Janmashtami 2024: આ વર્ષે જન્માષ્ટમીની પૂજા માટે માત્ર 45 મિનિટનો સમય શુભ, નોંધી લો જન્માષ્ટમીના શુભ મુહૂર્ત

By: nationgujarat
22 Aug, 2024

હિન્દુ ધર્મમાં જન્માષ્ટમીનું વિશેષ મહત્ત્વ છે. દેશભરમાં શ્રાવણ મહિનાની અષ્ટમીની તિથિના દિવસે કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવે છે. શ્રીકૃષ્ણ ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર છે. જન્માષ્ટમીની ઉજવણી ગોકુલાષ્ટમી તરીકે પણ કરવામાં આવે છે. આ વર્ષે જન્માષ્ટમી 26 ઓગસ્ટે ઉજવાશે કે 27 ઓગસ્ટ અને પૂજાનું મુહૂર્ત ક્યારનું હશે તેના વિશે જો તમને જાણકારી ન હોય તો ચાલો તમને જન્માષ્ટમી સંબંધિત આ મહત્વની જાણકારી આપીએ.

જન્માષ્ટમી ક્યારે ? 

વૈદિક પંચાંગ અનુસાર શ્રાવણ મહિનાના આઠમની તિથિ રવિવાર 25 ઓગસ્ટના રોજ બપોરે 3.39 મિનિટે શરૂ થઈ જશે. જન્માષ્ટમી 26 ઓગસ્ટ અને સોમવારે બપોરે 2.19 કલાક સુધી રહેશે. ઉદયા તિથિ અનુસાર જનમાષ્ટમી 26 ઓગસ્ટ અને સોમવારે ઉજવાશે. અને 27 ઓગસ્ટે દહીં હાંડી ઉત્સવ થશે.

જન્માષ્ટમીની પૂજાનું મુહૂર્ત

કૃષ્ણ જન્માષ્ટમીની પૂજાનો સમય રાત્રે 12 કલાકથી 12:45 કલાક સુધીનો રહેશે. એટલે કે આ વર્ષે લડ્ડુ ગોપાલની પૂજા કરવાનો સમય 45 મિનિટનો રહેશે. 26 ઓગસ્ટે રોહિણી નક્ષત્રનો પ્રારંભ સાંજે 3.55 મિનિટથી થશે જે 27 ઓગસ્ટ સાંજે 3.38 મિનિટે સમાપ્ત થશે. જન્માષ્ટમીની નિશિતા પૂજાનો સમય રાત્રે 12.01 મિનિટથી 12.45 મિનિટનો રહેશે.

કૃષ્ણ જન્મની પૂજા વિધિ 

જન્માષ્ટમી પર શ્રીકૃષ્ણની પૂજા રાત્રે કરવાની હોય. સૌથી પહેલા ભગવાનની મૂર્તિને બાજોટ પર રાખી ગંગાજળથી સ્નાન કરાવો. ત્યાર પછી મૂર્તિનો દૂધ અથવા તો પંચામૃતથી અભિષેક કરો. ત્યાર પછી ભગવાનની મૂર્તિને કોરી કરી તેના પર ગોપીચંદનનો લેપ કરો. ત્યાર પછી ભગવાનને સાફ અને નવા કપડાં પહેરાવો. તેમનો શ્રૃંગાર કરી બાળ કૃષ્ણને મનાવો અને ફૂલની માળા ચઢાવો. ભગવાનની સામે ઘીનો દીવો કરો. ત્યાર પછી બાલ ગોપાલની આરતી કરીને તેમને મિસરી અને મીઠાઈનો ભોગ ધરાવો.


Related Posts

Load more