Breaking News

ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ પર સહમતિ, ટ્રમ્પે કહ્યું- ‘ટુંક સમયમાં જ મુક્ત થશે બંધકો’

By: nationgujarat
16 Jan, 2025

Israel Hamas War : અમેરિકાના નવ નિયુક્ત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામને લઇને મોટી માહિતી આપી છે. ટ્રમ્પે કહ્યું કે, ‘મિડલ-ઇસ્ટમાં બંધકોને મુક્ત કરવાને લઇને સહમતી બની ગઇ છે અને બંધકોને ટૂંક સમયમાં જ મુક્ત કરવામાં આવશે.’ જોકે, ઇઝરાયલ ને હમાસ દ્વારા યુદ્ધવિરામને લઇને હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરાઇ નથી.

યુદ્ધવિરામ પછી શું થશે?

અહેવાલ મુજબ, જો હમાસ અને ઇઝરાયલ વચ્ચે સત્તાવાર રીતે યુદ્ધવિરામ થઇ જાય છે તો હમાસ પહેલા બંધકોને મુક્ત કરશે અને પછી ઇઝરાયલના સૈનિકો ગાઝામાંથી તબક્કાવાર રીતે વાપસી કરશે. હમાસે સૌથી પહેલા મહિલાઓ અને 19 વર્ષથી નાના યુવાનોને મુક્ત કરવા પડશે. ગાઝા ડીલનો પહેલો તબક્કો 42 દિવસનો હશે, જેમાં હમાસ દ્વારા આશરે 34 બંધકોને મુક્ત કરવામાં આવશે

ટ્રમ્પે આ અંગે કહ્યું છે કે, ‘આ ઐતિહાસિક યુદ્ધ વિરામ પર સહમતિ અમારી જીતના પરિણામ સ્વરૂપે જ શક્ય બની છે, કારણ કે અમારી જીતે સમગ્ર વિશ્વને સંકેત આપ્યો કે મારો શાસન શાંતિની શોધ કરશે અને તમામ અમેરિકનો અને અમારા સહયોગીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રયત્નો કરશે. હું ખૂબ જ ઉત્સાહિત છું કે અમેરિકન અને ઇઝરાયલી બંધકો તેમના ફરી એક વાર તેમના પરિજનોને મળી શકશે અને પોતાના ઘરે પરત ફરી શકશે.’

નોંધનીય છે કે, અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને ચેતવણી ઉચ્ચારી હતી કે, ‘જો હમાસ બંધકોને મુક્ત નહીં કરશે તો અમે મિડલ-ઇસ્ટને નરક બનાવી દઇશું.’ હાલ યુદ્ધવિરામના ડ્રાફ્ટ પર હમાસની મંજૂરીને ટ્રમ્પની ચેતવણીના પ્રભાવ સ્વરૂપે પણ જોવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ ટ્રમ્પ નવો ‘વસૂલી’ વિભાગ બનાવશે, ભારત-કેનેડા-ચીન જેવા દેશો ટેન્શનમાં! ટૂંક સમયમાં થશે જાહેરાત

હમાસ અંગે શું બોલ્યા?

વધુમાં ટ્રમ્પે કહ્યું કે, ‘યુદ્ધ વિરામ લાગુ થઇ જશે, તે પછી મારી રાષ્ટ્રીય સુરક્ષા ટીમ અને મિડલ ઇસ્ટના વિશેષ રાજદૂત સંયુક્ત રીતે સુનિશ્ચિત કરશે કે ગાઝા ફરી ક્યારેય આતંકીઓ માટે સુરક્ષિત ઠેકાણું ન બને. અમે આગળ પણ ઇઝરાયલ અને અમારા સહયોગીઓ સાથે મળીને કામ કરીશું. અમે સમગ્ર ક્ષેત્રમાં શક્તિની સાથે શાંતિને સમર્થન આપીશું. અમે આ યુદ્ધવિરામને સફળ બનાવવા કામ કરી રહ્યા છે. આ અમેરિકા અને વાસ્તવમાં દુનિયામાં આવનારા મહાન ફેરફારોની માત્ર શરૂઆત છે.’


Related Posts

Load more