સીઝફાયરની જાહેરાત બાદ ઈરાને ઈઝરાયલ પર આઠ મિસાઈલ છોડી, 3ના મોત: રિપોર્ટ

By: nationgujarat
24 Jun, 2025

Iran-Israel Ceasefire: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા ઘણાં દિવસોથી યુદ્ધ ચાલી રહ્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત બાદ બંને દેશ સીઝફાયર માટે સહમત થયા છે. આ દરમિયાન એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઈરાને મંગળવારે (24મી જૂન) મધ્ય અને દક્ષિણ ઈઝરાયલ પર આઠ બેલિસ્ટિક મિસાઈલો છોડી હતી. આમાંથી એક મિસાઈલ બેરશેબામાં એક એપાર્ટમેન્ટ પર પડી હતી, જેમાં ત્રણ લોકો મોત થયા છે અને ઘણાં લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

મિસાઈલ હુમલાની ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસે માહિતી આપી

અહેવાલો અનુસાર, ઈરાનના મિસાઈલ હુમલાની ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF)એ માહિતી આપી હતી. જે બાદ મધ્ય અને દક્ષિણ ઈઝરાયલ ભાગોમાં ફરીથી મિસાઇલ સાયરન વાગ્યા છે, જે બીજી મિસાઇલ હુમલાનો સંકેત આપ્યા છે. ઈરાને સ્થાનિક સમય મુજબ સવારે 4 વાગ્યાથી ઈઝરાયલ સામે લશ્કરી કાર્યવાહી એકપક્ષીય રીતે બંધ કરવાની જાહેરાત કર્યાના થોડા સમય બાદ જ આ હુમલો થયો.નોંધનીય છે કે, ઈરાનના વિદેશ મંત્રી સઈદ અબ્બાસ અરાઘચીએ કહ્યું કે, ‘હજુ સુધી કોઈ સીઝફાયર કરાર થયો નથી. જ્યાં સુધી ઈઝરાયલ ઈરાનીઓ પર હુમલો કરવાનું બંધ ન કરે ત્યાં સુધી કોઈ સીઝફાયર થઈ શકે નહીં. જો ઈઝરાયલ હુમલા બંધ કરશે, તો ઈરાન બદલો લેશે નહીં.’

24 કલાકમાં સત્તાવાર રીતે સમાપ્ત થઈ જશે યુદ્ધ: ટ્રમ્પ

નોંધનીય છે કે થોડા કલાક અગાઉ જ ઈરાન અને ઈઝરાયલ સીઝફાયર માટે સહમત થયાનો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પોસ્ટ કરી જણાવ્યું, કે ‘ઈરાન અને ઈઝરાયલ પૂર્ણ અને અંતિમ સીઝફાયર માટે રાજી થયા છે. આગામી છ જ કલાકમાં સીઝફાયર લાગુ થઈ જશે. ઈરાને પહેલા તેનું પાલન કરવું પડશે. ઈરાન દ્વારા સંઘર્ષ વિરામના પાલન બાદ આગામી 12 કલાકમાં ઈઝરાયલ પણ સીઝફાયર લાગુ કરી દેશે. આગામી 24 કલાકમાં યુદ્ધ સત્તાવાર રીતે સમાપ્ત થઈ જશે.’

ગઇકાલે જ ઈરાને કર્યો હતો અમેરિકાના બેઝ પર હુમલો

ઉલ્લેખનીય છે કે, ઈરાનને પરમાણુ હથિયારો બનવવાથી રોકવા માટે સૌથી પહેલા ઈઝરાયલે ઈરાનના પરમાણુ ઠેકાણા પર હુમલા કર્યા. જે બાદ ઈરાને મિસાઈલો અને ડ્રોનથી વળતો જવાબ આપતા ભીષણ યુદ્ધ શરૂ થયું હતું. બાદમાં યુદ્ધમાં ઈઝરાયલની પડખે અમેરિકાની એન્ટ્રી થઈ અને અમેરિકાએ પણ ઈરાનના પરમાણુ ઠેકાણા પર હુમલા કર્યા. 23મી જૂને અમેરિકાથી બદલો લેવા માટે ઈરાને કતારમાં અમેરિકાના એરબેઝ પર હુમલો કર્યો હતો. જો કે અમેરિકાનો દાવો છે કે ઈરાને છોડેલી તમામ મિસાઈલોને હવામાં જ ધ્વસ્ત કરી દેવામાં આવી જેથી કોઈ નુકસાન થયું હતું. કતાર પર ઈરાનના હુમલાના થોડા જ કલાકોમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સંઘર્ષ વિરામની જાહેરાત કરવામાં આવી છે.


Related Posts

Load more