ઈરાને આપી ઈઝરાયેલને મોટી ધમકી: ગાઝા પર કબજો કરશો તો ભારે કિંમત ચૂકવવી પડશે

By: Krunal Bhavsar
10 Aug, 2025

ઈઝરાયેલે ગાઝા સ્ટ્રીપને સંપૂર્ણપણે કબજે કરવાની તૈયારી શરૂ કરી દીધી છે, અને આ માટે અંદાજે 2.5 લાખ સૈનિકોની સેના તૈનાત કરવાની યોજના બનાવી રહ્યું છે. આ દરમિયાન, ઈરાને ઈઝરાયેલને એક કડક રૂપી કરી ચેતવણી આપી છે કે જો ગાઝામાં આવું કોઈ ઓપરેશન શરૂ કરવામાં આવશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. ઈઝરાયેલે ગાઝા પર કબજો કરવાની તૈયારીઓ તેજ કરી દીધી છે, જેની વિશ્વભરમાં ટીકા થઈ રહી છે.

ઈઝરાયેલના પગલાંની વિશ્વ માં ટીકા

ઈઝરાયેલ લાંબા સમયથી ગાઝા પર હવાઈ અને જમીની હુમલાઓ કરી રહ્યું છે, જેમાં લાખો ગાઝાના નાગરિકોના મોત થયા છે, અને ત્યાંની પરિસ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. આને લઈને અરબ દેશો અને કેટલાક યુરોપીય દેશોએ ઈઝરાયેલની નિંદા કરી છે. ફ્રાન્સ અને બ્રિટને ખુલ્લેઆમ ઈઝરાયેલના ગાઝા પરના હુમલાઓને ખોટા ગણાવ્યા છે, અને જણાવ્યું છે કે જો ઈઝરાયેલે આ રીતે આગળ વધવાનું ચાલુ રાખ્યું તો તેઓ પેલેસ્ટાઈનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપી દેશે. યુનાઈટેડ નેશન્સના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસએ પણ ઈઝરાયેલના ગાઝા સિટી પર કબજાના નિર્ણયને “ખતરનાક એસ્કેલેશન” ગણાવીને તેની નિંદા કરી છે, જેનાથી લાખો પેલેસ્ટાઈન નાગરિક અને બંધકોના જીવનને જોખમ ઊભું થઈ શકે છે.

ટ્રમ્પ-પુતિનની મુલાકાત પર નેતન્યાહુની નજર

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના નેતૃત્વ હેઠળ ઈઝરાયેલી સેના ગાઝા પર કબજો કરવા માટે સંપૂર્ણ તૈયાર છે. ઈઝરાયેલી સેના ગાઝાના પ્રવેશદ્વાર પર તૈનાત છે, અને નેતન્યાહુના આદેશની રાહ જોઈ રહી છે. એવું માનવામાં આવે છે કે 15 ઓગસ્ટ, 2025ના રોજ અલાસ્કામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિનની મુલાકાત બાદ નેતન્યાહુ આ ઓપરેશન શરૂ કરી શકે છે. ટ્રમ્પે જણાવ્યું છે કે ગાઝામાં ઈઝરાયેલની રણનીતિ અંગે અમેરિકા “કેટલીક અસહમતિઓ” ધરાવે છે, પરંતુ બંને દેશોના “ઘણા સામાન્ય ઉદ્દેશો” છે.

ગાઝા સિટી પર કબજાની યોજના

ઈઝરાયેલની સુરક્ષા કેબિનેટે 8 ઓગસ્ટ, 2025ના રોજ ગાઝા સિટી પર કબજો કરવાની યોજનાને મંજૂરી આપી હતી, જેનો હેતુ હમાસનું નિશસ્ત્રીકરણ, બંધકોની મુક્તિ (જીવિત અને મૃત), ગાઝાનું નિરસ્ત્રીકરણ, ઈઝરાયેલનું સુરક્ષા નિયંત્રણ, અને હમાસ અથવા પેલેસ્ટાઈન અથોરિટીથી સ્વતંત્ર નવી વહીવટી વ્યવસ્થા સ્થાપવાનો છે. આ ઓપરેશન હેઠળ, 75% ગાઝા વાસીઓને દક્ષિણ ગાઝામાં વિસ્થાપિત કરવાની યોજના છે, અને ગાઝા સિટીમાં યહૂદી વસાહતો સ્થાપવાની નેતન્યાહુની યોજના છે. આ યોજનાને અમેરિકાના સમર્થન સાથે ગાઝા હ્યુમેનિટેરિયન ફાઉન્ડેશન દ્વારા માનવતાવાદી સહાયના વિસ્તરણ સાથે આગળ ધપાવવામાં આવી રહી છે, જેમાં વર્તમાન 4 સહાય વિતરણ સ્થળોને 16 સુધી વધારવાની યોજના છે.

ગાઝાની દુર્દશા અને આંતરરાષ્ટ્રીય દબાણ

ઈઝરાયેલના હુમલાઓને કારણે ગાઝામાં 61,000થી વધુ ફલસ્તીનીઓના મોત થયા છે, જેમાંથી એક તૃતીયાંશ બાળકો છે, અને 1,52,359 લોકો ઘાયલ થયા છે. ગાઝામાં અછત અને ભૂખમરો એક મોટી માનવતાવાદી કટોકટી બની ગયો છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 4 લોકો ભૂખમરાથી મૃત્યુ પામ્યા છે, અને કુલ 201 લોકોએ ભૂખમરાથી જીવ ગુમાવ્યો છે. યુએન અને અન્ય માનવતાવાદી સંસ્થાઓએ ઈઝરાયેલને જમીની માર્ગો દ્વારા સહાય પહોંચાડવાની મંજૂરી આપવા વિનંતી કરી છે, કારણ કે એરડ્રોપ્સ અપૂરતા અને ખતરનાક છે.

 

 

 


Related Posts

Load more