લંડનથી ભારત આવી રહેલી ફ્લાઈટમાં બે ગુજરાતી સહિત 300 ભારતીયો 16 કલાકથી તુર્કેઈમાં ફસાયા

By: Krunal Bhavsar
03 Apr, 2025

London-Mumbai Virgin Atlantic Flight Emergency Landing : લંડનથી ભારત આવી રહેલી ફ્લાઈટમાં બે ગુજરાતી સહિત 300 ભારતીયો 16 કલાકથી તુર્કેઈમાં ફસાયા હોવાની માહિતી સામે આવી છે. મળતા અહેવાલો મુજબ મેડિકલ ઈમરજન્સીના કારણે વર્જિન એટલાન્ટિકની ફ્લાઈટ તુર્કેઈ એરપોર્ટ પર ઉતારાયું હતું. જોકે આ ફ્લાઈટને 12 કલાકથી વધુ સમય સુધી ત્યાં જ અટકાવી દેવામાં આવી છે. ફ્લાઈટને જવા દેવા માટે મેનેજમેન્ટે ઘણી વિનંતી કરી છે, જોકે તેમ છતાં હજુ સુધી ટેકઓફ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ ફ્લાઈટમાં ગુજરાતના વલસાડ જિલ્લાના પાથરી ગામાના બે વ્યક્તિઓ પણ હોવાની વિગતો સામે આવી છે.

16 કલાક થવા છતા ટેકઓફની મંજૂરી ન અપાઈ

રિપોર્ટ મુજબ, લંડનથી મુંબઈ જઈ રહેલી વર્જિન એટલાન્ટિક ફ્લાઈટ નં.VS 358નું તુર્કેઈના ડાયરબકીર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ફ્લાઈટને એરપોર્ટ પર 16 કલાકથી વધુ સમય થઈ ગયો છે, તેમ છતાં ટેકઓફની મંજૂરી આપવામાં આવી નથી, જેના કારણે તમામ મુસાફરો પરેશાન થઈ રહ્યા છે.

મુસાફરો પરેશાન

એરપોર્ટ પર 16 કલાકથી ફ્લાઈટ અટકાવી દેવાયા બાદ તમામ મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે, જેમાં નાના બાળકો અને વૃદ્ધો પણ સામેલ છે. મુસાફરોને આગામી સફરની પણ સ્પષ્ટ માહિતી અપાઈ નથી. બીજીતરફ રિપોર્ટ મુજબ એરલાઈન્સે અત્યાસુધી કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા જાહેર કરી નથી.

વર્જિન એટલાન્ટિકે શું કહ્યું?

વર્જિન એટલાન્ટિકના પ્રવક્તાએ કહ્યું કે, અમારી ફ્લાઈટ 2 એપ્રિલે લંડન હીથ્રોથી મુંબઈ એરપોર્ટ પર ટેકઓફ થવાની હતી, જોકે મેડિકલ ઈમરજન્સીના કારણે ફ્લાઈટનું તાત્કાલીક તુર્કેઈ એરપોર્ટ પર લેન્ડિંગ કરવામાં આવ્યું છે. અમારા ગ્રાહકો અને ક્રૂની સલામતી હંમેશા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને મુસાફરોને થયેલી અસુવિધા બદલ અમે માફી માંગીએ છીએ. અમારા એન્જિનિયરો ફ્લાઈટની ટેકનિકલ તપાસ કરી રહ્યા છે.

ભારતે તમામ મુસાફરોને પરત લાવવાના પ્રયાસ શરૂ કર્યા

એવું કહેવાય છે કે, ભારતીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તૂર્કેઈની એરપોર્ટ ઓથોરિટીને ફોન કર્યો છે. પુણેના સાંસદ મુરલીધર મોહોલ અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફણડવીસને પણ માહિતી પહોંચાડવામાં આવી છે. મંત્રાલયે આશ્વાસન આપ્યું છે કે, તેમણે એક અધિકારીની નિમણૂક કરી છે અને તમામ મુસાફરોને પરત લાવવા માટે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે


Related Posts

Load more