America-Iran Controversy : ઈરાને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવાની ધમકી આપી છે. ઈરાનના વરિષ્ઠ અધિકારી જાવેદ લારીજાનીએ ડરામણા અંદાજમાં ચેતવણી આપી છે કે, ટ્રમ્પને તેમના કર્મોની સજા મળશે. ટ્રમ્પ ફ્લોરિડા સ્થિત પોતાના મકાન માર-એ-લાગોમાં પણ સુરક્ષિત નથી. જ્યારે ટ્રમ્પ માર-એ-લાગોમાં તડકાની મજા લઈ રહ્યા હશે, ત્યારે તેમને ટાર્ગેટ કરવામાં આવી શકે છે અને તેમની હત્યા થઈ શકે છે. વાસ્તવમાં અમેરિકાએ 22 જૂનના રોજ ઈરાનના ત્રણ પરમાણુ કેન્દ્રો પર હુમલો કર્યા હતા. ત્યાર બંને દેશો વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે.
લંડન સ્થિત ઈરાન ઈન્ટરનેશનલના રિપોર્ટ મુજબ, લારીજાનીએ ઈરાની સરકારી ટેલિવિઝન પર કહ્યું કે, ‘ટ્રમ્પ એવું કર્યું છે કે, તેઓ હવે માર-એ-લાગોમાં તડકો પણ નહીં ખાઈ શકે. જ્યારે તેઓ ધૂપમાં સૂતા હશે, ત્યારે ત્યાં એક નાનો ડ્રોન જઈને તેમને ખતમ કરી શકે છે, જે એકદમ સરળ છે.’
જાવેદ લારીજાની ઈરાનના સર્વોચ્ચ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈ (Iran Supreme Leader Ali Khamenei)ના નજીકના સલાહકાર અને એક મોટા રાજકીય હસ્તી છે. તેમણે એક ટેલિવિઝન ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘ટ્રમ્પના કર્મોએ તેમને પોતાને જ નિશાન પર લાવી દીધા છે.’ ટ્રમ્પને ધમકી અમેરિકા-ઈરાન વચ્ચે નવું ઘર્ષણ ઉભું કરી શકે છે. ઈઝરાયલ-ઈરાન વચ્ચે 12 દિવસ યુદ્ધ ચાલ્યું હતું, જેમાં 22 જૂને અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ કેન્દ્ર પર હુમલો કર્યો હતો. અમેરિકાએ ત્રણેય પરમાણુ ઠેકાણાઓ પર 30,000 પાઉન્ટરના બંકર બસ્ટર બોંબ ઝિંક્યા હતા, જેના કારણે ઈરાન હજુ પણ રોષે ભરાયેલું છે.
એક ક્રાઉડફન્ડિંગ પ્લેટફોર્મ લોન્ચ થયા બાદ ટ્રમ્પની હત્યાની ધમકી આપવામાં આવી છે. ક્રાઉન્ડફન્ડિંગે ટ્રમ્પની હત્યા માટે 10 કરોડ ડૉલરનું ઈનામ જાહેર કર્યું છે. બ્લડ પૈક્ટ અથવા ફારસીમાં ‘અહદે ખૂન’ નામનું આ પ્લેટફોર્મ ખામેનેઈની મજાક ઉડાવવા બદલ અને ધમકી આપનારાઓનો વિરોધ કરવા માટે બનાવાયું છે. 7 જુલાઈની સાંજ સુધીમાં પ્લેટફોર્મે બે કરોડ ડૉલરથી વધુની રકમ એકઠી કરી હોવાનો દાવો કરાયો છે. 8 જુલાઈએ ફંડ 2.7 કરોડ ડૉલર સુધી પહોંચી ગયું છે. પ્લેટફોર્મનો મુખ્ય ઉદ્દેશ્ય ટ્રમ્પની હત્યા માટે 10 કરોડ ડૉલરની રકમ એકઠી કરવાનો છે.