‘તું તારી મર્યાદામાં રહેજે, મારી ડેરીનું નામ જ સાવજ છે, કોના ઈશારે કામ કરે છે તેની મને ખબર છે’

By: nationgujarat
12 Jul, 2025

વિસાવદર બેઠક પરથી ચૂંટાયેલા નેતા ગોપાલ ઇટાલિયા સોશિયલ મીડિયામાં ચેલેન્જ વોરના લીધે ખૂબ ચર્ચામાં છે. ત્યારે વંથલી ખાતે યોજાયેલા સદસ્યતા અભિયાન કાર્યક્રમમાં ગોપાલ ઇટાલિયાએ ભાજપના નેતા કિરીટ પટેલ સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. તેના જવાબમાં જૂનાગઢ સાવજ દુધ ડેરીના ચેરમેને વળતો જવાબ આપ્યો છે. ગોપાલ ઈટાલિયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભાજપના માણસો જૂનાગઢની સાવજ ડેરીમાં કેમિકલવાળુ દૂધ પેકિંગ કરે છે, જે પીવાથી કેન્સર જેવી ગંભીર બિમારીઓ વધી રહી છે.

જૂનાગઢ સાવજ દુધ ડેરીના ચેરમેને હવે ગોપાલ ઈટાલિયાને જવાબ આપ્યો છે. તમને જણાવી દઈએ કે ગઈ કાલે વંથલીમાં ગોપાલ ઈટાલિયાએ સાવજ દુધ ડેરી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. ગોપાલ ઈટાલીયાએ ગઈકાલે વંથલીમાં જણાવ્યું હતું કે સાવજ દુધ ડેરીમાં દુધમાં કેમિકલ ભેળવવામાં આવે છે, કેન્સરના દર્દીઓમાં વધારો થયો છે, તેવા નિવેદન બાદ ડેરીના ચેરમેને ગોપાલ ઈટાલિયાને જવાબ આપ્યો છે. જૂનાગઢ સાવજ દુધ ડેરીના ચેરમેને જણાવ્યું હતું કે તારી મર્યાદામાં રહેજે, મારી ડેરીનું નામ જ સાવજ છે. સાવજનો ચાળો કરવો રેવા દે, સાવજનો ચાળો કરનારા હજી બખોલમાંથી બહાર આવ્યા નથી. તું કોના ઈશારે કામ કરે છે તેની મને ખબર છે. વિસાવદરની ભોળી જનતાએ તને મત આપ્યા છે તેની સેવા કર. બીજું બધુ રહેવા દે.

ગોપાલ ઈટાલિયાએ વંથલીમાં જણાવ્યું હતું કે ભાજપના મળતિયાઓ નકલી મંડળી બનાવી મતદાન કરાવીને ચૂંટણી જીતી જાય છે. ત્યારબાદ ડેરીમાં કેમિકલવાળું દૂધ પેકિંગ થાય છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરે છે. તેમ છતાં આપણો આત્મા જાગતો નથી, આપણે હિન્દુ-મુસ્લિમ અને પાકિસ્તાનમાં જ અટવાયેલા છીએ. આ કેમિકલવાળું દૂધ કિરીટ પટેલ અને તેના માણસો પીવડાવે છે.

તેમણે ઉમેર્યું હતું કે, દૂધની અંદર પ્યોર કેમિકલ નાખવામાં આવે છે. આ દૂધ આપણે પીએ છીએ અને પછી આપણને કેન્સર થાય છે. ભાજપના મળતિયાઓ ડેરીમાંથી કરોડોનું કમિશન મેળવે છે. એટલે તેઓ ચોખ્ખું દૂધ આપી શકતા નથી. ઉલ્લેખનીય ગોપાલ ઇટાલિયાના આ નિવેદન બાદ વિસાવદર સહિત સમગ્ર જૂનાગઢ જિલ્લામાં રાજકારણ ગરમાવાની શક્યતા છે.


Related Posts

Load more