ભાઈ-બહેનો અને દાદી સહિત આખો પરિવાર આ પ્રેમભર્યા સમર્થનમાં જોડાયો.
અભિષેક બાળપણથી જ પડકારોનો સામનો કરી રહ્યો છે. માત્ર 15 મહિનાની ઉંમરે તેના બંને પગ ગંભીર રીતે દાઝી ગયા હતા, જેના કારણે તેની યાદશક્તિ પર અસર થઈ. આ યાદશક્તિની સમસ્યાને કારણે તેને પરીક્ષામાં માહિતી યાદ રાખવામાં અને રજૂ કરવામાં મુશ્કેલી પડી. તેની સંઘર્ષની સમજણ રાખીને, પરિવારે તેની સાથે ઊભા રહીને સમર્થન આપ્યું. તેના પિતાએ અભિષેકના ખભે હાથ મૂકીને કહ્યું, “પરીક્ષા એ જીવનનો અંત નથી. ફરી પ્રયાસ કર.” માતા પિતાએ કહ્યું કે પરીક્ષામાં ફેલ થયો છે, જીવનમાં નહીં. ફરીથી કોશિશ કરજે અને સફળતા જરૂર મળશે.
અભિષકનો જવાબ
પરિવારના આ સમર્થનથી અભિષેક ભાવુક બની ગયો અને કહ્યું કે હું ફેલ જરૂર થયો પરંતુ મારા પરિવારે મને હિંમત આપી. હું ફરીથી પરીક્ષા આપીશ, પાસ કરીશ અને જીવનમાં સફળ થઈશ.
સોશિયલ મીડિયામાં પ્રશંસા
આ કહાની સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહી છે. જ્યાં લોકો અભિષેકના માતા પિતાના વિચારના ખુબ વખાણ કરી રહ્યા છે. અનેક લોકો તેને Don’t Give Up અને Positive Parenting નું આદર્શ ઉદાહરણ ગણાવી રહ્યા છે. કોટામાં અભ્યાસના પ્રેશરમાં પોતાનું જીવન સમાપ્ત કરનારા વિદ્યાર્થીઓ અને માતા પિતા માટે પણ આ મોટો સંદેશ કહી શકાય.