‘હું ઝેલેંસ્કીને મળવા તૈયાર છું, પણ…’, શાંતિ કરાર પર હસ્તાક્ષરને લઈને પુતિને કરી મોટી માગ

By: Krunal Bhavsar
19 Jun, 2025

Russia-Ukraine war: સેન્ટ પીટર્સબર્ગ ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમ (SPIEF)માં સંબોધન દરમિયાન રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઝેલેંસ્કી સાથે મુલાકાત કરવા અંગેના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે, હું વોલોદીમીર ઝેલેંસ્કીને મળવા માટે તૈયાર છું, પરંતુ વાતાઘાટોના અંતિમ તબક્કામાં. આ સાથે પુતિને સવાલ કર્યો કે યુક્રેન તરફથી દસ્તાવેજ પર કોણ હસ્તાક્ષર કરશે. જો યુક્રેનના પ્રમુખ અયોગ્ય છે, તો દેશની સંપૂર્ણ સત્તા પ્રણાલી ગેરકાયદે થઈ જાય છે.

હું ઝેલેંસ્કી સહિત તમામને મળવા માટે તૈયાર છું: પુતિન

પુતિને કહ્યું કે, ‘હું ઝેલેંસ્કી સહિત તમામને મળવા માટે તૈયાર છું. યુક્રેન વાતાઘાટો માટે કયા વિશેષ વ્યક્તિ પર ભરોસો કરે છે? તે ઝેલેંસ્કી જ હોય શકે છે. અમને તેની ચિંતા નથી કે કોણ વાતચીત કરી રહ્યું છે. ભલે તે શાસનના હાલના પ્રમુખ જ કેમ ન હોય. પરંતુ તે અંતિમ તબક્કામાં જ થશે, જેથી બેસીને મુદ્દાઓને સમાપ્ત કરી શકાય. આપણે એવું સમાધાન શોધવાની જરૂર છે જે ન માત્ર હાલના સંઘર્ષને સમાપ્ત કરે, પરંતુ એવી પરિસ્થિતિઓ પણ પેદા કરશે જે લાંબા સમયે આવી સ્થિતિઓના પુનરાવર્તનને રોકી શકે.’

ઝેલેંસ્કીને શાંતિ કરાર પર હસ્તાક્ષર કરવાનો કોઈ અધિકાર નથી: પુતિન

આ સાથે પુતિને કહ્યું કે, ‘ઝેલેંસ્કીને શાંતિ કરાર પર હસ્તાક્ષર કરવાનો કોઈ અધિકાર નથી, કારણ કે તેમના પાંચ વર્ષનો કાર્યકાળ માર્શલ લૉ હેઠળ સમાપ્ત થઈ ગયો છે. યુક્રેનના બંધારણ અનુસાર, રાષ્ટ્રપતિ પાંચ વર્ષ માટે પસંદ કરવામાં આવે છે. માર્શલ લૉ હેઠળ પણ તમામ શક્તિઓને લંબાવવાની કોઈ જોગવાઈ નથી. આ ત્યાં લખ્યું છે- ધ્યાનથી વાંચો. ત્યારે સવાલ એ છે કે દસ્તાવેજો પર હસ્તાક્ષર કોણ કરશે.’

કાયદેસરના અધિકારીઓના હસ્તાક્ષર સાથે શાંતિ કરાર થવો જોઈએ: પુતિન

પુતિને માગ કરી કે, ‘કાયદેસરના અધિકારીઓના હસ્તાક્ષર સાથે શાંતિ કરાર થવો જોઈએ. નહીતર તમે જાણો છો આગામી વ્યક્તિ આવશે અને બધુ ફેંકી દેશે અને તેવું ન થવું જોઈએ. અમે ગંભીર મુદ્દાઓથી જજૂમી રહ્યા છીએ. હું તેનાથી ઇનકાર ન કરી શકું, પરંતુ આ વિષય પર વધુ કામ થવું જોઈએ.’


Related Posts

Load more