Junagadh MLA: ભાજપના નેતાઓ હવે ભ્રષ્ટચાર સામે મેદાને આવી રહ્યા છે. બેજવાબદાર અધિકારીઓ અને ભ્રષ્ટાચારી તંત્ર સામે ભાજપના નેતાઓ અવાજ ઉઠાવી રહ્યા છે, વડોદરાના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલ બાદ હવે જૂનાગઢ (Junagadh)ના ભાજપના ધારાસભ્ય (MLA) સંજય કોરડીયાએ પણ મહત્વપૂર્ણ નિવેદન કર્યું છે. સંજય કોરડીયાએ કહ્યું છે કે એક પણ અધિકારીને પૈસા આપતા નહીં. તમારી પાસે કોઇ પૈસા માગે તો મારી પાસે આવજો. હું સાચુ કામ હશે તો કરાવી દઇશ.
જૂનાગઢ ભાજપના ધારાસભ્ય સંજય કોરડીયાનું મોટું નિવેદન આવ્યું છે. તેમણે ભ્રષ્ટાચારી નોકરશાહોને તેમણે ખુલ્લી ચેતવણી આપી છે. સંજય કોરડીયાએ લોકોને અપીલ કરતાં કહ્યું છે કે તમે એક પણ અધિકારીને પૈસા આપતા નહી. હું બે હાથ જોડીને વિનંતી કરું છું.
તેમણે કહ્યું કે તમારું સાચુ કામ હોય તો મારી પાસે આવજો પણ કોઇ અધિકારી પૈસા માગે તો આપતા નહી અને પૈસા માગનારાનું નામ પણ મને આપજો. તેમણે કહ્યું કે મારા વિસ્તારમાં હું ભ્રષ્ટાચાર ચલાવી દઇશ નહી. જૂનાગઢમાં કલેક્ટર ઓફિસ હોય કે કમિશનર ઓફિસ હોય કે પોલીસ તંત્ર હોય…કોઇ પણ ઓફિસમાં પૈસા માગે તો મારી પાસે આવજો
તેમણે કહ્યું કે આપણે જ પૈસા આપીને આદત બગાડી છે પણ હવે પૈસા આપતા નહીં. તમારું કામ બે દિવસ મોડું થશે પણ હું કામ કરાવી દઇશ.
ઉલ્લેખનિય છે કે તાજેતરમાં વડોદરાના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે પણ કલેક્ટરને પત્ર લખીને અધિકારીઓના ભ્રષ્ટાચારની વિગતો ઉજાગર કરી હતી. તો અમદાવાદના ધારાસભ્ય અમૂલ ભટ્ટે પણ મહિલાઓના મુદ્દે રજૂઆતો કરી હતી. આ દર્શાવે છે કે ભાજપના નેતાઓ હવે ભ્રષ્ટાચારી બાબુઓની સામે પડ્યા છે.