મને કામ આપો અથવા ટકાવારી…’, જૂનાગઢ જિલ્લા ભાજપ મંત્રી સાંસદની ગ્રાન્ટનો સોદો કરે છે, સરપંચોની ફરિયાદ

By: nationgujarat
16 Dec, 2024

Junagadh BJP: મેંદરડા પંથકમાં સાંસદની ગ્રાન્ટ વેચાતી હોવાના મુદ્દે સરપંચો મેદાનમાં આવી રહ્યા છે. જિલ્લા ભાજપના મંત્રી ચિરાગ રાજાણી સાંસદની ગ્રાન્ટ તેમને કામ મળે તેવી ગ્રામ પંચાયતમાં જ આપતા હોવાના ગંભીર આક્ષેપ ઉઠતાં હડકંપ મચી ગયો છે. મેંદરડા પંથકના સરપંચોએ આ અંગે પૂર્વ સાંસદને રજૂઆત કરતાં તેણે સાંસદ એવા કેન્દ્રીય મંત્રીનું ધ્યાન દોર્યું છે.

જો કે, આક્ષેપિત જિલ્લા ભાજપ મંત્રીએ આ આક્ષેપને ફગાવી દાવો કર્યો કે સાંસદની ગ્રાન્ટની ફાળવણી ધારાસભ્ય કરી રહ્યા છે. બીજી તરફ સરપંચોને આ અંગેનો વિરોધ નહી કરવાના મનામણા શરૂ થતા જિલ્લાનાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

પોરબંદર સંસદીય મત વિસ્તાર હેઠળના માણાવદર વિધાનસભા વિસ્તારના મેંદરડા તાલુકાના સરપંચોમાં ભારે રોષ ભભુક્યો છે. સરપંચોનો આક્ષેપ છે કે, જિલ્લા ભાજપના મંત્રી અને સાંસદ મનસુખ માંડવીયા તથા માણાવદર ધારાસભ્ય અરવિંદ લાડાણીના પ્રતિનિધિ ચિરાગ રાજાણીને સાંસદ તથા ધારાસભ્યની ગ્રાન્ટ માટે રજૂઆત કરવામાં આવી ત્યારે તેણે કહ્યું હતું કે, ‘મને કામ કરવા દેવું પડશે અથવા ટકાવારી આપવી પડશે તો ગ્રાન્ટની ફાળવણી કરાવીશ.’

સરપંચોનો જેના પર ગંભીર આરોપ છે તે ચિરાગ રાજાણી જિલ્લા ભાજપના મંત્રી તથા સાંસદ, ધારાસભ્યની પ્રતિનિધિ છે. અગાઉ તેઓમંદરડા તાલુકાના સરપંચ યુનિયનના પ્રમુખ પણ હતા, હાલ તે હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.

આ સમગ્ર મામલે જિલ્લા ભાજપના મંત્રી ચિરાગ રાજાણીએ ‘સાંસદની ગ્રાન્ટનું આયોજન ધારાસભ્યએ કરેલું છે, અમારા તરફથી ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવતી નથી, જે આક્ષેપ કરતા હોય તેની પાસે પુરાવા હોય તો તે રજૂ કરવા જોઈએ’ તેવો બચાવ કર્યો હતો. બીજી તરફ સરપંચો દાવો કરી રહ્યા છે કે ગ્રાન્ટ ફાળવણીનું કૌભાંડ સરપંચો દ્વારા ખુલ્લું પાડવામાં આવતા સરપંચોને યેનકૈન પ્રકારે સમજાવવાના પ્રયાસો અમુક આગેવાનો દ્વારા શરૂ કરી દેવામાં આવ્યા છે.

આ સમગ્ર મામલે જિલ્લા ભાજપના અનેક નેતાઓને જવાબ ભરવા પડયા હોવાનું પણ ભાજપના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. સાંસદની ગ્રાન્ટનો વહિવટ કરવા મુદ્દે કેન્દ્રીય મંત્રીને સમગ્ર હકીકત જાણવા મળતા તે પણ ચોંકી ઉઠયા હતા તેવું સરપંચોએ જણાવ્યું હતું. ભાજપના પૂર્વે સાંસદે તેમનાં જ સંગઠનના હોદ્દેદારો સામે કેન્દ્રીય મંત્રીને સરપંચોના કહેવાથી ફરિયાદ કરવાની ફરજ પડી હતી.


Related Posts

Load more